Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં. ૭ થી ૯ માં કોંગ્રેસ-ભાજપ-આપ તમામના ફોર્મ માન્‍યઃ ભાજપે કોંગ્રેસના મેન્‍ડેટમાં બે સહી હોવાના લીધેલા વાંધા ફગાવી દેતા R.O. પૂજા બાવડા

કશ્‍યપ શુકલે લેખીતમાં માંગતા તંત્રે તે પણ તૈયારી દર્શાવીઃ હવે કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ... : વોર્ડ નં. ૪ માં ભાજપના ઉમેદવાર સામે ત્રણ બાળક છે તેવો વાંધો આવ્‍યો પણ તે ફગાવાયો

રાજકોટ તા. ૮ :.. આજે રાજકોટ મહાનગરપાલીકાની ૧૮ વોર્ડમાં પક્ષો દ્વારા ભરાયેલ ફોર્મની ચકાસણી ચાલી રહી છે.

આજે નવી કલેકટર કચેરી વોર્ડ નં. ૭ થી ૯ ના ફોર્મની ચકાસણી રીર્ટનીંગ ઓફીસર શ્રી પુજા બાવડાએ ત્રીજા માળે હાથ ધરી હતી. સવારે ૧૧ થી ૧ દરમિયાન તમામ ત્રણેય વોર્ડની ચકાસણી પૂરી થઇ હતી, અને તેમાં ભાજપ-કોંગ્રેસ-આપ તમામના ફોર્મ માન્‍ય રહયા હતા, એનસીપીના ઉમેદવાર - અપક્ષ ઉમેદવારના ફોર્મ પણ માન્‍ય રહ્યા હતાં.

આજે ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના દરેક ઉમેદવાર સામે કોંગ્રેસના મેન્‍ડેટમાં બે સહી હોય, તે ફોર્મ રદ થાય તેવો વાંધો ઉઠાવ્‍યો હતો, પરંતુ રીર્ટનીંગ ઓફીસર શ્રી પુજા બાવડાએ ભાજપનો આ વાંધો ફગાવી દીધો હતો અને કોંગ્રેસના ત્રણેય વોર્ડમાં ફોર્મ માન્‍ય રહ્યા હતાં.

આર. ઓ. દ્વારા ફોર્મ માન્‍ય રખાતા ઉમેદવારના પ્રતિનિધી તરીકે હાજર ભાજપના શ્રી કશ્‍યપ શુકલએ ચૂંટણી અધિકારી પાસે લેખીતમાં માંગતા  - અધિકારી દ્વારા લેખીતમાં દેવાની તૈયારી બતાવાઇ હતી, અને પોતે લેખીતમાં આપશે તેમ જણાવી દિધુ હતું.

વોર્ડ નં. ૭ માં ભાજપના મહિલા ઉમેદવાર વર્ષાબેન પાંધી સામે ૩ બાળક હોવાનો વાંધો એનસીપીના ઉમેદવારે ઉઠાવ્‍યો હતો, પરંતુ આ સામે ભાજપના ઉમેદવાર દ્વારા ત્રીજા બાળક અંગે ર૦૦૬ પહેલાના પુરાવા અપાતા તે વાંધો રદ થયો હતો.

અત્રે એ નોંધનીય છે કે, કોંગ્રેસના દરેક ઉમેદવારના ફોર્મમાં બે પ્રદેશ ઉપપ્રમુખોની સહી છે, જેમાં વિજયભાઇ દવે અને બાલૂભાઇ પટેલનો સમાવેશ થાય છે. આ બંને આગેવાનોની સહી હોય ભાજપે હવે સહી નો ચાલે તેવો વાંધો ઉઠાવ્‍યો હતો. પરંતુ આર. ઓ. દ્વારા તે વાંધો રદ કરાયો હતો.

(4:44 pm IST)