Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પ્રશ્‍નોનો નિવેડો ન આવે તો ૧૪મીથી સમગ્ર રાજ્‍યના નર્સિસ સ્‍ટાફ આરંભશે અચોક્કસ મુદ્દતની હડતાલ

અનેક સમશ્‍યાઓના ઉકેલ માટે લાંબા સમયથી ટળવળતાં નર્સિસને માત્ર હૈયાધારણા જ મળી : રાજકોટ સિવિલ હોસ્‍પિટલના નર્સિસ આગેવાનો ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી યુનાઇટેડ નર્સિસ ફોરમની બેઠકમાં હાજર રહ્યા બાદ લેવાયેલો નિર્ણય

રાજકોટ તા. ૮: રાજ્‍યની સરકારી હોસ્‍પિટલોના નર્સિસ સ્‍ટાફના અનેક પ્રશ્નોનો લાંબા સમયથી નિવેડો આવતો ન હોઇ અગાઉ રાજકોટ સહિત રાજ્‍યની તમામ સિવિલ હોસ્‍પિટલનો નર્સિસ સ્‍ટાફ હડતાલ પર ઉતરી ગયો હતો. એ પછી સરકારે પ્રશ્‍નો સત્‍વરે ઉકેલાઇ જશે તેવી યુનાઇટેડ નર્સિસ ફોરમને ખાત્રી આપતાં કોરોનામાં ફરજ બજાવતાં નર્સિસ સ્‍ટાફે હડતાળ ટાળી હતી. પરંતુ હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી સરકારે ન કરતાં ગઇકાલે ગાંધીનગર ખાતે મળેલી યુનાઇટેડ નર્સિસ ફોરમમાં નિર્ણય લેવાયો છે કે જો હવે સરકાર યોગ્‍ય નહિ કરે તો આગામી ૧૪મીથી સમગ્ર રાજ્‍યમાં નર્સિસ સ્‍ટાફ ફરીથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે.

આ મામલે યુનાઇટેડ નર્સિસ ફોરમે બેઠક યોજી મુખ્‍યમંત્રીશ્રીને ગાંધીનગર ખાતે ગઇકાલે રજૂઆત કરી જણાવ્‍યું છે કે રાજય સરકાર દ્વારા કોવીડ સારવારમાં છેલ્લા ૧૫ માસથી રોકાયેલ નર્સીસ સ્‍ટાફના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત અને આંદોલન કર્યા બાદ હૈયાધારણા અપાઇ હતી. પરંતુ હજુ સુધી નર્સીસના પ્રશ્નોનો  સુખદ ઉકેલ ન આવતાં સરકારના ઉપેક્ષીત વલણને કારણે રાજયનો સમગ્ર નર્સીસ પરીવારનો આક્રોશ ચરમસીમાએ છે અને આ માનસિક અસંતોષના ભાગરૂપે નર્સીસ હવે સચોટ પરિણામ ઇચ્‍છે છે. જો ૧૪/૬ સુધીમાં હકારાત્‍મક ઉકેલ નહિ આવે તો સમગ્ર રાજ્‍યનો નર્સિસ સ્‍ટાફ ફરીથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે.

રજૂઆતમાં આગળ જણાવાયું છે કે  રાજય સરકાર દ્વારા મેડીકલ (અલોપથીક), આયુર્વેદીક, ડેન્‍ટલ, હોમીઓપથીક અને ફીજીયોથેરાપીના સ્‍ટાઇપેન્‍ડમા વધારો, મેડીકલ ટીચર્સના પ્રશ્નો, જીએમઇઆરએસ ડોકટર અને નર્સીસના પ્રશ્નો, સીપીએફ રેસીડેન્‍ટના પ્રશ્નોને યોગ્‍ય રીતે સાંભળી ઉકેલ અપાયો છે અને તેના પરીપત્રો પણ થઇ ગયા છે.

નર્સીસને વર્ષોથી ગ્રેડ પે, ખાસ ભથ્‍થા, નર્સીંગ સ્‍ટુડેંટસ સ્‍ટાઇપેન્‍ડમાં અન્‍યાય, આઉટ સોર્સ અને કોન્‍ટ્રાકટ પ્રથામાં ભરતી બંધ થાય અને યોગ્‍ય માસિક પગાર અપાય, ઉસ્‍તર પગાર ધોરણના સ્‍લેબમા અન્‍યાય, બદલી અને બઢતીમાં વિલંબ સ્‍ટાફની તીવ્ર અછત તેમજ અન્‍ય વહીવટી બાબતોમાં કોઈ જ સકારાત્‍મક ઉકેલ લાવવાનો -યત્‍ન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્‍યો નથી. નર્સીસ ને કોરોના વોરીયરનું બિરૂદ આપી તેઓનું માત્ર શોષણ જ કરવામાં આવ્‍યું છે. વલણને લઈને રાજયનો સમગ્ર નર્સીસ પરીવાર ઉગ્ર માનસિક અસંતોષની લાગણી અનુભવે છે અને રાજય સરકારના આવા ઉપેક્ષિત વલણના તીવ્ર વિરોધ દર્શાવે છે.

રાજય સરકારનું આ પ્રકારે નર્સીસ માટે અન્‍યાયી વલણ એ ખુબજ દુખદ બાબત છે અને જેને લઈને  ગાંધીનગર ખાતે આયોજીત રાજયના દરેક જીલ્લા ખાતેના યુનાઈટેડ નર્સીસ ફોરમના પ્રતિનિધીઓની સંયુક્‍ત બેઠકમાં કોઈપણ પ્રકારના દબાણ વગર સર્વાનુમતે સરકારશ્રીની આ નિતીનો હડતાલના પગલાં રૂપે પ્રતિકાર કરવા માટેનો નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવ્‍યો છે.

આ નિર્ણયનો રાજયના દરેક જિલ્લાઓના નર્સીસ પ્રતિનિધી સર્વે નર્સીસને જાણ કરી કરશે અને કરાવશે. જો રાજય સરકાર દ્વારા નર્સીસના આ હડતાલના પગલાને લઈને કોઈ કાયદાકીય કે અયોગ્‍ય કાર્યવાહી હાથ ધરાય તો તેમાં પીછેહઠ ના કરતા ન્‍યાયી લડતમાં સ્‍વેચ્‍છાએ સ્‍વીકારી તેનો પ્રતિકાર કરવામાં સામૂહિક સહકાર દાખવી એકતાનો ઉત્‍કળષ્ઠ નમુનો દર્શાવશે. આ નર્સીસને થતાં અન્‍યાય અને હક્ક માટેની લડત છે કે અને જેને રાજ્‍યનો સમગ્ર નર્સીસ પરીવાર સહકાર આપી સફળતા મેળવવા યશભાગી બનશે.

તેમ વધુમાં યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા જણાવાયું છે. જો હકારાત્‍મક વલણ સરકાર નહિ દાખવે તો ફરીથી રાજકોટ સહિત તમામ સિવિલ હોસ્‍પિટલોનો નર્સિસ સ્‍ટાફ ફરીથી હડતાલ પર ઉતરી જશે તેમ જણાવાયું છે.  રાજકોટ સિવિલમાં ૬૦૦નો નર્સિસ સ્‍ટાફ અને ૪૦૦ નર્સિંગ સ્‍ટુડન્‍ટ ફરજ બજાવી રહ્યા છે.

(9:44 pm IST)