Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

નવી-જૂની કલેકટર કચેરીમાં ફોર્મ ચકાસણી સમયે અરજદારો-પત્રકારોને નો એન્‍ટ્રીઃ ભારે દેકારોઃ અરજદારો રખડયા

દરેક રીટર્નીંગ ઓફિસરે પોલીસ સાથે મીટીંગ કરી વ્‍યવસ્‍થા ગોઠવતા સવારથી દરવાજા બંધ કરી દીધા : કલેકટર-એડી. કલેકટર સુધી ફરીયાદોઃ સેંકડો અરજદારો રેશનીંગકાર્ડ, આધારના દાખલા, ઈ-ધરા ન જઈ શકયા

આજે ફોર્મ ચકાસણી દરમિયાન નવી અને જુની કલેકટર કચેરી ખાતે પોલીસે ઉમેદવાર-તેના બે ટેકેદાર અને લીગલ એડવાઇઝર સિવાય કોઇને પણ એન્‍ટ્રી નહી કરવા દેવાતા અરજદારો અને પત્રકારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. તસ્‍વીરમાં એન્‍ટ્રીના બંન્ને દરવાજા બંધ કરાયા. જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૮: આજે ફોર્મ ચકાસણી રાજકોટ મહાનગર પાલીકા અંગે ચાલુ છે. પરંતુ આ ચકાસણી દરમિયાન તંત્રે ભારે કડક વલણ અપનાવતા સામાન્‍ય વર્ગના લોકો અને પત્રકારો હેરાન-પરેશાન થઇ ગયા હતા.

નવી-જુની બંને કલેકટર કચેરીએ તમામ આર.ઓ.એ ગઇકાલે પોલીસ સાથે મીટીંગ કરી જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો., આજ કારણે નવી-જુની બંને કલેકટર કચેરીએ અરજદારો પોતાના કામ માટે આવી શકયા ન હતા. રખડી પડયા હતા ભારે ધરમધકકા થયા હતા તો આ વખતે ફોર્મ ચકાસણીમાં પત્રકારો અને પ્રેસ-ફોટોગ્રાફરોને નહીં જવા દેવાતા તે બાબતે દેકારો મચી ગયો હતો, રીટર્નીંગ ઓફીસરોએ રાજયચૂંટણી પંચની સુચના હોય, પત્રકારોને નો-એન્‍ટ્રી હોવાનું જણાવી દીધુ હતું.

ખાસ કરીને જુની કલેકટર કચેરીએ ઇ-ધરામાં ૭/૧ર, ૮-અ ના દાખલા, આવકના દાખલા, ક્રિમીલેયર સર્ટીફીકેટ માટે આવેલા સેંકડો અરજદારોને એન્‍ટ્રી અપાઇ ન હતી, બંને દરવાજા બંધ કરી દેવાયા હતા. આ બાબતે કલેકટર -એડી. કલેકટર સુધી ફરીયાદો થઇ પરંતુ પોલીસને કાંઇ સુચના અપાઇ ન હોય, પોલીસનું કડકવલણ સખત ચાલુ રહ્યું હતું.

(4:46 pm IST)