Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વર્ણીન્‍દ્રધામ પાટડી દ્વારા અગરિયા પરિવારોને હુંફ : ધાબળા વિતરણ

રાજકોટ ગુરૂકુલની શાખા દ્વારા પ્રશંસનીય સેવા કાર્ય

રાજકોટ ગુરૂકુળની વર્ણીન્‍દ્રધામ પાટડી સંસ્‍થા દ્વારા રણ વિસ્‍તારમાં મીઠુ પકવતા પરિવારોને સંતોના હસ્‍તે ધાબળા વિતરણ કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૮ : ગુજરાતના લેન્‍ડ રેકોર્ડમાં નજર ફેરવતા આંકડાઓની આંટી ઘૂંટીથી અળગો થઈ ઝીરોની ઝાંખી કરાવતો એક પ્રદેશ નજરે પડે. આ પ્રદેશ એટલે અમદાવાદથી ૧૦૦ કિલોમીટર દૂર પાટડી-ખારાઘોડાનું રણ. જે વિશ્વના ત્રીજા મહત્તમ મીઠું પકાવનારા દેશ ભારતનું ૨૫ ટકા મીઠું પકાવનાર પ્રદેશ છે છતાં વિકાસમાં ઝીરોથી આગળ વધ્‍યો જ ન હોય તેવું લાગે. કમરતોડ મહેનતથી પોતાના આયખા ખપાવતી આ અગરિયા પરિવારોની પેઢી દર પેઢી સદીઓથી સારાએ માનવ સમાજના સ્‍વાદમાં સબરસ ભરે છે છતાં પોતાને લુખ્‍ખા રોટલામાં જ સંતોષ માનવો પડે છે.

વિકાસની સ્‍પર્ધામાં આગળ ન આવી શકતા આ અગરિયા પરિવારોના ઉત્‍થાન માટે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાન સંચાલિત શ્રી વર્ણીન્‍દ્રધામ, પાટડી દ્વારા નિરંતર પ્રયાસ થતા રહે છે. જેમાં આ અગરિયા ગામોમાં પ્રવચન વ્‍યાખ્‍યાનો દ્વારા જીવન ઉત્‍કર્ષ, વ્‍યસન મુક્‍તિના કાર્યક્રમો, નિઃશુલ્‍ક દવા વિતરણ, તેમજ કુદરતી આપદાઓ દરમિયાન આ વર્ગની જરૂરીયાતો પૂરી કરવા હરહંમેશ તત્‍પર રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં અગરિયા પરિવારમાં ૪૦૦૦ જેટલા ધાબળા વિતરણ કરી સેવા કરેલી જેની યજમાની સૂરત નિવાસી ભીખાભાઈ સુતરીયાએ લીધેલી હતી.

(1:09 pm IST)