Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

બેકાર પ્રેમીપંખીડા કામ શોધવા નેપાળથી રાજકોટ આવ્‍યા પછી કાવત્રુ ઘડી લૂંટને અંજામ આપ્‍યો હતોઃ ૨૧ લાખની મત્તા કબ્‍જે

૧૯ વર્ષની સુશિલા ઉર્ફ મીનાને પોતાનાથી બેવડી ઉમરના પવનપ્રકાશ સાથે દોઢેક વર્ષથી પ્રેમ હતોઃ બંને પાસે કોઇ કામધંધો ન હોઇ રાજકોટ આવ્‍યા બાદ સુશિલા કોહીનૂર એપાર્ટમેન્‍ટમાં નોકરાણી તરીકે જોડાઇ ગઇઃ ત્‍યારબાદ પ્રેમી સાથે મળી ચોરી-લૂંટનો પ્‍લાન ઘડયોઃ પ્રેમી પવનપ્રકાશે મિત્ર નેત્ર શાહીને પણ સામેલ કર્યો કર્યો હતો : રોકડ-દાગીના મળી ૧૫ લાખની મત્તાની લૂંટની ફરિયાદ દાખલ થઇ હતીઃ પોલીસે ૧૮,૪૬,૬૬૪ના દાગીના અને ૨,૨૦,૪૦૦ની રોકડ કબ્‍જે કર્યા : વૃધ્‍ધા અને તેમના પુત્રને ઘેની દૂધ પાઇ બેભાન કરી ચોરીનો પ્‍લાન હતોઃ પણ વૃધ્‍ધાને આ દૂધની વધુ અસર ન થતાં જાગી જતાં તેમને બાંધી-માર મારી લૂંટ ચલાવી : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ અને ડીસીબી પીએસઆઇ, એલસીબી પીએસઆઇ અને ટીમોને સફળતા : ત્રિપૂટી લૂંટના કાવત્રાને અંજામ આપવામાં સફળ થઇ પણ જુનાગઢ બે-ત્રણ દિવસ રોકાણ કરી છેલ્લે સોમનાથ દર્શન કરી નેપાળ ભાગવાનો પ્‍લાન હતો એ પોલીસે ઉંધો વાળ્‍યો

પ્રસંશનીય કામગીરીઃ કોહીનૂર એપાર્ટમેન્‍ટમાં થયેલી સનસનાટી ભરી લૂંટની ઘટનાનો ભેદ કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી હતી. વિગતો જણાવી રહેલા પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સાથે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ આર. એચ. ઝાલા, એ. એન. પરમાર, એમ. જે. હુણ, કે. ડી. પટેલ, એન. ડી. ડામોર તથા એલસીબી ઝોન-૨ ટીમ અને યુનિવર્સિટી ડી. સ્‍ટાફની ટીમ નજરે પડે છે. જ્‍યારે જૂનાગઢ ભવનાથ તળેટીની ધર્મશાળામાંથી લૂંટારૂ ત્રિપૂટીને ભારે મહેનતને અંતે ઝડપી લીધા બાદ તમામ ટીમોના સભ્‍યોએ જુનાગઢ ખાતે ક્‍લીક કરાવેલી તસ્‍વીરમાં તમામના ચહેરા પર ગંભીર ગુનાનો ભેદ ઉકેલાઇ ગયાની ખુશી સ્‍પષ્‍ટ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૮: ઇન્‍દિરા સર્કલ પાસે આવેલા કોહીનૂર એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧માં રહેતાં યુવાન અસીમભાઇ રાજેન્‍દ્રભાઇ અનડકટ (ઉ.વ.૩૭) નામના  વેપારી યુવાનને બેશુધ્‍ધ કરી બાદમાં તેમના માતા ઉર્વશીબેન રાજેન્‍દ્રભાઇ અનડકટ (ઉ.વ.૬૩)ને ચાદરથી બાંધી દઇ મોઢે ડુચો દઇ બાથરૂમમાં પુરી દઇ નેપાળી નોકરાણી  અને તેની સાથેનો શખ્‍સ રૂા. ૧૫,૨૫,૦૦૦ની મત્તા  લૂંટી ભાગી જતાં સનસનાટી મચી ગઇ હતી. સોમવારે બપોર બાદ જાહેર થયેલી આ ઘટનાનો ભેદ કલાકોમાં ઉકેલી ક્રાઇમ બ્રાંચે જુનાગઢથી સુત્રધાર ૧૯ વર્ષની નેપાળી યુવતિ અને તેનાથી બમણી ઉમરના પ્રેમી સહિત ત્રણને દબોચી લીધા છે. ક્રાઇમ બ્રાંચે નોકરાણી અને તેના પ્રેમી તથા પ્રેમીના મિત્રને દબોચી લીધા છે. એકાદ વર્ષથી નેપાળી યુવતિને તેના જ વતનના શખ્‍સ સાથે પ્રેમસંબંધ હોઇ બંને બેકાર હોઇ અઢી ત્રણ મહિના પહેલા નેપાળથી રાજકોટ કામધંધાની શોધમાં આવ્‍યા હતાં અને લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપ્‍યો હતો. મુદ્દામાલ કબ્‍જે થતાં લૂંટનો આંકડો પણ વધ્‍યો છે. ૧૮,૪૬,૬૬૪ના દાગીના મળી કુલ ૨૧,૦૪,૫૬૪નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

