Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોના સંક્રમણ અટકાવવા નિયમોનું ચુસ્ત પાલન કરનાર શ્રેષ્ઠ સોસાયટીઓ, ગામ, એસોસિએશનોનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યુ સન્માન

ગોલ્ડ ડિલર એસોસિએશન, ઇમિટેશન માર્કેટ એસોસિએશન, કાગદડી ગામ, કબીરવન સોસાયટી, અવંતિકા પાર્ક, રાજસમઢીયાળા ગામ, તુલસી બંગલોઝ સોસાયટી અને એ.પી. પાર્ક તથા મવડી રોડ વેપારી એસોસિએશનને પ્રશંસાપત્રો, માસ્ક, સેનેટાઇઝર અપાયા

રાજકોટઃ કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે જેનું પાલન રાજકોટ શહેર પોલીસ દ્વારા સખ્તપણે કરાવવામા આવી રહ્યું છે.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ સમગ્ર શહેર પોલીસ કામગીરી કરી રહી છે.

નિયમોનું ઉલ્લઘંન કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં જાહેરનામા ભંગના કેસો, વાહન ડીટેઇન, જાહેરમાં માસ્ક નહીં પહેરવા તથા જાહેરમાં થૂંકવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે છે. તો બીજી તરફ પોલીસ માનવતાનો અભિગમ પણ અપનાવે છે અને જે સોસાયટીઓ, વિસ્તારો સરકારી માર્ગદર્શિકા અને પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો કડક અમલ કરી તંત્રને સહકારરૂપ બને છે તેને શ્રેષ્ઠ સોસાયટી, ગામ, વેપારી એસોશિએશન નક્કી કરી તેનું સન્માન પણ કરવામાં આવે છે. તે મુજબ ઝોન-૧ વિસ્તારમાં (૧) ઉતર ડીવીઝન- ગોલ્ડ ડીલર એસોશીએશન, રાજકોટ, (૨) ઉતર ડીવીઝન- ઇમીટેશન માર્કેટ એસોશીએશન, રાજકોટ (૩)  ઉત્તર ડિવીઝન-કાગદડી ગામ તા. રાજકોટ (૪) પૂર્વ ડીવીઝન- કબીરવન સોસાયટી(૫) પૂર્વ ડીવીઝન- અવંતીકા પાર્ક (૬) પૂર્વ ડિવીઝન-રાજસમઢીયાળા ગામ તથા ઝોન-૨(૧) પશ્ચિમ ડિવીઝન-તુલસી બંગલોઝ સોસાયટી-રૈયા રોડ, (૨) દક્ષિણ ડીવીઝન- એ. પી. પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ,  (૩) દક્ષિણ ડીવીઝન- મવડી રોડ વેપારી એસોશીએશન, રાજકોટને કોરોના પ્રત્યે જાગૃતી ફેલાવી સ્વયમ જાગૃત થવાથી કોરોના વાયરસના ફેલાવામા ઘટાડો લાવી શકાય છે અને પોતે તથા પોતાના પરિવારજનોને સ્વસ્થ અને સુરક્ષીત રાખી શકાય છે તેવો સકારાત્મક સંદેશો આપવા બદલ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા પ્રશંસાપત્ર પાઠવી તેઓને બીરદાવવામા આવ્યા છે. તેમજ તેઆને માસ્ક તથા સેનેટાઇઝર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા છે.  રાજકોટ શહેરની અન્ય સોસાયટી, ગામ તથા વેપારી એસોશીએશનોને પણ સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવાની પ્રેરણા મળી રહે અને રાજકોટ શહેર કોરોના મુકત બને તેવો પ્રયાસ કરવા અનુરોધ કરાયો છે.

(4:36 pm IST)