Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં.૧માં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ

વોર્ડ નં.૧માં હવે ૩ ઉમેદવારો મેદાનમાં રહેશેઃ બાકી તમામ ફોર્મ માન્‍યઃ ભાજપના ૭૨ વિરૂદ્ધ કોંગીના ૭૧ ઉમેદવારોનો જંગ : ફોર્મ ભરેલ ભરતભાઇ શિયાળના નામે, કોંગ્રેસનો મેન્‍ડેટ આવેલ ભરતભાઇ આહિરના નામેઃ વાસ્‍તવમાં ભૂલ કે પછી...?

રાજકોટ, તા., ૮: રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ ના કોંગી ઉમેદવારના ફોર્મ સાથેના મેન્‍ડેટમાં  નામભૂલ  થતા ભારે સસ્‍પેન્‍સ સર્જાયુ હતું.  દરમિયાન બપોરે  ૩ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે વોર્ડ નં. ૧ના કોંગી ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ કરાયાનું કલેકટરશ્રીએ જાહેર કર્યાનું ટોચના આધારભૂત વર્તુળો જણાવે છે.

મ.ન.પા.ની ચૂંટણીના ઉમેદવારોની ફોર્મ ચકાસણી આજે સવારે ૧૧ વાગ્‍યાથી શરૂ થયેલ. જેમાં જુની કલેકટર કચેરી ખાતે ૧૨ વોર્ડના ઉમેદવારો પૈકી વોર્ડ નં. ૧નાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા આ વોર્ડમાં કોંગ્રેસમાં ત્રણ જ ઉમેદવાર મેદાનમાં છે.

જ્‍યારે વોર્ડ નં. ૨ અને ૩ પેનલ અંગે બપોરે ૨ાા વાગ્‍યા સુધી વાંધા - સૂચનોની દલીલો ચાલી હતી અને વોર્ડ નં. ૧૫માં પણ વાંધા સુચનોને કારણે ૩ વાગ્‍યા સુધી નિર્ણય પેન્‍ડીંગ હતા. તથા વોર્ડ નં. ૧૬માં કોંગ્રેસની આખી પેનલનો નિર્ણય પણ મોડે સુધી અટકયો હતો.

આજે સવારે સૌ પ્રથમ વોર્ડ નં. ૧નાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ શિયાળ (આહિર)નું ફોર્મ રદ્દ થતાં ભાજપના ઉદય કાનગડે એવો દાવો કરેલ કે ‘મેન્‍ડેટ' નહી હોવાથી ફોર્મ રદ્દ થયેલ.

જ્‍યારે સામાપક્ષે કોંગ્રેસે એવો દાવો કરેલ કે ફોર્મમાં નામમાં ક્ષતિ રહી ગયેલ. ભરતભાઇ શિયાળને બદલે ભરતભાઇ આહિર લખાઇ ગયું હતું પરંતુ આ ક્ષતિઓ દુર કરવા માટે ચુંટણી પંચના પરિપત્ર મુજબ સમયસર ચુંટણી અધિકારીને ઉમેદવાર અરજી આપવા ગયા તો તેઓએ સ્‍વીકારી નહી. આમ, આ પ્રકરણમાં શાસકોની કિન્‍નાખોરી છે. બાકી આ ઉમેદવારોના મેન્‍ટેડ સમયસર ચુંટણી અધિકારીને આપ્‍યા છે અને તે સ્‍વીકાર્યા પણ છે.

જ્‍યારે વોર્ડ નં. ૧૬ના વલ્લભ પરસાણા, ઇશાકભાઇ ઠેબા, ગાયત્રીબેન ભટ્ટ અને રસીલાબેનગ ેરૈયા આ ૪ ઉમેદવારોની પેનલના ફોર્મ મેન્‍ડેટમાં અધિકૃત મહાનુભાવની ૨ સહી હોવાના ભાજપના વાંધાને કારણે ૪ વાગ્‍યા સુધી અટકાવાયેલ.

જ્‍યારે વોર્ડ નં. ૨ કોંગ્રેસના ઉમેદવારો અતુલ રાજાણી, વંદનાબા જાડેજા, યુનુસ જુણેજા, નિમીષાબેન પંડયાના ફોર્મ પણ મેન્‍ડેટમાં ૨ સહીના વાંધાને કારણે અટકાવાયેલ.

વોર્ડ નં. ૩માં પણ ગાયત્રીબા, અશોકસિંહ વાઘેલા, દાનાભાઇ હુંબલ, દિલીપ આશવાણી, કાજલબેન પુરબિયાના ફોર્મની ચકાસણી ૨ાા વાગ્‍યા સુધી ચાલુ હતી.

વોર્ડ નં. ૧૫માં પણ કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયાની પેનલ અંગે ૩ વાગ્‍યા સુધી વાંધા - સુચનો ચાલુ છે.

આમ જુની કલેકટર કચેરી ખાતે ફોર્મ રદ્દ થવાના મામલે જબરી ધમાલ અને દોડધામ મચી હતી.

જો કે મેન્‍ડેટમાં બે સહીવાળા તમામ કોંગ્રેસના ફોર્મ માન્‍ય રહ્યા છે.

(3:41 pm IST)