Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જીયાણામાં પરિવાર દશામાનું જાગરણ કરવા ગયોને બંધ મકાનમાંથી ૯૦ હજારની ચોરી

અશ્‍વિનભાઇ ડાભીએ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવીઃ બે શખ્‍સો કેમેરામાં દેખાયા

રાજકોટ, તા.૮: કુવાડવા નજીક જીયાણામાં આવેલ કારખાનાના સુપરવાઇઝરની ઓરડીના તાળા તોડી તસ્‍કરો રોકડ તથા દાગીના મળી રૂા.૯૦,૨૦૦/ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પડધરી હાલ કુવાડવા નજીક જીયાણા ગામમાં રામેશ્‍વર સ્‍ટીલ કોર્પોરેશન નામના કારખાનાની ઓરડીમાં રહેતા અશ્‍વીનભાઇ સવજીભાઇ ડાભી (ઉ.વ.૩૧) એ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે કારખાનાની ઓરડીમાં પત્‍નિ અને પુત્ર સાથે છેલ્લા એક વર્ષથી રહે છે અને કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. પોતાના માતા-પિતા પડધરી રહે છે. ગત તા.૬ના રોજ પોતે પત્‍નિ અને પુત્ર સાથે દશામાનું જાગરણ હોઇ, તેથી ઓરડીને તાળુ મારી પડધરી ગયા હતા બાદ ગઇકાલે જીયાણા આવ્‍યા ત્‍યારે ઓરડીના દરવાજાનો નકુચો તુટેલો જોવા મળતા પોતે અંદર જતા સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. બાદ તપાસ કરતા કબાટમાં રાખેલ રૂા.૨૦ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના જોવા ન મળતા ચોરી થયાની ખબર પડતા આ બાબતે પોતે કારખાનાના માલીક પ્રશાંતભાઇ છગનભાઇ પટેલને જાણ કરી હતી. બાદ પોલીસને જાણ કરવામાં આવતા એરપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઇ વી.સી. પરમારે અશ્‍વીનભાઇ ડાભીની ફરીયાદ દાખલ કરી આસપાસના સીસીટીવી ફુટેજ જોતા તેમાં બે શખ્‍સો દેખાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:53 pm IST)