Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ૬ના મોત

ઢેબર રોડના દિપ્તીબેન મહેતા, મોરબી રોડના કિશોરભાઇ વાઘેલા, લાલપરીના રાજુભાઇ રાઠોડ, ગાંધીગ્રામના જયેશભાઇ પરમાર અને આજીડેમ ચોકડીના લક્ષ્મીબેન ચોટલીયાનું મોત

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં અલગ અલગ વિસ્તારના ૬ વ્યકિતના મોત નિપજ્યા હતાં.

ઢેબર રોડ ગુરૂકુળ પાસે આહ્યા એપાર્ટમેન્ટમાં રહેતાં દિપ્તીબેન ધર્મેશભાઇ મહેતા (ઉ.વ.૩૯) સાંજે છએક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્રી છે. પતિ ગારમેન્ટનો વ્યવસાય કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક યોગી પાર્ક-૧માં રહેતાં અને છુટક મજૂરી કરતાં કિશોરભાઇ વેલજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું.  મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં કુવાડવા રોડ પર બીએમડબલ્યુ શો રૂમ પાછળ લાલપરીમાં રહેતાં અને ઘૂઘરા વેંચી ગુજરાન ચલાવતાં મુળ યુ.પી.ના રાજુભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતકને બે પુત્ર અને બે પુત્રી છે.

ચોથા બનાવમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૮માં રહેતાં જયેશભાઇ બેચરભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામના યુવાનને રાતે ઘરે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને પ્લમ્બીંગ કામ કરતો હતો. સંતાનમાં બે પુત્ર છે.

પાંચમા બનાવમાં આજીડેમ ચોકડી માંડા ડુંગર નજીક માધવ વાટીકામાં રહેતાં લક્ષ્મીબેન હસમુખભાઇ ચોટલીયા (ઉ.વ.૪૭)ને રાતે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે.

છઠ્ઠા બનાવમાં મુંજકામાં રામકૃપા સોસાયટી આત્મીય હોસ્ટેલ સામે રહેતાં રેશ્માબેન રમેશભાઇ બડબે (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(12:53 pm IST)