પોલીસે આ ગુનામાં સુશીલા ઉર્ફ મીના નરેન્‍દ્રભાઇ શાહી (ઉ.વ.૧૯-રહે. રાકમ જી. દૈલિક, નેપાળ) તથા તેનાથી બમણી ઉમરના તેના પ્રેમી પવનપ્રકાશ પદમ શાહી (ઉ.વ.૩૮, રહે. રાકમ જી. દૈલિક નેપાળ) અને પ્રમીના મિત્ર નેત્ર પદમ શાહી (ઉ.વ.૪૩-રહે. લાુ જી. કાલીકોટ નેપાળ) (રહે. ત્રણેય હાલ-વૈશાલીનગર-૧૦ મંગાભાઇ ખેંગારભાઇ બોડીયાના મકાનમાં ભાડેથી)ને પકડી લીધા છે.

ઉર્વશીબેન અનડકટના ઘરે ઘરકામ કરવા આવતી સુશિલા નેપાળી કામવાળી તરીકે રહી હતી. તેણે અને પ્રેમીએ ફુલપ્રુફ પ્‍લાન ઘડી આ લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ બંને રિક્ષામાં બેસી વૈશાલીનગરના પોતાના ઘરે ગયા હતાં અને ત્‍યાં કપડા બદલાવી, મોબાઇલ તોડી ત્‍યાં જ ફેંકી અમુક સામાન લઇ બીજી રિક્ષામાં બેસી નીકળી ગયાની વિગતો સામે આવતાં બંનેને શોધી કાઢવા ટીમો કામે લાગી હતી.  પોલીસે આરોપી ભાગ્‍યા હતાં ત્‍યાંના આજુબાજુના વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ ચેક કરર્યા હતાં તેમજ ખાનગી બાતમીદારો અને ટેકનીલક સોર્સના માધ્‍યમથી તપાસ શરૂ કરી હતી. આથી માહિતી મળી હતી કે સુત્રધાર સગીરા અને તેની સાથેનો શખ્‍સ જુનાગઢ તરફ ભાગ્‍યા છે અને ત્‍યાંથી નેપાળ ભાગી જવાની પેરવીમાં છે. આથી ટીમો જુનાગઢ પહોંચી હતી અને ભવનાથ તળેટીમાં આવેલી વાંજા દરજી સમાજની ધર્મશાળામાંથી સુશીલા ઉર્ફ મીના નરેન્‍દ્ર શાહી તથા તેના પ્રેમી પવનપ્રકાશ પદમભાઇ શાહીને પકડી લીધા હતાં. ત્રીજો શખ્‍સ પણ હાજર હતો. તે પવનપ્રકાશનો મિત્ર નેત્ર પદમભાઇ શાહી (ઉ.વ.૪૩) હોવાનું અને તે પણ લૂંટમાં સામેલ હોવાનું ખુલતાં ત્રણેયને દબોચી લેવાયા હતાં.

