Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આ..લે..લે.. વોર્ડ નં. ૪માં કોંગ્રેસના ડમી ઉમેદવાર હવે ચૂંટણી લડશે

નારણભાઇને ૩ સંતાન હોવાથી ફોર્મ થયું રદ : હવે ડમી ઉમેદવાર રામજીભાઇ ઝીલરીયા (આહીર) માન્‍ય ઉમેદવાર : વોર્ડ નં. ૪માં ભાજપે કોંગીના ઉમેદવારનો વાંધો ઉઠાવ્‍યો હતો : વોર્ડ નં. ૪માં ૧૯, વોર્ડ નં. ૫માં ૧૫ તથા વોર્ડ નં. ૬માં ૧૫ ફોર્મ માન્‍ય

વોર્ડ નં. ૪માં કોંગ્રેસના નારાણભાઇ સવસેટાને ૩ સંતાન હોવાને કારણે ફોર્મ રદ થતા હવે ડમી ઉમેદવાર રામજીભાઇ આહીર ચૂંટણી લડશે. ઉપરોકત તસ્‍વીરમાં ડમી ઉમેદવાર અને ફોર્મ રદ થયેલ ઉમેદવાર નજરે પડે છે. (તસ્‍વીર :અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૮: આગામી મ.ન.પા.ની ચૂંટણીના ૧૮ વોર્ડના તમામ ઉમદેવારોના ફોર્મ ચકાસણી વિવિધ સ્‍થળે કરવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં. ૪ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવતા જેમાં વોર્ડ નં. ૪ના નારાણભાઇ સવસેટાને ૩ પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયુ હતું. હવે વોર્ડ નં. ૪માં નારણભાઇની જગ્‍યાએ ડમી ઉમેદવાર રામજીભાઇ આહીરનું ફોર્મ ચૂંટણી અધિકારી ડી.બી.આર્યએ માન્‍ય રાખતા હવે ડમી ઉમેદવાર રાજભાઇ ચૂંટણી લડશે. જ્‍યારે વોર્ડ નં. ૪માં ૧૯ , વોર્ડ નેં ૫ અને વોર્ડ નં. ૬માં ૧૫ ફોર્મ માન્‍ય રહ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૧૦ વાગ્‍યે શહેરનાં જામનગર રોડ પર આવેલ સીટી સર્વે ભવનમાં વોર્ડ નં. ૪,૫,૬ના ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી ચૂંટણી અધિકારી ડી.બી. આર્યની અધ્‍યક્ષતા પ્રારંભ કર્યો હતો. સૌપ્રથમ વોર્ડ નં. ૪ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવાર નારાણભાઇ સવસેટા ને ૩ સંતાન હોવાની વાંધો ઉઠાવ્‍યો હતો અને આ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીએ ફોર્મની ચકાસણી કરી ભાજપની વાંધા અરજી માન્‍ય રાખતા નારાણભાઇ સવસેટાનું ફોર્મ રદ થયું હતું. તેમની જગ્‍યા એ ડમી ઉમેદવાર રામજીભાઇ ઝીલરીયા (આહીર)નું ફોર્મ ચકાસણી કરી માન્‍ય ઉમેદવાર ચૂંટણી અધિકારીએ જાહેર કર્યા હતા.

આ ફોર્મ ચકાસણીમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વાંધા અરજીઓ રજુ કર્યા હતા.

આ દરમિયાન વોર્ડ નં. ૪માં આપ-૪ ભાજપ -૪ તથા કોંગ્રેસ -૪, બીએસપી -૧, અપક્ષ -૪ તથા NCP -૨ સહિત કુલ ૧૯ ફોર્મ તથા વોર્ડ નં. ૫માં ભાજપ -૪, કોંગ્રેસ-૪, આપ-૪, NCP-૧, અપક્ષ -૨ સહિત ૧૫ ફોર્મ માન્‍ય રહ્યા હતા તથા વોર્ડ નં. ૬માં ભાજપ -૪, કોંગ્રેસ -૪ , આપ -૪, NCP-૨, અપક્ષ -૧ સહિત ૧૫ ફોર્મ માન્‍ય રહ્યા હતા. 

સીટી સરવે ભવન ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન ધારાસભ્‍ય અરવિંદ રૈયાણી, પુર્વ ડે. મેયર અશ્વિન મોલીયા તથા કોંગી અગ્રણી મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, જસવંત ભટ્ટી સહિતના આગેવાનો તમામ ઉમેદવારો,ટેકેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:46 pm IST)