Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કાળીપાટ પાસે કારને અકસ્‍માતઃ સાળાના લગ્નમાંથી આવી રહેલા ઉદયનગરના અશોકભાઇ બંધીયાનું મોત

ઢસાના ચાવંડ ગામેથી આવતી વખતે બનાવઃ કાર પુલની દીવાલ સાથે અથડાઇ રોડ નીચે ઉતરી ગઇ

રાજકોટ,તા. ૮ : ભાવનગર રોડ કાળીપાટ નજીક વીઠ્ઠલભાઇ પાસે વહેલી સવારે સ્‍વીફટ કાર પુલની દીવાલ સાથે અથડાઇ પુલ નીચે ઉતરી જતા અકસ્‍માત સર્જાતા મવડીના ઉદયનગરના યુવાનનું ઘટના સ્‍થળે મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતા અશોકભાઇ હાડાભાઇ બંધીયા (ઉવ.૩૩) પોતાની જીજે-૩એફડી-૧૬૬૧ નંબરની સ્‍વીફટ કાર લઇને ઢસાના ચાવંડ ગામે સાળાના લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ કરી રાત્રે પોતાની કારમાં રાજકોટ આવતા હતા ત્‍યારે સરધારના કાળીપાટ નજીક વીઠ્ઠલવાવ પાસે વહેલી સવારે કાર અચાનક પુલની દીવાલ સાથે અથડાઇને રોડ નીચે ઉતરી જતા અકસ્‍માત સર્જાયો હતો. અને કારમાં બેઠેલા અશોકભાઇ બંધીયાને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા ત્‍યારબાદ કોઇએ જાણ કરતા યુવાનના પરિવારજનોએ તાકીદે સ્‍થળ પર પહોંચી ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી રમેશભાઇ તથા પાયલોટ મહિપતસિંહે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ એ.એન.મહેતા તથા એ.એસ.આઇ વી.બી. સુખાનંદી અને રાઇટર પ્રતાપભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક અશોકભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. એક પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(12:08 pm IST)