Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઓનલાઇન છેતરાયેલા વાવડીના વેપારીને સાયબર ક્રાઇમ પોલીસે લિસ્‍બેનની બેંકમાંથી રૂા. ૨૧ લાખ પરત અપાવ્‍યા

એરકૂલીંગના સ્‍પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા વેપારીનું ઇ-મેઇલ આઇડી હેક કરી નાણા મળ્‍યા નથી એવો ખોટો મેઇલ કરી પોર્ટુગલના લિસ્‍બન શહેરની બેંકમાં નાણા જમા કરાવી દીધા હતાં: રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે બેંકોને તાત્‍કાલીક મેઇલ કરી નાણા : પરત અપાવવા પ્રયત્‍નો કર્યા ને સફળતા મળી : એસીપી જી. ડી. પલસાણાની રાહબરીમાં પીઆઇ ફર્નાન્‍ડીઝ, પીઆઇ કાતરીયા, પીએસઆઇ ગઢવી અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૮: શહેરના વાવડીમાં રાજ કૂલીંગ નામે એર કૂલીંગના સ્‍પેરપાર્ટસનો વેપાર કરતાં શિતલ પાર્ક ૧૫૦ રીંગ રોડ અવંતિકા પાર્ક બ્‍લોક નં. ૧૩૨માં રહેતાં વેપારી સંદિપભાઇ પ્રવિણભાઇ સાંકળેચા (ઉ.વ.૩૫)નું ઇ-મેઇલ આઇડી હેક કરી તેઓ જે ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતાં હતાં તેના નામે ગઠીયાએ મેઇલ કરી પેમેન્‍ટ મળેલ નથી તેમ જણાવી બીજો એકાઉન્‍ટ નંબર મોકલી તેમાં નાણા ટ્રાન્‍સફર કરવા જણાવતાં વેપારી સંદિપભાઇએ પોર્ટુગલ કંપનીના લિસ્‍બન શહેરના નોવાબેંકા નામની બેંકનું હતું તેમાં રૂપિયા ટ્રાન્‍સફર કર્યા હતાંઉ ભારતીય ચલણના ૨૧ લાખ રૂપિયાની તેમની સાથે છેતરપીંડી થઇ હોઇ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતાં ટીમે ગંભીરતાથી તપાસ શરૂ કરી અલગ અલગ બેંકોનો સંપર્ક કરી વેપારીને રૂા. ૨૧ લાખ પરત અપાવ્‍યા છે.

સંદિપભાઇ પોતાની રાજ કૂલીંગ કંપની મારફત એર કૂલીંગના સ્‍પેર પાર્ટસનો ધંધો ચાઇનીઝ કંપની પાસેથી ઇન્‍ટરનેશનલ ટ્રેડિંગથી કરતાં હતાં. આ કંપની સાથે તેઓ વારંવાર ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટની નાણાકીય લેવડ દેવડ સ્‍વીફટમોડ પેમેન્‍ટથી કરતાં હતાં. તા. ૨૦/૧/૨૧ના રોજ રાજ કૂલીંગ દ્વારા યુએસ $28521 (ભારતીય ચલણ રૂા. ૨૧ લાખ) ચાઇનીઝ કંપનીના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી હતી. આ કંપનીના ઇ-મેઇલ આઇડીને એક હેકરે હેક કરી મળતા નામવાળુ ઇ-મેઇલ આઇડી બનાવી રાજ કૂલીંગ કંપનીને મેઇલ કરીને જણાવેલ કે અમારી કંપનીને પેમેન્‍ટ મળેલ નથી.

આમ કહીને નવું બેંક એકાઉન્‍ટ પોર્ટુગલ કંપનીના લિસ્‍બન શહેરના નોવાબેંકા નામની બેંકનું અપાયું હતું. જેથી વેપારીએ તેમાં રકમ રૂા. ૨૧ લાખ જમા કરાવ્‍યા હતાં. પરંતુ બાદમાં ઠગાઇ થયાની ખબર પડતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી સાયબર ક્રાઇમ જી. ડી. પલાસણાની રાહબરીમાં પીઆઇ વી. જે. ફર્નાન્‍ડીઝ, પીઆઇ બી. એમ. કાતરીયા અને પીએસઆઇ જે. કે. ગઢવીએ તપાસ શરૂ કરી હતી. તેમજ અરજદારને સાથે રાખી સંલગ્ન તમામ બેંકને તાત્‍કાલીક ઇ-મેઇલ કરી નાણા પરત અપાવવા પ્રયાસો કર્યા હતાં. અંતે તા. ૫/૨/૨૧ના રોજ છેતરાયેલા સંદિપભાઇને નાણા રૂા. ૨૧ લાખ પરત મળી ગયા હતાં.

સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો

* જ્‍યારે પણ કોઇ ઇન્‍ટરનેશનલ કંપની સાથે ટ્રેડિંગ કરતાં હો ત્‍યારે કંપની ખરેખર હયાત છે કે કેમ તેની પુરતી માહિતી મેળવી લેવી.

* ઇન્‍ટરનેશનલ ટ્રેડિંગ કંપની ભારતમાં ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટ કરે છે કે કેમ તેની વિગતો ઓનલાઇન વેબ પોર્ટલ ઇન્‍ડિયન ટ્રેડ પોર્ટલ પરથી જાણી શકો છો.

* આવી કંપનીની ઓનલાઇન વેબસાઇટ હોય તો તે વેબસાઇટ ઉપર જઇને તેના ઇ-મેઇલ આઇડી તથા કોન્‍ટેક્‍ટ નંબર વેરીફાઇ કરી લેવા.

* જ્‍યારે પણ તમે ઇ-મેઇલ મારફત વ્‍યવહાર કરતાં હો ત્‍યારે હમેંશા ઇ-મેઇલ વેરીફાઇ કરી લેવું કે એ જ ઇ-મેઇલ આઇડી છે કે કેમ.

* નાણાકીય લેવડ દેવડ કરતાં પહેલા  બેંક એકાઉન્‍ટ વેરીફાઇ કરીને રિસીવર કંપનીનું એપ્રુવલ લઇને જ પેમેન્‍ટ કરવું. તથા પેમેન્‍ટ થઇ ગયા બાદ રિસીવર કંપનીને પેમેન્‍ટ મળી ગયું છે કે કેમ? તેની ખાત્રી કરી લેવી.

* યુસીપીડીસી ૬૦૦ ફેડાઇ-આબીઆઇએલસી ઇન્‍ટરનેશનલ ચેમ્‍બર ઓફ કોમર્સ તથા બેંકીંગ નોર્મ્‍સ મુજબ યુસીપીડીસી-૬૦૦ લેટર ઓફ ક્રેડિટ ઉપર નાણાકીય લેવડ દેવડ કરવી હિતાવહ છે.

(4:27 pm IST)