Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

સાંઢીયો પૂલ ફરી અટવાયો : ટેન્‍ડર વિલંબમાં

નવા બ્રિજના રેલવેના ભાગમાં ઉંડાણપૂર્વક ચકાસણી કરાશે : આવતા મહિને મંજુરી મળે તો જન્‍માષ્‍ટમી આસપાસ ભાવો મંગાવશે : ભોમેશ્વરથી એરપોર્ટ ફાટક સુધીના ડાયવર્ઝન રસ્‍તાનું કામ શરૂ : ભોમેશ્વરથી બજરંગવાડીનું ડાયવર્ઝનના રોડ પણ ટનાટન કરાશે

રાજકોટ તા. ૮ : શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પહોળો કરવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ૬૦ કરોડના ખર્ચે ફોર લેન બ્રીજ બનાવાશે. આ બ્રીજની નવી ડીઝાઇન તૈયાર કરી રેલ્‍વેમાં રજુ કરવામાં આવી છે. જેને રેલવેની મંજુરી મળ્‍યા બાદ ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવશે.

મનપાના બજેટમાં અનેક વખત સમાવવામાં આવેલા અને કયારેય યોજના તરીકે હાથ પર લેવામાં નહીં આવેલા સાંઢીયા પુલ રીનોવેશનની યોજના ફરી તંત્રના દિમાગમાં પ્રગટ થઇ છે. ભુતકાળમાં અનેક વખત સર્વે અને રીપેરીંગ કરાયા છે. રેલવેએ આ બ્રીજને જોખમી જાહેર કર્યો છે. પરંતુ સરકાર અને કોર્પો.એ ઉપયોગ માટે કોઇ જોખમ નહીં હોવાનું કહ્યું હતું અને સરળતાથી વાહન વ્‍યવહાર પસાર થઇ રહ્યો હતો.

દરમ્‍યાન આ બ્રીજના નવનિર્માણની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. ૪૪ કરોડના ખર્ચે આ પ્રોજેકટ ટુ લેનમાંથી ફોર લેન કરવાની યોજનામાં નવી ડીઝાઇન આવતા ૬૦ કરોડનો ખર્ચ થવાનું મનપાએ એસ્‍ટીમેટ કાઢયું છે. આ માટેનો ડીપીઆર રેલ્‍વેમાં મોકલાયો હતો. હાલ બ્રીજની પહોળાઇ ૮ મીટર છે તે ૬.૨૫ મીટર કરવામાં આવશે. તો બ્રીજની લંબાઇ ૬૧૦ મીટર કરવામાં આવશે.

ઉપરાંત મનપા તંત્ર દ્વારા ૬.૮૪ કરોડ આપવા રેલવેને પત્ર લખી માંગ કરાઇ છે. આ રકમ ભર્યા બાદ મુંબઇ હેડ કવાટરથી મંજુરી મળ્‍યે તુરંત ટેન્‍ડર પ્રક્રિયા મનપા દ્વારા હાથ ધરાશે.

મનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા મુજબ ભવિષ્‍યમાં ડબલ લાઇન બને અથવા ઇલેકટ્રીક ટ્રેન દોડાવવાની થાય તો તેને ધ્‍યાને લઇને બ્રિજ નીચેની હયાત ૧૨ મીટર પહોળી ટનલ ૩૬ મીટર પહોળી બનાવવા સૂચવ્‍યું.

વધુમાં સૂત્રોએ જણાવ્‍યું હતું કે રેલવેના મતે ઉતાવળ ન ચાલે અને સેફટી તો જોવી પડે. જુલાઇ સુધીમાં નવી ડીઝાઇનને ફાઇનલ મંજુરી મળી જશે તો જન્‍માષ્‍ટમીની આજુબાજુ ટેન્‍ડર પ્રીસધ્‍ધ થશે

(3:48 pm IST)