Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજકોટ શહેર એવું છે જ્‍યાં તાજીયા જુલુસો ૧૦૦ ટકા હિન્‍દુ વિસ્‍તારોમાં ફરે છે : સલોત

હિન્‍દુસ્‍તાનમાં ક્ષત્રિય રાજાઓ - મહારાજાઓએ ૨૮ સોના-ચાંદીના તાજીયાઓ બનાવી અને અર્પણ કરેલ છે

રાજકોટ તા. ૮ : શહેર તાજીયા કમિટિના પ્રમુખ આસીફભાઇ સલોતે અને શહેર તાજીયા કમિટિએ એક યાદીમાં જણાવેલ છે કે, હિન્‍દુસ્‍તાનમાં એકમાત્ર રાજકોટ શહેર એકતા અને ભાઇચારાના માહોલનું છે જ્‍યાં હિન્‍દુભાઇઓના ૧૦૦ ટકા વિસ્‍તારોમાં ત્રણ તાજીયાઓના ઝુલુસો બે દિવસ સુધી લાખો હિન્‍દુ - મુસ્‍લિમ સમાજની હાજરીમાં ફરે છે. હિન્‍દુસ્‍તાનના કોઇપણ રાજ્‍યના શહેરમાં આવું થતુ નથી. રાજકોટના ૩૬ મુસ્‍લિમ વિસ્‍તારોમાં ૫૦૦થી પણ વધારે શબીલો નાખવામાં આવેલ છે. જેમાં પાણીથી લઇને દુધ કોલ્‍ડ્રીંકસ સુધીનું ઇમામ હુસેનની યાદમાં હજારો હિન્‍દુ - મુસ્‍લિમ ભાઇઓને પાવવામાં આવે છે. રાજકોટના ઘણા મુસ્‍લિમ વિસ્‍તારોમાં સબીલોમાં હિન્‍દુ સમાજના ભાઇઓ પણ પૂરો સાથ અને સહકાર આપે છે તેવી જ રીતે રાજકોટમાં ઘણા વિસ્‍તારોમાં તાજીયા બનાવવામાં પણ હિન્‍દુ ભાઇઓ પુરી મહેનતો કરે છે. હઝરત ઇમામ હુશેનને મુસ્‍લિમ સીવાય હિન્‍દુ સમાજ પણ આસ્‍થાપૂર્વક માનતા હોય છે અને પોતાની અલગ અલગ માનતાઓ તાજીયાઓ પાસે જઇને માનતા હોય છે જે માનતાઓ પુરી થઇ જતા આવતા વર્ષે જે તે તાજીયા પાસે માનતા માનેલ હોય તે માનતાઓ આસ્‍થાભેર પુરી કરતા હોય છે.

રાજકોટમાં ૩૨ મુસ્‍લિમ વિસ્‍તારોમાં રોશનીઓથી રોડ રસ્‍તાઓ શણગારમાં આવે છે. ઠેક ઠેકાણે સાંજના સમયે ન્‍યાઝના કાર્યક્રમો અલગ અલગ કમિટિ દ્વારા કરવામાં આવી રહેલ છે અને હિન્‍દુસ્‍તાનમાંથી વાયઝની તકરીર કરવા આવેલ મૌલાનાઓ પણ ૧૦ દિવસ સુધી હઝરત ઇમામે હુશેન અને ૭૨ શહીદોની શાનમાં વાયેઝની તકરીરો કરી રહેલ છે. રાતના સમયે મુસ્‍લિમ વિસ્‍તારોમાં હજારોની સંખ્‍યામાં મુસ્‍લિમ સમાજ જોવા મળે છે દિનપ્રતીદીન મહોર્રમનો તહેવારની ગતીવિધી વધતી જાય છે. રાજકોટના ૨૦૦થી પણ વધારે ઇમામ ખાનાઓમાં તાજીયા બનાવવાની કામગીરી ચાલી છે.

રાજકોટ શહેર તાજીયા કમિટિના મહામંત્રી, જનરલ સેક્રેટરી રજાકભાઇ જામનગરી રાજકોટ શહેરની તમામ ધમાલ કમિટિઓ, અખાડા કમિટિઓ, તાજીયા કમિટિઓ જોગ જણાવે છે કે, રાજકોટ શહેરમાં તા. ૮ અને તા. ૯ બંને દિવસ રાજકોટના રાજમાર્ગો ઉપર તાજીયાના જુલુસો બે દિવસ ફરવાના હોય આ બંને દિવસના જુલુસમાં બે લાખથી વધારે હિન્‍દુ-મુસ્‍લિમ સમાજ જોડાતો હોય તેને ધ્‍યાનમાં રાખીને ધમાલ કમિટિના તમામ સંચાલકો અને રમનારાઓને અપીલ છે કે તાજીયાની પાછળ ખળીચોકીની માનતા રાખનારા ઉઘાડા પગે ચાલતા હોય છે અને રોડની બંને બાજુ તાજીયા જોનારા લોકો લાખોની સંખ્‍યામાં ઉભા હોય છે જેથી ધમાલ કમિટિવાળાઓ કાચની ટયુબ લાઇટો ફોડીને જે દાવપેચ રમતા હોય છે અને રોડ ઉપર કાચની સોડાબોટલો ફોડીને દાવપેચ રમતા હોય છે જેથી તાજીયાની પાછળ ખડીચોકી કરનારા લોકોના પગમાં આ કાચ લાગતા હોય છે અને ટયુબ લાઇટો ફોડતા હોય છે ત્‍યારે તેમાં રહેલી ઝેરી ભુકીઓ તાજીયા જોનારા લોકોની આંખમાં જાય છે જેથી આ બંને ચીજ ન રમવા વિનંતી છે.

રાજકોટ શહેરમાં બનતા તાજીયાઓના આગળના ભાગમાં તાજીયાના નંબર અને કયા વિસ્‍તારનો તાજીયા છે તે લખેલા બોર્ડ મારવા ફરજીયાત છે જેથી કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાય. રાજકોટ શહેરમાં બંને દિવસ તાજીયાની જુલુસની વ્‍યવસ્‍થાઓનું નિરીક્ષણ કરવા માટે આસીફભાઇ સલોત, રજાકભાઇ જામનગરી, મજીદભાઇ સમા, મકબુલભાઇ દાઉદાણી, હારૂનભાઇ શાહમદાર, યાકુબખાન પઠાણ, વાહીદભાઇ સમા, સમીરભાઇ જસરાયા, હારૂનભાઇ ગામેતી, મકબુલભાઇ ચાવડા, હનીફભાઇ માડકીયા, મોહસીનભાઇ ભાવર, ઇમ્‍તુભાઇ દાઉદાણી, હારૂનભાઇ શેખ, રફીકભાઇ દાઉદાણી, મેહબુબભાઇ રાઉમા, મહેબુબભાઇ પરમાર, પપુભાઇ સમા, આબીબભાઇ ઓડીયા, નિઝામભાઇ ઓથી, હનીફભાઇ આરબ, શાહરૂખભાઇ માજોઠી, ઇકબાલભાઇ ભાણુ, રાજુભાઇ દલવાણી, ઇબુભાઇ મેતર વગેરે શહેર તાજીયા કમિટિ જહેમત ઉઠાવી રહી છે.

(3:42 pm IST)