Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સિવિલ હોસ્‍પિટલમાં ડોક્‍ટરની દારૂ પીધેલી હાલતમાં ધરપકડઃ દારૂ પણ મળી આવ્‍યો

બાતમી પરથી ઇમર્જન્‍સીની કેસબારી પાસેના ડોક્‍ટર્સ રૂમમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ કરાર આધારીત ડોક્‍ટર છે, તપાસ કમિટી રચવામાં આવીઃ તબિબી અધિક્ષક ડો. એસ. પી. રાઠોડ

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્‍પિટલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગની બાજુમાં કેસબારી પાસે આવેલા ડોક્‍ટર્સ રૂમની અંદરથી એક ડોક્‍ટર દારૂ પીધેલી હાલતમાં પકડાઇ જતાં અને તેની પાસેથી પ્‍લાસ્‍ટીકની બોટલમાં ભરેલો આશરે દોઢસો રૂપિયાનો દારૂ પણ પકડાતાં હોસ્‍પિટલમાં ચકચાર મચી ગઇ હતી.

શહેર ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. કુલદિપસિંહ સહદેવસિંહ રાણાએ આ બનાવમાં ફરિયાદી બની ડો. સાહિલ હનિફભાઇ ખોખર (ઉ.વ.૨૭-રહે. મોચીનગર-૬, શેરી નં. ૫)માં વિરૂધ્‍ધ પ્રોહીબીશનની કલમો હેઠળ દારૂ પીવાનો અને ગેરકાયદેસર રીતે દારૂ કબ્‍જામાં રાખવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. કોન્‍સ. કુલદિપસિંહ, નગીનભાઇ ડાંગર, અમિતભાઇ અગ્રાવત, પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે નગીનભાઇ ડાંગરને માહિતી મળી હતી કે સિવિલ હોસ્‍પિટલમાં ઇમર્જન્‍સી રૂમની બાજુમાં કેસબારીની પાસેના ડોક્‍ટર્સ રૂમમાં ડો. સાહિલ ખોખર દારૂ પીધેલી હાલતમાં બેઠેલ છે અને તેની પાસે દારૂ પણ છે. આ માહિતીને આધારે ત્‍યાં પહોંચી તપાસ કરતાં બાતમી સાચી ઠરી હતી. ડોક્‍ટર નશો કરેલા મળતાં અને તેની પાસેથી દોઢસો મીલી જેટલો દારૂ મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇન્‍ચાર્જ તબિબી અધિક્ષક ડો. એસ. પી. રાઠોડે જણાવ્‍યું હતું કે જે ડોક્‍ટર પકડાયા છે તે કરાર આધારીત છે. તપાસ કરવા કમિટી રચવામાં આવી છે. ડો. કમલ ગોસ્‍વામી, ડો. મોનાલીબે માકડીયા અને આરએમઓની કમિટી ચોવીસ કલાકમાં રિપોર્ટ કરશે એ પછી આરોગ્‍ય વિભાગમાં જાણ કરવામાં આવશે.

(3:20 pm IST)