Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોના સામે સરકાર લાચાર : આરોગ્ય સુવિધાનો અભાવ : કોંગ્રેસના ધરણા : ૧૧ની અટકાયત

રાજકોટ : શહેર અને રાજયમાં કોરોના મહામારી સામે આરોગ્ય સુવિધા આપવામાં સરકારી નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, કોર્પોરેટર વશરામ સાગઠિયા સહિતનાં આગેવાનોએ પ્લે કાર્ડ સાથે ધરણા યોજયા હતા તે વખતે પોલીસે અટકાયત કરી તે વખતની તસ્વીર. કોરોનાની બીજી ઘાતક લહેર આતંક મચાવી રહી છે ત્યારે આજે રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે સરકાર કોરોના કાળમાં દર્દીઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો . એ વખતે પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રીવેદી સહિતનાં ૭ થી ૮ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ વિરોધમાં કોંગી આગેવાનએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની પરિસ્થિતિ બેકાબુ છે .  સમગ્ર ગુજરાત અને રાજકોટ શહેરમાં ખુબ જ ગંભીર સ્થિતિ છે . ત્યારે કોંગ્રેસ દ્રારા નીચે મુજબની માંગણીઓ કરવામાં  આવી છે. આ બાબતે પ્રજાના આરોગ્યના હિતમાં અત્યંત ગંભીરતા દાખવી પગલા લેવા અમો નમ્ર વિનંતી કરીએ છીએ . હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરો. હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓકિસજનની વ્યવસ્થા કરો. હોસ્પિટલમાં પૂરતા વેન્ટીલેટરની વ્યવસ્થા કરો . RT PCR ટેસ્ટ માટે કીટ આપો અને ૨૪ કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ આપો . રેમડેસિવર તથા અન્ય ઈજેકશન અને દવાઓની વ્યવસ્થા કરો .  વેકિસનેશન કાર્યક્રમ માટે પૂરતા ડોઝની વ્યવસ્થા કરો. હોસ્પિટલોમાં મેડીકલ -પેરા મેડીકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો. આ ધરણા દરમિયાન અશોકભાઈ ડાંગર,-દીપભાઈ ત્રિવેદી,મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠિયા,જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા,સંજયભાઈ અજુડિયા, ઠાકરશીભાઈ ગજેરા, નારણભાઈ હિરપરા, સુરેશભાઈ ગરૈયા,રવિભાઈ ડાંગર સહિતના નેતાઓ ની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. (તસ્વીર સંદિપ બગથરીયા)

(3:21 pm IST)