Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાયબર સલામતી દિવસ નિમિતે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરમાં યોજાયો લોક જાગૃતિ સેમિનાર

અજાણી લિંક, મેસેજ, એપ કે કોલથી સાવધાન રહો : એ.સી.પી. વિશાલ રબારી આવનારા સમયમાં આઇટીના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

રાજકોટ તા.  ૮ ડિજિટલ ટેક્‍નોલોજીનું પ્રમાણ વધતા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી બ્‍લેકમેઈલિંગના કિસ્‍સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેનાથી બચવા માટે જાગૃતિ તેમજ સતર્કતા જરૂરી હોવાનું સાઇબર ક્રાઇમ એ.સી.પી. શ્રી વિશાલ રબારીએ જણાવેલ.

‘‘વર્લ્‍ડ સેફર ઇન્‍ટરનેટ ડે'' અનુસંધાને રીજિયોનલ સાયન્‍સ સેન્‍ટર ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં સાઇબર ક્રાઈમ અંગે શ્રી રબારીએ  જણાવેલ કે, ટેક્‍નોલોજીની અજ્ઞાનતા, લોભ-લાલચ, ડર કે આળસને પરિણામે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના કિસ્‍સામાં મોટે ભાગે ગઠીયાઓ ઓ.ટી.પી. પિન નંબર કે ક્‍યુઆર કોડ સ્‍કેન કરાવી બેન્‍કમાંથી નાણાંની હેરફેર કરતા હોય છે. મોબાઈલમાં મેસેજ કે સોશિયલ મીડિયા ટૂલ જેવા કે ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ પર અજાણી વ્‍યક્‍તિ દ્વારા આઈ.ડી. ચોરી કે વિવિધ પોસ્‍ટ પરની લીંકને ફોલો કરતા સાઇબર ક્રાઇમનો ભોગ બને છે.

રાજકોટમાં બનતા સાઇબર ક્રાઈમના કિસ્‍સાઓ ઉદાહરણ સાથે વર્ણવી લોકોને સાવધાન બનવા અને પોલીસની મદદ લેવા આ તકે અપીલ કરાઇ હતી.

સાઇબર ક્રાઈમ ગુનેગાર મોટા ભાગે ઉત્તર ભારતના રાજયો તેમજ વિદેશમાંથી થતા હોય છે. તેઓ અનેક બેન્‍ક ખાતાઓ ધરાવે છે. તેમજ મોબાઈલ કાર્ડ ફેક આઈ.ડી. દ્વારા મેળવતા હોઈ તેઓને પકડવા બહુ મુશ્‍કેલ હોય છે. આવા ગુનેગારોને પકડવા માટે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન ખાતે ૬૦ થી વધુ પોલીસનો સ્‍ટાફ તેમજ ટેક્‍નોલોજી  એક્‍સપોર્ટ  સહીત ૧૬૮ જેટલા વોલિયન્‍ટર્સની મદદ લેવામાં  આવે છે.

આવનરા સમયમાં નાની મોટી કંપનીઓને સાયબર એક્‍સપર્ટની સલાહની જરૂરિયાત પડશે.  આઈ.ટી,ના વિદ્યાર્થીઓને નોકરી તેમજ કન્‍સલ્‍ટન્‍સી ખોલવા સાથે ખુબ સારી કારકિર્દીની તકો રહેલી હોવાનું આ તકે સેમિનારમાં ઉપસ્‍થિત યુવાઓને જણાવ્‍યું હતું.

  તકે સાઇબર ક્રાઈમ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર શ્રી મયુર  વેગડ, રિજિયનલ સાઇન્‍સ સેન્‍ટરના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી સુનિલ વ્‍યાસ, આઈ.સી.ટી. ઓફિસર શ્રી તુષાર ચાવડા, ક્રાઈસ્‍ટ કોલેજના શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ  જોડાયા હતા.

(3:41 pm IST)