Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

થિયેટરો ખોલવાની મંજુરી મળતા બોલીવુડના ફરી અચ્છે દિન શરૂ થશેઃ અમિષા પટેલ

ગુજરાત મારૂ ઘર, રાજકીય કે ખેડૂત આંદોલન અંગે ટીપ્પણી કરવાનો ઇન્કાર : વેબસીરીઝે કલાકારો માટે નવા દ્વાર ખોલી નાખ્યા, હું પણ વેબની દુનિયામાં પદાર્પણ કરીશ હાલ સ્ક્રીપ્ટ ઉપર કામ ચાલુ છે

રાજકોટઃ શહેરના જાણીતા એસએસ સ્વીટસના નમકીનના લોન્ચીંગ પ્રસંગે બોલીવુડની જાણીતી અભિનેત્રી અમિષા પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. તેઓએ જણાવેલ કે કોરોનાનું જોર ઘટતા તંત્ર દ્વારા થીયેટરો  ખોલવાની મંજુરી મળતા હવે બોલીવુડના અચ્છે દિન ફરી શરૂ થવાના એંધાણ મળી રહયા છે.

 અમિષા પટેલે જણાવેલ કે કોરોનાની મહામારીમાં હવે બોલીવુડના કલાકારોનો ટ્રેન્ડ બદલાઇ ગયો છે. હાલ વેબસીરીઝનો યુગ છે. અલગ-અલગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતા કલાકારો માટે વેબસીરીઝે નવા દ્વાર ખોલી નાખ્યા છે. અભિનય, સંગીત, ડાયરેકશન માટે વેબસીરીઝ એક મોટુ પ્લેટફોર્મ બની ગયું છે. કોઇપણ કલાકાર કોઇપણ ભાષામાં વેબસીરીઝ બનાવે છે જે દેશભરમાં ચાલે છે હું પણ વેબની દુનિયામાં પદાર્પણ કરી રહી છુ, હાલ સ્ક્રીપ્ટ ઉપર કામ ચાલી રહયું છે.

એક પ્રશ્નના જવાબમાં અમિષાએ કહેલ કે ફિલ્મસીટી દરેક શહેરમાં હોવી જ જોઇએ જે દેશના દરેક શહેરની એક આગવી ઓળખ છે. કોરોના અને લોકડાઉનના કારણે દુનિયાભરના ઉદ્યોગોને ભારે અસર થઇ છે. આપણે ધીમી પણ મકકમ પ્રગતિ કરી રહયા છીએ. અમિષાએ હાલમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન, રાજકીય બાબતો ઉપર પોતાની ટીપ્પણી કરવાની ના પાડી દીધી હતી. જો કે તેણે કહ્યું કે હું એક ગુજરાતી છું ગુજરાત આવી હોય ત્યારે મારા ઘરે આવી હોય તેવો અહેસાસ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમિષા પટેલે છેલ્લા બે દાયકાથી બોલીવુડ ક્ષેત્રે છે, કહોના પ્યાર હે ફિલ્મથી કારકીર્દીની શરૂઆત કરેલી. ગદર, ભુલભુલૈયા, હમરાઝ સહિત અનેક હિટ ફિલ્મો તેમણે આપી છે.

(3:39 pm IST)