Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ ગઇ છે ત્યારે...

કોરોના કાબુમાં લેવા અમૃત ઘાયલ હોલ હોસ્પિટલમાં ફેરવાશે

૧૫૦ થી ૨૦૦ બેડ રખાશે : ઓકિસજન સહિતની સુવિધા ઉભી થશે : સિવિલ હોસ્પિટલને આ કામચલાઉ હોસ્પિટલ ઉભી કરાશે : સ્થળ નિરીક્ષણ કરતા મેયર પ્રદિપ ડવ - મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ

શહેરના કોરોના સંક્રમણના કેસ વધતા જતા હોય જેના અનુસંધાને મ.ન.પા. દ્વારા વોર્ડ નં. ૧૦માં આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટર કરવા આજરોજ મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટિ ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયા, સિટી એન્જી.શ્રી ગોહિલ, ચીફ ઓફિસર શ્રી ખેર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮ : શહેર - જિલ્લામાં તથા આસપાસના ગામડાઓમાં કોરોનાનો કહેર વધ્યો છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે કયાંય બેડ ઉપલબ્ધ નથી ત્યારે મેયર પ્રદિપ ડવે પરિસ્થિતિ કાબુમાં લેવા યુનિવર્સિટી રોડ પર નવનિર્મિત અદ્યતન લકઝરિયસ એરકન્ડીશનડ એવા અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલને કામચલાઉ ધોરણે હોસ્પિટલમાં ફેરવવા નિર્ણય લીધો છે.

આ અંગે મેયર પ્રદિપ ડવે જાહેર કર્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેની સામે હોસ્પિટલોમાં બેડની સંખ્યા મર્યાદિત છે.

આથી હવે કામ ચલાઉ હોસ્પિટલો ઉભી કરવી પડે તેમ છે. કોવિડ હોસ્પિટલમાં ઓકસીજન રાખવું જરૂરી હોય તેના માટે સેન્ટ્રલી એરકન્ડીશનડવાળી જગ્યા જરૂરી હોઇ મ.ન.પા.ના યુનિવર્સિટી રોડ પર આવેલ નવનિર્મિત અદ્યતન લકઝરીયર્સ એરકન્ડીશનડ કોમ્યુનિટી હોલમાં કામચલાઉ ધોરણે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા નિર્ણય લેવાયો છે.

મેયરશ્રીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે, આ કામચલાઉ હોસ્પિટલમાં ૧૫૦ થી ૨૦૦ બેડની સુવિધા તથા ઓકિસજન અને વેન્ટીલેટર વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને સમગ્ર કોવિડ હોસ્પિટલ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલને સંચાલન માટે સોંપી દેવાશે.

આમ, હવે શહેરમાં વધુ એક નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ણય મેયરશ્રીએ લેતા આજે બપોરે મેયર પ્રદિપભાઇ ડવ તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપરોકત કોમ્યુનિટી હોલનું સ્થળ નિરીક્ષણ કરી સુવિધાઓ કેવી રીતે કયાં કયાં રાખવી વગેરે શકયતાઓ ચકાસી વગેરે શકયતાઓ ચકાસી હતી.

(3:30 pm IST)