Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જાગનાથમાં એક મહિના પહેલા ફલેટ ભાડે રાખ્યો ને કૂટણખાનુ ચાલુ કરાયું: મા-દિકરો સહિત ૩ પકડાયા

પ્ર.નગર પોલીસે રીટા પટ્ટણીએ હિરેન ઉર્ફ સંજયની મદદથી અંકલેશ્વર-સિક્કીમની બે મહિલાને દેહવ્યાપારમાં રાખી'તીઃ પુત્ર ધવલ ગ્રાહક શોધતોઃ ગ્રાહક મિતુલ પણ પકડાયો

રાજકોટ તા. ૮: જાગનાથ પ્લોટ શેરી નં. ૧૫માં વિણા એપાર્ટમેન્ટના પહેલા માળે પ્ર.નગર પોલીસે દરોડો પાડી કૂટણખાનાનો પર્દાફાશ કરી સંચાલક મહિલા રીટા ચીનોઇભાઇ ઉર્ફ દિપકભાઇ પટ્ટણી (ઉ.વ.૩૮) તથા તેના પુત્ર ધવલ (ઉ.વ.૧૯), ગ્રાહક કેદારનાથ સોસાયટી-૨માં રહેતાં મિતુલ રમેશભાઇ વિરાણી (ઉ.૨૬)ને પકડી લીધા છે. જ્યારે ચોથા આરોપી હિરેન ઉર્ફ સંજય પટેલનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. મુળ અમદાવાદ પિયર ધરાવતી રીટાના હાલ છુટાછેડા થઇ ગયા છે. તેણીએ હિરેન ઉર્ફ સંજય પટેલની મદદથી અંકલેશ્વર અને સિક્કીમથી યુવતિઓ બોલાવી જાગનાથમાં એકાદ મહિનાથી ફલેટ ભાડે રાખી આ યુવતિઓ પાસે દેહવ્યાપારની પ્રવૃતિ ચાલુ કરાવી હતી.

પોલીસે રીટા સહિત ચારેય સામે  ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં નોંધાયું છે કે રીટાએ હિરેનની મદદથી બહારથી યુવતિઓને બોલાવી હતી. તેની પાસે દેહવ્યાપાર કરાવતી હતી અને ગ્રાહક દિઠ રૂ. ૧૫૦૦ મેળવી યુવતિને રૂ. ૫૦૦ આપી પોતે અઅને હિરેન એક હજાર રાખી લેતાં હતાં. ધવલ ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો.

રીટા અગાઉ મોરબી રહેતી અને અને એ પછી લીમડા ચોક નજીક રહેતી હતી. ત્યારે તેની ઓળખ હિરેન સાથે થઇ હતી. હિરેન પોલીસને મળ્યો નથી. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ, અક્ષયભાઇ, મહાવીરસિંહ, યુવરાજસિંહ, સંગીતાબેન સહિતે આ દરોડો પાડ્યો હતો. પોલીસે રોકડા રૂ. ૨૮૦૦, રૂ. ૨૦ હજારના ત્રણ મોબાઇલ ફોન અને ત્રણ નંગ કોન્ડોમ કબ્જે કર્યા છે.

(12:39 pm IST)