Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રેલનગર વિસ્‍તારની શાળામાં શિક્ષકે ચાલુ વર્ગમાં છાત્રાને આઇ લવ યુ બોલવા કહ્યું!?: વાલીએ કરી ઉગ્ર રજૂઆત

શિક્ષકે કહ્યું-સંજ્ઞા શીખવવામાં આવી હોઇ તેમાં છાત્રા નબળી હોઇ તેને મોટીવેટ કરવા-આઇ લવ ધીસ ફોર્મ્‍યુલા, આઇ લવ મેથ્‍સ એવું બોલવા કહ્યું હતું: વાલીનો વિડીયો થયો વાયરલ

રાજકોટ તા. ૮: શહેરના રેલનગર વિસ્‍તારની એક સ્‍કૂલમાં ધોરણ-૮ની છાત્ર સાથે મેથ્‍સના શિક્ષક દ્વારા અજુગતુ વર્તન થતાં હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીનીને શિક્ષકે આઇ લવ યુ બોલવાનું ચાલુ વર્ગે કહ્યું હોવાની વાતે આજે બાળાના વાલીઓ સ્‍કૂલ ખાતે પહોંચ્‍યા હતાં અને પ્રિન્‍સીપાલ તથા શિક્ષક સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.  જો કે શિક્ષકે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે એક સંજ્ઞા વિશે વર્ગમાં સમજાવતી વખતે છાત્રાને સમજાતું ન હોઇ જેથી તેને મોટીવેટ કરવા માટે મેં તેને આઇ લવ ધીસ ફોર્મ્‍યુલા, આઇ લવ મેથ્‍સ...એવું બોલવા કહ્યું હતું.

બાળાના વાલીએ મિડીયા સમક્ષ જણાવ્‍યું હતું કે મારી દિકરી કર્ણાવતી સ્‍કૂલમાં આઠમાં ધોરણમાં ભણે છે. સ્‍કૂલના શિક્ષકે ચાલુ વર્ગમાં બધાની વચ્‍ચે મારી દિકરીને આઇ લવ યુ બોલવા કહ્યું હતું. આવુ બે ત્રણ વખત થયું હતું. જેથી દિકરીએ ઘરે આવીને રડવાનું ચાલુ કર્યુ હતું. અમે તેને શું થયું છે? એ પુછતાં તેણીએ ફરિયાદ કરી હતી. જેથી અમે આજે શાળા ખાતે પહોચ્‍યા હતાં અમે રજુઆત કરી હતી. વાલીએ જણાવ્‍યું હતું કે ચાલુ ક્‍લાસે આવુ પુછાય જ નહિ. પ્રિન્‍સીપાલે કહ્યું કે અમે એને ડિસમીસ કરી નાંખશું. આજે જતું કરીએ તો આગળ જતાં બીજાની દિકરીઓ સાથે પણ આવું બની શકે. આ કારણે અમે આજે સ્‍કૂલે જઇ રજૂઆત કરી છે. સ્‍કૂલ અને પ્રિન્‍સીપાલ તથા સ્‍ટાફ સારો જ છે. પરંતુ કોઇ શિક્ષક આવા હોય છે. મેથ્‍સના શિક્ષકે મારી દિકરીને આઇ લવ યુ બોલવાનું ચાલુ વર્ગે બધાની વચ્‍ચે કહ્યું હતું. તેમ વધુમાં બાળાના માતાએ જણાવ્‍યું હતું.

બીજી તરફ શિક્ષકે એવો બચાવ કર્યો હતો કે સંજ્ઞા વિશે વર્ગમાં ભણાવવામાં આવ્‍યું હતું. જેમાં આ છાત્રા કે જેણે ફરિયાદ કરી છે તેને સંજ્ઞામાં બરાબર આવડતું ન હોઇ જેથી તેને મોટીવેટ કરવા મેં તેને આઇ લવ ધીસ ફોર્મ્‍યુલા, આઇ લવ મેથ્‍સ એવું બોલવા કહ્યું હતું. આ વાતને અલગ રીતે રજૂ કરવામાં આવી છે. જો કે બાળાના વાલીએ શિક્ષકની ભુલ હોવાનું કહી પોતાની દિકરીને ન્‍યાય મળે તેવી માંગણી કરી હતી. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

(4:22 pm IST)