Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વ્‍યાજખોરો સામેની ઝુંબેશ રંગ લાવી : રાજકોટ રેન્‍જના ૫ જિલ્લામાં ૧૮૮ વ્‍યાજખોરોની ધરપકડ

૧૮૮ પૈકી ૪૧ વ્‍યાજખોરો હજુ જેલમાં છે : રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ

રાજકોટ તા. ૭ : રાજયભરમાં વ્‍યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં રાજકોટ રેન્‍જના ૫ જિલ્લામાં ૧૮૮ વ્‍યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવે જણાવાયું છે કે સામાન્‍ય નાગરીકોને વ્‍યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્‍યકિતઓ પર કાયદાની લગામ કસવાના ગૃહમંત્રીના આદેશને પગલે સમગ્ર રાજયમાં પોલીસ દ્વારા તા.૦૫થી ૩૧ જાન્‍યુઆરી સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્‍યાન રાજકોટ રેન્‍જના તાબાના તમામ જીલ્લાઓમાં કુલ - ૬૦૦થી વધુ સ્‍થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબાર દરમ્‍યાન વ્‍યાજખોરીની ચુંગલમાં ફસાયેલ લોકોની દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૩, જામનગર જીલ્લામાં ૨૧, મોરબી જીલ્લામાં ૧૪, રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં ૧૩ તથા સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૧૩ મળી કુલ-૭૪ રજુઆતો મળેલ હતી. જે ૭૪ રજુઆતો પૈકી ૪૬ રજુઆતોમાં ત્‍વરીત ગુનાઓ રજીસ્‍ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્‍ય ૨૮ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહેલ છે.

સ્‍પેશિયલ ડ્રાઇવ દરમ્‍યાન દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૨૩ આરોપીઓની - ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૨ આરોપીઓ હાલે જેલ હવાલે છે. જામનગર જીલ્લામાં ૨૯ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. મોરબી જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૦૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં ૨૭ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૬૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.આમ રાજકોટ રેન્‍જ જીલ્લાઓમાં કુલ-૧૧૨ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાઓમાં સંડોવાયેલ ૧૮૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ૪૧ આરોપીઓ હાલે જેલ હવાલે છે.

વધુમાં રાજકોટ રેન્‍જ દ્વારા વ્‍યાજખોરીના ભોગ બનેલા લોકોએ કોઇપણ જાતના ભય વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. વ્‍યાજખોરી સામે શરૂ કરેલી આ ઝુંબેશને વધુને વધુ અસરકારક બનાવવા માટે તેમજ છેવાડાના ગામો સુધી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તમામ જનતાને પોલીસને સહયોગરૂપ થવા પણ અપીલ કરાઈ છે.

(1:13 pm IST)