Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વિપતિઓ અને વેદના જોનારાઓ જ જીવનમાં સફળતા સર્જી શકેઃ પૂ. નમ્રમુનિ મહારાજ

નવ નવ આત્માઓનો 'અભયદયાણં- આત્મકલ્યાણં' આત્મયાત્રા દીક્ષા મહોત્સવઃ મુમુક્ષુ અલ્પાબેનની સંયમ યાત્રા હજારો હૃદયને સત્યનું ભાન કરાવી ગઇ

રાજકોટ, તા.૮: સંસારની દરેક લાગણીઓથી મુકત બનીને સંયમમાં માર્ગ પર સ્વયંથી જ સ્વયંની જવાબદારીપૂર્વક સંયમને પૂર્ણ બનાવવાના બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે, હજારો હજારો વર્ષોથી પ્રભુ નેમનાથની ગૌરવગાથા સંભળાવી રહેલાં ગિરનાર પર્વતમાળાના ઉંચેરા શિખરોની સાક્ષીએ શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિત નવ નવ આત્માઓના દીક્ષા મહોત્સવને આજનો અવસર અનેકોની આત્માને જાગૃત કરી ગયો હતો.

જીવનની ક્ષણ ક્ષણ પ્રભુ આજ્ઞામાં સમર્પિત કરી રહેલાં નવ નવ આત્માઓની અનુમોદના કરતાં સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઇ શેઠ પરિવાર તેમજ લાભાર્થી શ્રી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુ શ્રી ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રી શ્રેમબેન ખંધાર, મુમુક્ષુ શ્રી એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ શ્રી નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ શ્રી અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ શ્રી આયુષીબેન મહેતા, મુમુક્ષુ શ્રી નિધિબેન મડીયા, મુમુક્ષુ શ્રી મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ શ્રી દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના આજના બારમા દિવસે 'વી જૈન વન જૈન' સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઇવના માધ્યમે જોડાઇને સંયમની અનુભૂતિ કરી ધન્ય બન્યાં હતાં.

સંયમ ધર્મની શોર્યગાથા ગજાવી રહેલાં નેમ દરબારના શામિયાતામાં અત્યંત અહોભાવ સાથે મુમુક્ષુશ્રી અલ્પાબેનના સ્વાગત વધારમણા કરવામાં આવ્યા હતાં.

દરેક હૃદયને આત્મનત કરી દેનારી આત્મસ્પર્શી વાણી ફરમાવતાં આ અવસરે પરમ ગુરૂદેવે કહ્યું હતું કે, ઇતિહાસ હમેંશા એવા જ આત્માઓનો લખાતો હોયો છે જેની કલમ અને સ્યાહી વિપતિઓની બનેલી હોય છે. અનુ કૂળતાીન સ્યાહી હમેંશા નજીવો તડકો પડતાં જ ઉડી જતી હોયો છે. જીવનમાં જેણે અનુ કૂળતાઓ જ જોઇ છે એણે વાસ્તવિકતામાં જીવન જીવ્યું જ નથી પરંતુ જેમણે જીવનમાં વિપત્તિઓ અને વેદનાઓ જોઇ છે એણે જ જીવનમાં સફળતા સર્જી છે. એક આત્મા જયારે સંયમના માર્ગ પર નીકળે છે ત્યારે તેને કસોટીની અનેક અનેક સોટીઓ ખાવી પડતી હોય છે.

પરંતુ અનેક પ્રકારની મુંઝવણોમાંથી હાર્યા વિના જે મક્કમતાની ચાવીનો ઉપયોગ કરી જાણે છે તેના માટે સંયમના દ્વાર ઉઘડી જતા હોય છે. માટીના ઘડાને જેમ ભઠ્ઠીમાં તપાવીને પાકો કરવામાં આવે એમ એક સંયમ પિપાષુ આત્માને જયારે સમયની ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે ત્યારે તે પાકેલા ઘડામાં ભરવામાં આવેલો સંયમ સ્વ અને પર બંને માટે કલ્યાણાકારી બનતો હોય છે. સંયમ લેવા માટે પણ જે સંયમ રાખનારા હોય છે એનો સંયમ, લીધા પછી સંપૂર્ણ અને સાર્થક બની જતો હોય છે સંયમનું જીવન તે લાગણીવિહિન જીવન હોય છે જેના હૃદયમાં લાગણી છે એને સંયમ હંમેશા ઝેર લાગતું હોય છે પરંતુ સંયમ રૂપી અમૃતમાં જયારે લાગણીઓ ભળે છેત્યારે સંયમ પણ ઝેર બની જતું હોય છે અંતરની દરેક લાગણીમાંથી જયારે મુકિત મળે છે ત્યારે સંયમનું પ્રાગટય થતું હોય છે. માટે જ અંતર જયારે પુર્ણપણે લાગણીઓથી મુકત બને છે ત્યારે આત્મામાં સંયક સ્થિર બનવા લાગે છે જેને સંસારની કોઇપણ વ્યકિતની યાદ ન આવે એવા આત્માઓને જ પ્રભુ યાદ કરતાં હોય છે કોઇના કહેવા કરતાં પણ જયારે સંયમ સ્વયંના અંદરમાંથી પ્રગટ થાય છે ત્યારે તેનો સંયમ પરિપુર્ણ બનતો હોય છ.ે

પરમ ગુરૂદેવના આવા મધુર બોધ વચનો સાથે આ અવસરે મુમુક્ષુ  શ્રી અલ્પાબેનની જીવન કથનીના પ્રેરણાત્મક દુશ્યાંકન નિહાળીને ઉપસ્થિત સહુ સત્ય ધર્મ પ્રત્યે પ્રેરિત બન્યા હતા.

એ સાથેજ શ્રી અલ્પાબેનના શ્રીમુખેથી પ્રગટ થયેલા સંયમ અને વૈરાગ્યલક્ષી ભાવો સહુને અહોભાવિત કરી ગયા હતા.

આત્માને જાગૃત કરી દેતા આવા અવસરો અંતર્ગત મુમુક્ષુ શ્રીમિશ્વાબેનની આત્મકથાની પ્રેરણાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

દીક્ષા મહોત્સવ જયારે પરાકાષ્ઠા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તા. ૧૪ ના રવિવાર સવારના ૮.૩૦ કલાકથી નવ-નવ આત્માઓને પ્રભુ પંથ પર પ્રયાણ કરાવતાં શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવમાં દીક્ષા મંત્ર પ્રદાન કરવામાં આવશે.

પ્રભુ પંથ અને પ્રભુ પંથના પથિકોની અનુમોદનાના આ અવસરોમાં પધારવા સહુ પ્રભુપ્રેમી ભાવિકોને શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

(4:36 pm IST)