પોલીસે વીવો કંપનીનો બ્‍લુ રંગનો ૧૦ હજારનો મોબાઇલ ફોન, સેમસંગ કંપનીનો ૧૦ હજારનો મોબાઇલ ફોન, અન્‍ય એક રૂા. ૧ હજારનો કીપેઇડ ફોન, રોકડા રૂા. ૨,૨૦,૪૦૦ તથા અલગ અલગ કંપનીની ૯ ઘડીયાળો રૂા. ૧૬૫૦૦નીસ, બ્‍લુ કલરની લેપટોપ બેગ, મળી રૂા. ૨,૫૭,૯૦૦ની ચીજવસ્‍તુઓ તથા સોના ચાંદીના દાગીના કુલ રૂા. ૧૮,૪૬,૬૬૪ના મળી કુલ રૂા. ૨૧,૦૪,૫૬૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

તપાસમાં ખુલ્‍યા મુજબ સગીરા અને તેનો સાથી પવનપ્રકાશ નેપાળમાં રહેતાં હોઇ બંને વચ્‍ચે એકાદ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે બંને પાસે વતનમાં કોઇ કામધંધો ન હોઇ બેકાર હોઇ અઢી ત્રણ મનિા પહેલા બંને કામધંધાની શોધમાં રાજકોટ આવ્‍યા હતાં. એ પછી સગીરા કોહીનૂર એપાર્ટમેન્‍ટમાં રહેતાં ઉર્વશીબેન અનડકટના ઘરે કામવાળી તરીકે કામે રહી ગઇ હતી. તેની અને પ્રેમની આર્થિક સ્‍થિતી  ખરાબ હોઇ બંનેને પૈસાની ખુબ જરૂર હોઇ સગીરાએ પોતે જ્‍યાં ઘરકામ કરતી હતી ત્‍યાંથી જ ચોરી-લૂંટ કરવાનો પ્‍લાન પ્રેમી પવનપ્રકાશ સાથે મળીને ઘડયો હતો અને  આ પ્‍લાનમાં મદદરૂપ બનવા પવનપ્રકાશે પોતાના મિત્ર નેત્ર શાહીને પણ સામેલ કર્યો હતો. તે પણ થોડા દિવસ પહેલા જ નેપાળથી રાજકોટ કામધંધાની શોધમાં આવ્‍યો હતો.

ત્રણેયે પ્‍લાન ઘડયા બાદ સગીર નોકરાણીએ બનાવના દિવસે કાવત્રાને અંજામ આપવા ઘેનની ટીકડીઓ પ્રેમી પવનપ્રકાશ પાસેથી અગાઉથી મેળવી લઇ તેને દૂધમાં ભેળવી વૃધ્‍ધા ઉર્વશીબેન અનડકટ અને તેમના પુત્ર અસીમભાઇને ઘેની દૂધ પીવડાવી દીધુ હતું. આ ઉંઘની ગોળી નેત્ર શાહીએ મિત્ર પવનપ્રકાશને આપી હતી. વૃધ્‍ધા અને તેમના પુત્ર સુઇ ગયા બાદ સગીરાએ પ્રેમી પવનપ્રકાશને કપડા આપવાના બહાને ફલેટમાં બોલાવી લીધો હતો અને બંનેએ મળી ડ્રેસીંગ રૂમમાં જઇ કબાટમાંથી ચોરી કરવાનું શરૂ કર્યુ હતું. જો કે પ્‍લાન મુજબ અસીમભાઇને આ ઘેની દૂધની વધુ અસર થતાં તેઓ જાગી શક્‍યા નહોતાં. જ્‍યારે વૃધ્‍ધા ઉર્વશીબેનને ઘેની દૂધની બહુ અસર ન થતાં તેઓ જાગી જતા સગીરા અને પ્રેમી પવનપ્રકાશે પહેલા તેમને ચાદરથી બાંધી બાથરૂમમાં પુરી દીધા હતાં. પરંતુ અંદરથી વૃધ્‍ધાએ બૂમો પાડતાં તેમને ઢસડી બહાર કાઢી વધુ એક ચાદર અને ગાઉનથી બાંધી દઇ બેડ પર પછાડી દઇ અવાજ ન કરવાનું કહી મારકુટ કરી હતી અને બાદમાં લૂંટ ચલાવી હતી.

