Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ડી. વી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના અધ્‍યક્ષને ડ્રાઇવરે દસેક તમાચા મારી દઇ ખૂનની ધમકી દીધી

ઢેબર રોડ પર પાણીના ટાંકા પાસે આવેલી સંસ્‍થામાં શનિવારે બનાવઃ સુરેશચંદ્ર કાથરાણીની પોલીસ ફરિયાદ : નોકરીમાં અનિયમિત ડ્રાઇવર અશ્વિન મકવાણાને અગાઉ સસ્‍પેન્‍ડ કરાયેલ, માફી માંગતા ફરી નોકરી અપાઇ હતીઃ ગયા શનિવારે ચાલુ નોકરીએ ઘરે જવાની વાત કરતાં અધ્‍યક્ષે તેને ટોકતાં પિત્તો ગુમાવ્‍યોઃ કડક કાર્યવાહીની માંગણી

રાજકોટ તા. ૮: ઢેબર રોડ પર પાણીના ટાંકા પાસે આવેલી શ્રી ડી. વી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના અધિક્ષકે આ સંસ્‍થાના ડ્રાઇવર આડોડાઇ કરતાં હોઇ અને મહિલા  સભ્‍યો કે જેઓ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ગયા હોય તેમને જે તે સ્‍થળેથી તેડવા ન જતાં હોય તેમજ શનિવારે પણ ડ્રાઇવરે પોતે હવે ઘરે જાય છે તેમ કહી નીકળી જવાની તૈયારીમાં હોઇ અધિક્ષકે તેને આ રીતે ચાલુ નોકરીએ જવાની ના પાડતાં ડ્રાઇવરે ઉશ્‍કેરાઇ જઇ બહેનોની હાજરીમાં બેફામ ગાળો ભાંડી આઠ-દસ તમાચા ચોડી દેતાં અધિક્ષકને ચક્કર આવી જતાં સારવાર લેવી પડી હતી. આ મામલે પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

આ બારામાં ઢેબર રોડ પર પાણીના ટાંકા પાસે આવેલા શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં છેલ્લા ૪૨ વર્ષથી અધિક્ષક તરીકે ફરજ બજાવતાં સુરેશચંદ્ર ચુનિલાલ કાથરાણીએ ભક્‍તિનગર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરશ્રીને ઉદ્દેશીને આ સંસ્‍થામાં જ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં અશ્વિનભાઇ પ્રતાપભાઇ મકવાણા (રહે. રામેશ્વર ચોક, શિવ શક્‍તિ કૃપા, રૈયા ચોકડી, ચોૈહાણ પાન પાસે) વિરૂધ્‍ધ લેખિત ફરિયાદ કરી છે.

સુરેશચંદ્ર કાથરાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું આ સંસ્‍થા સાથે બેતાલીસ વર્ષથી જોડાયેલ છું અને અધિક્ષક તરીકે પ્રમાણીકતાથી ફરજ બજાવું છું. સંસ્‍થામાં માત્ર અંધ બહેનોને શિક્ષણ અપાય છે અને છાત્રાલય સાથે રહેઠાણની પણ સુવિધા છે. સંસ્‍થામાં હાલમાં ૧૦૦ અંધ બહેનો રહે છે. આ સંસ્‍થાના અંધ બહેનોને કોઇપણ સામાજીક પ્રોગ્રામમાં જવા માટે તેમજ સ્‍કૂલ, કોલેજમાં કોઇ બહેન અભ્‍યાસ કરતાં હોય તો તેને મુકવા તેડવા જવા માટે બસની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સંસ્‍થાની બે રિક્ષા પણ છે. આ વાહનો ચલાવવા માટે અશ્વિનભાઇ પરમારને ડ્રાઇવર તરીકે નોકરીમાં રખાયા છે. જે દસ વર્ષથી નોકરી કરે છે અને તેનો નોકરીનો સમય ૭ થી ૩ સુધીનો છે.

આ ડ્રાઇવર હાલમાં અવાર-નવાર સંસ્‍થામાં નોકરી અને ફરજ દરમિયાન ધમાલ કરે છે. ઉપરી અધિકારીની સુચનાનું પાલન કરતાં નથી. અગાઉ સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ ત્‍યારે તેણે દિલગીરી વ્‍યક્‍ત કરતાં સંસ્‍થાના ટ્રસ્‍ટીઓએ દયા રાખી નોકરીમાં ફરીથી રાખ્‍યા હતાં. પરંતુ તેના વર્તનમાં સુધારો થયો નથી. સંસ્‍થામાં યુવાન બહેન-દિકરીઓ, મહિલાઓ, ગૃહમાતા અને બીજા સ્‍ટાફ બહેનોની હાજરીમાં અપશબ્‍દો બોલી બેફામ વાણીવીલાસ કરે છે.

આ દરમિયાન તા. ૬/૮/૨૨ના બપોરે ૧:૧૦ કલાક વાગ્‍યે અશ્વિનભાઇએ મને જણાવેલ કે-મારે કામ હોઇ હું ઘરે જવા નીકળુ છું. ત્‍યારે સંસ્‍થાના સુરેશભાઇએ કહેલું કે-૫/૮ના રોજ ૨૦ બહેનો હેમુ ગઢવી હોલ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ગયેલા તેમને તમે સુચના હોવા છતાં તેડવા ગયા નહોતાં, તેઓ હેન્‍ડીકેપ્‍ટ હોઇ પોતાની રીતે રિક્ષામાં આવવું પડયું હતું.

આ સાંભળતા જ અશ્વિનભાઇ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને ગાળો બોલી આક્ષેપો કરી કહેલું કે તમે પણ અવાર-નવાર ચાલ્‍યા જાવ છો. આથી અમે તેને કહેલું કે અમારે ઓફિસના કામે જવાનું હોય છે, અંગત કામે જતાં નથી. આમ કહેતાં તેણે ગાળોદઇ મારો કાંઠલો પકડી મારામારી કરી દસેક તમાચા મારી દેતાં મને ચક્કર આવી ગયા હતાં.

આ ઘટના વખતે સંસ્‍થાના કો-ઓર્ડિનેટર રૂપલબેન વેકરીયા વચ્‍ચે પડતાં હું માંડ છુટયો હતો. ગૃહમાતા કલ્‍યાણીબેન જોષી પણ આવી ગયા હતાં અને અશ્વિનભાઇને ઓફિસની બહાર લઇ ગયા હતાં. જતાં જતાં પણ અશ્વિનભાઇએ ધમકી આપી હતી કે સોમવારે તને જોઇ લઇશ, તારા ટાંટીયા ભાંગી નાખીશ, હવે જાનનું જોખમ છે એમ સમજી લેજો. એ પછી જાગૃતિબેન, કલ્‍યાણીબેનની હાજરીમાંફરી ધમકી આપી હતી અને આ અંગે અમે સંસ્‍થાના મંત્રી પ્રકાશભાઇ મંકોડીને જામનગર તથા પ્રમુખ એડવોકેટ વિનુભાઇ ગોસલીયાને પણ જાણ કરી હતી. તેઓ પણ તુરત સંસ્‍થા ખાતે આવ્‍યા હતાં.

મને મારને કારણે ઇજા થઇ હોઇ ડો. ચિરાગ ગાંધીને ત્‍યાં સારવાર લીધી હતી. ધમકી પણ આપવામાં આવી હોઇ કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તેમ વધુમાં સુરેશભાઇ કાથરાણીએ લેખિત ફરિયાદમાં જણાવ્‍યું છે.

(3:55 pm IST)