Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજકોટમાં રેમેડેસિવીયરનો પુરતો જથ્થોઃ ૩ દિ'માં ૭૦૦ બેડ વધારાશે

મેટરનીટી-નર્સીગ હોમના ડોકટરોનો જબરો સહકારઃ કુલ ૪ હજાર બેડની કેપેસીટી કરવા કલેકટર તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કવાયત : સમરસમાં એકધારી ઓકસીજન લાઇન વધી રહી છેઃ રાજકોટનો કે બહારનો કોઇ દર્દી ઇન્જેકશન વિના નહી રહેઃ રેમ્યા મોહન-ડો. રાહૂલ ગુપ્તાની ખાત્રી : રાજકોટના મોટા મંદિરો-ધાર્મિક સંસ્થાઓના વડાઓને કલેકટરનું તેડૂઃ ભકતોના 'ટોળા' એકઠા ન થવા દેવા-સંક્રમણ ન થાય તે જોવા અપાતી ખાસ ચેતવણી : હવે ફટાફટ RT-PCR ટેસ્ટ થશે રાજકોટ સીવીલને વધૂ બે મશીન ફાળવતા મુખ્યમંત્રીઃ ભટ્ટ લેબોરેટરીને પણ ડબલ ટેસ્ટ અંગે મંજૂરી : પુરવઠાના ચારેય ઝોનમાં રેશનીંગ કાર્ડ માટે લોકો ઉમટતા હોય ૧પ દિ' બંધ કરવા અથવા અન્ય વિકલ્પ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય

આજે પત્રકારોને માહિતી આપતા કલેકટર શ્રી રેમ્યા મોહન-નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા અને એડીશનલ કલેકટર પરિમલ પંડયા નજરે પડે છે.

રાજકોટ તા. ૮ :.. આજે કોરોના કેસ - બેડ - ઓકસીઝન-વેન્ટીલપર દવાનો સ્ટોક - રેમેડેસિવયર ઇન્જેકશન-ટેસ્ટીંગ-વેકસીનેશન અંગે કલેકટર શ્રી રેમ્યા મોહન તથા નોડલ ઓફીસર અને રાજકોટના ભુતપુર્વ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ વિસ્તૃતી માહિતી પત્રકારોને આપી હતી.

બંને એ જણાવ્યું હતું કે હાલ આપણી પાસે કેપેસીટી ૩ર૦૦ બેડની છે, જે સીવીલ - ખાનગી બંનેમાં આવી જાય છે, જેમાંથી ૪૦૦ જેટલા બેડ ખાલી છે, અને વધુ ૭૦૦ બેડ ઓકસીઝન લાઇનવાળા સમરસ, મેટરનીટી-નર્સીંગ હોમ - પ્રાઇવેટ હોસ્પીટલમાં આપણે વધારી રહ્યા છીએ, કુલ ૪ હજાર બેડની કેપેસીટી કરવા કલેકટર તંત્રે રાઉન્ડ ધ કલોક કવાયત શરૂ કરી છે.

તેમણે જણાવેલ કે ડોકટરોનો અમને અભૂતપૂર્વ સહકાર છે, મેટરનીટી - નર્સીંગ હોમ અંગે સહકાર પ્રાપ્ત થયો છે, અને આ લોકોને ત્યાં ઓકસીઝન પાઇપ લાઇનવાળા બેડો ધડાધડ વધારાશે.

કલેકટર અને રાહુલ ગુપ્તા બંનેએ ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર - જીલ્લા માટે રેમેડેસિવીયર ઇન્જેકશનનો પુરતો જથ્થો છે, કલેકટરની હેલ્પ લાઇન રાઉન્ડ ધ કલોક ચાલુ છે, ત્યાં અમારો અને ફુડ એન્ડ ડ્રગ વિભાગનો સ્ટાફ સતત મોનીટરીંગ કરી રહ્યો છે., સરકારીમાં પ હજાર અને પ્રાઇવેટમાં ર હજાર ઇન્જેકશન ઉપલબ્ધ છે, કોઇપણ દર્દી ડોકટરનું પ્રિસ્પીકશન લઇને જાય એટલે  તુર્ત જ ઇન્જેકશન મળી જશે, તે પછી રાજકોટનો પેશન્ટ હોય કે બહારનો કે અન્ય જીલ્લાનો, ઇન્જેકશન કોઇપણ દર્દીને ૧૦૦ ટકા મળી જશે.

બંનેએ જણાવ્યું હતું કે ઓકસીજન અને સપ્લાય બંને પુરતા છે, અને આજથી બે ટેન્કર આવી રહ્યા છે, વેન્ટીલેટર સીવીલમાં ર૦૦ અને પ્રાઇવેટમાં ૧૦૦નો જથ્થો છે. સ્ટાફ પુરતો છે, અને મેડીકલ ઓફીસર - નર્સીંગ-કલાસ-થ્રી, કલાસ ફોરની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે, જેમ બેડ વધશે તેમ સ્ટાફ વધશે અને તાલીમ આપી કોવીડ કેર સેન્ટરમાં ફરજ ઉપર મૂકાશે.

રાજકોટના અમૂક મોટા ધાર્મિક સ્થળો - મંદિરોમાં ભારે ભીડ હોવા અંગે કલેકટર ચોંકયા હતા, તેમણે જણાવેલ કે આ તમામ મોટા મંદિરોના ટ્રસ્ટીઓ - ધાર્મિક વડાઓને આજે બોલાવી-મીટીંગ યોજી ભકતોના વધુ ટોળા એકઠા ન થવા દેવા, સંક્રમણ ન થાય તે જોવા તાકિદ કરી દેવાશે.

પુરવઠાની ચારેય ઝોનલ કચેરીમાં રાશનકાર્ડની કામગીરીમાં લોકોના ટોળા એકઠા થઇ રહ્યા છે, તે અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે હાલ થોડા દિવસ કામગીરી બંધ રાખવી કે અન્ય વિકલ્પ રાખવો તે અંગે સાંજ સુધીમાં નિર્ણય લઇ લેવાશે.

આરટી-પીસીઆર ટેસ્ટમાં લાંબૂ વેઇટીંગ અંગે ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વેઇટીંગ ઝડપથી કલીયર થશે, રાજકોટ સીવીલ-મેડીકલ કોલેજને ટેસ્ટ માટે વધુ બે મશીન મુખ્યમંત્રીશ્રીએ ગઇકાલે જ ફાળવી દિધા છે, તો ભટ્ટ લેબોરેટરીને એકસ્યાન્સની મંજૂરી મળી ગઇ છે, આવી જ રીતે સુપ્રાટેક-ગ્રીનક્રોસ-મેટ્રો પોલીંસીંગ અંગે પણ કાર્યવાહી થઇ રહી છે.

(3:28 pm IST)