Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

જિલ્લા ભાજપનું નવુ માળખુ ટુંક સમયમાં બનાવશુ, નવા - જુના બધાને તક : ઢોલરિયા

ભાજપમાં સામાન્‍ય કાર્યકરને પણ મોટી જવાબદારી મળી શકે છે ગોંડલ માર્કેટયાર્ડ નમૂનારૂપ, અદ્યતન લેબોરેટરીનું આયોજન

રાજકોટ : જિલ્લા ભાજપના નવા પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્‍પેશ ઢોલરિયા આજે અકિલાની મુલાકાત પ્રસંગે જણાવેલ કે, મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. મારા પરિવારમાંથી કોઇ રાજકારણમાં નથી. ભાજપમાં સામાન્‍ય કાર્યકરને પણ યોગ્‍યતાના ધોરણે મોટી જવાબદારી મળી શકે છે. મને પ્રમુખ પદની જવાબદારી મળી તેનો આનંદ છે. સૌને સાથે લઇને ચાલવા માંગુ છું.

તેમણે નવા માળખાની રચના અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે, નવા હોદ્દેદારોની પસંદગી માટે રિપીટ કે નો-રિપીટ એવો કોઇ માપદંડ નક્કી કરવામાં આવ્‍યો નથી. પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ નવા માળખાની રચના કરશું. જેમાં નવા - જુના બધા કાર્યકરોને તક મળી શકે છે. પેજ સમિતિનું કામ જિલ્લામાં પૂર્ણ થઇ ગયું છે. સરલ એપ ડાઉનલોડ કરાવવાની કામગીરી ચાલી રહી છે. લોકસભામાં પાંચ લાખથી વધુ સરસાઇથી જીતવાના સંકલ્‍પને પૂરો કરવા જિલ્લા ભાજપ કટિબધ્‍ધ છે. અલ્‍પેશ ઢોલરિયાએ ગોંડલ માર્કેટયાર્ડ સમગ્ર દેશનું નમૂનારૂપ યાર્ડ હોવાનું ગૌરવ વ્‍યકત કરી જણાવેલ કે, અહીંયા રોજના ૨૦ થી ૨૫ હજારથી વધુ ખેડૂતો આવે છે. ૪૫ પ્રકારની ખેત ઉપજોની હરરાજી થાય છે. દેશના ટોચના નિકાસકારો યાર્ડની કામગીરી જોવા જાણવા આવે છે. ભવિષ્‍યમાં ખેડૂતોને ઉપયોગી અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન છે. યાર્ડમાં દવાખાનાની અને એમ્‍બ્‍યુલન્‍સની તેમજ વિશ્રામગૃહની વ્‍યવસ્‍થા છે.

(6:06 pm IST)