Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વેલનાથપરામાં રાતે છોકરીને મળવા ગયેલા કમલેશ વરૂ પર હુમલોઃ બચાવવા આવેલા ત્રણ ભાઇઓ પણ ઘાયલ

સતિષને માથામાં ધારીયાનો ઘા, વિરમનો હાથ ભાંગી ગયોઃ સિંધાને પણ ઇજાઃ સામા પક્ષે ઘેલા ટોયટા ઘવાયોઃ બી-ડિવીઝન પોલીસે નોંધી સામસામી ફરિયાદઃ કમલેશે કહ્યું-સતત મેસેજ કરીને મળવા બોલાવતાં મામા સાહેબના મંદિર પાસે જતાં જ હુમલો થયો

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર વેલનાથપરામાં આવેલા મામાસાહેબના મંદિર પાસે રાત્રીના બારેક વાગ્‍યે બે પરિવારો વચ્‍ચે ધારીયા, ધોકા, પાઇપથી મારામારી થતાં પાંચને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. એક યુવાનને પોતાની જ જ્ઞાતિની છોકરી સાથે ફોનમાં મેસેજની આપ લે શરૂ થઇ હોઇ છોકરીના ઘરે ખબર પડી જતાં તેને ઠપકો મળતાં મેસેજ બંધ કર્યા હતાં. ગત રાતે આ યુવાન અને છોકરી મંદિર પાસે ભેગા થયા ત્‍યારે છોકરીના કુટુંબીજનો આવી જતાં મારામારી ચાલુ થઇ ગઇ હતી.

વેલનાથપરા-૨૨માં રહેતાં અને રિક્ષા હંકારતાં ઘેલાભાઇ દેવાભાઇ ટોયટા (ઉ.૩૦) રાત્રીના સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. તેણે પોતાના પર કમલેશ વરૂ, સતિષ, વિરમ અને અજાણ્‍યાએ ધારીયા-પાઇપથી હુમલો કર્યાની રાવ કરી હતી.  સામા પક્ષે વેલનાથપરા-૧૧માં રહેતાં કમલેશ મેપાભાઇ વરૂ (ઉ.૨૩) તથા તેના ભાઇઓ સિંધા મેપાભાઇ વરૂ (ઉ.૨૮), વિરમ મેપાભાઇ વરૂ (ઉ.૨૦) તથા સતિષ મેપાભાઇ વરૂ (ઉ.૧૮) પણ ઘાયલ હાલતાં હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. આ લોકોએ પોતાના પર રાજા ઉર્ફ રાજુભાઇ ટોયટા, આલાભાઇ, છગનભાઇ સહિતે ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડયાનું કહેતાં બંને પક્ષની એન્‍ટ્રી હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે બી-ડિવીઝનમાં નોંધાવી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી કમલેશ વરૂએ કહ્યું હતું કે મારે સામા પક્ષની દિકરી સાથે બે મહિના પહેલા ઓળખાણ થતાં અમે મોબાઇલમાં એક બીજાને મેસેજ કરતાં હતાં. એ પછી તેણીના ઘરે ખબર પડી જતાં મને ઠપકો મળતાં મેં વાતચીત બંધ કરી હતી. પરંતુ ગઇકાલે ફરીથી મને મેસેજ ચાલુ થયા હતાં અને રાતે ઘર નજીક મામા સાહેબના મંદિરે પોતે છોકરીને મળવા ગયો હતો. એ સાથે જ છોકરીના કુટુંબીઓ રાજાભાઇ, આલાભાઇ, છગનભાઇ સહિતના આવી ગયા હતાં અને મારા પર હુમલો કર્યો હતો. મારા ભાઇઓ દેકારો સાંભળીને છોડાવવા આવતાં તેઓને પણ ઘાયલ કર્યા હતાં.

જો કે સામા પક્ષના ઘેલાભાઇ ટોયટાએ જણાવ્‍યું હતું કે અમારા કુટુંબની દિકરીને કમલેશ અગાઉ સમજાવવા છતાં ધરાર મેસેજ કરતો હતો અને ગત રાતે પણ તેણીને મળવા બોલાવતાં કુટુંબીજનોને ખબર પડી જતાં ત્‍યાં પહોંચી ગયા હતાં અને કમલેશને પકડી પોલીસ સ્‍ટેશને લઇ જવાની તૈયારી કરતાં હતાં ત્‍યાં કમલેશના ભાઇઓ આવી ગયા હતાં અને હુમલો કર્યો હતો.

બી-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને અશ્વિનભાઇ રાઠોડે આ બનાવમાં વેલનાથપરા-૨૨માં રહેતાં ઘેલા દેવાભાઇ ટોયટા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી કમલેશ મેપાભાઇ વરૂ, વિરમ મેપા, સતિષ મેપા અને સિંધા મેપા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ઘેલાએ કહ્યું હતું કે મારા કાકાના દિકરા રાજાભાઇની દિકરીને કમલેશ મળતો હોઇ રાજાભાઇ જોઇ જતાં તેમણે કમલેશને ઠપકો આપતાં કમલેશે પોતાના ભાઇઓને બોલાવી ધારીયાથી હુમલો કરતાં પોતાને અને ભાઇને ઇજા થઇ હતી.

જ્‍યારે કમલેશ મેપાભાઇ વરૂ (ઉ.૨૨)ની ફરિયાદ પરથી રાજા ભીમાભાઇ ટોયટા, આલા ભીમાભાઇ, છગન ભીમાભાઇ, ઘેલા દેવાભાઇ, લક્ષમણ કરસનભાઇ ટોયટા વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હતો. કમલેશે કહ્યું હતું કે પોતે રાજાભાઇની દિકરીને ઘર નજીક મામા સાહેબના મંદિર પાસે મળવા જતાં રાજાભાઇ જોઇ જતાં ધોકાથી હુમલો કરતાં પોતાને અને ત્રણ ભાઇઓને ઇજા થઇ હતી. જેમાં વિરમનો હાથ ભાંગી ગયો હતો અને સતિષને માથામાં ધારીયાનો ઉંડો ઘા લાગી ગયો હતો. તસ્‍વીરમાં ઘેલા ટોયટા અને સામા પક્ષના કમલેશ, વિરમ અને સતિષ સારવાર હેઠળ નજરે પડે છે.

(3:39 pm IST)