લૂંટ કર્યા બાદ રિક્ષા મારફત બંને વૈશાલીનગરમાં ભાડાની રૂમે પહોંચ્‍યા હતાં. અહિથી જરૂરી સામાન લઇ કપડા બદલાવી ભાગી છુટયા હતાં. નેત્ર શાહી પણ બંનેની સાથે સામેલ થઇ ગયો હતો. જુનાગઢ પોહંચી ત્‍યાં ધર્મશાળામાં રોકાઇ દર્શન કરી બાદમાં બે ત્રણ દિવસ પછી સોમનાથ દર્શન કરી ત્‍યાંથી મથુરાની ટ્રેન પકડી નેપાળ ભાગી જવાનો પ્‍લાન હતો. જો કે ત્રિપુટીનો લૂંટનો પ્‍લાન તો સફળ થયો હતો. પરંતુ લૂંટના લાખોના માલ સાથે નેપાળ ભાગી જવાનો તેનો પ્‍લાન પોલીસે ઉંધો વાળી દીધો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી.ગોહિલ, પીએસઆઇ એ. એન. પરમાર, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ કે. ડી. પટેલ, પીએસઆઇ એન. ડી. ડામોર અને તેમની ટીમનો સ્‍ટાફ તથા એલસીબી ઝોન-૨ પીએસઆઇ એચ.આર. ઝાલા અને તેમની ટીમનો સ્‍ટાફ અને યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇની રાહબરીમાં તેમનો સર્વેલન્‍સ સ્‍ટાફ આ કામગીરીમાં સામેલ થયો હતો. (૧૪.૧૦)

જાહેર જનતાને પોલીસની અપીલઃ ઘરઘાટીની વિગતો, ભાડૂઆતની વિગતો પોલીસને અચુક આપો

સીટીઝન ફર્સ્‍ટ એપ્‍લીકેશનનો ઉપયોગ કરો

ઞ્જ ઘરકામ માટે કામે રહેલી નેપાળી યુવતિએ પોતાના પ્રેમી સહિત બે જણા સાથે મળી ઘરધણી વૃધ્‍ધા અને તેમના પુત્રને ઘેની દુધ પીવડાવી બેભાન કરી અને વૃધ્‍ધા જાગી જતાં તેને બાંધી દઇ માર મારી લાખોની લૂંટ ચલાવ્‍યાની ઘટનાને પગલે શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ વધુ એક વખત પ્રજાજનો જોગ અપીલ કરી છે કે પોલીસની સીટીઝન ફર્સ્‍ટ એપ્‍લીકેશન પર ઘરઘાટી, ઘરકામ કરનારા, ભાડુઆત વગેરેની વિગતો, ડોક્‍યુમેન્‍ટ, આઇડી કાર્ડ સાથે અપલોડ કરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. આ રીતે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હોય તો કોઇપણ પ્રકારના ગુના બને તો તેને શોધી શકાય અથવા ગુના બનતાં અટકાવી શકાય. (૧૪.૧૦)

(5:20 pm IST)