Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ચેક રિટર્ન થતાં પ્રતિક એન્જીનીયરીંગ પેઢીના પ્રોપરાઇટર સામે કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ,તા. ૮ : લોખંડની પ્લેટોની ખરીદી પેટે આપેલ ચેક રિટર્ન થતા પ્રતિક એન્જીનીયરીંગ પેઢી સામે ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં 'સુપરમેન ટ્રેડીંગ કોર્પોરેશન' નામથી વિજયકુમાર વલ્લભભાઇ સાવલીયા પ્રોપરાઇટર દરજ્જે લોખંડની પ્લેટોનું વેંચાણ કરે છે. તે લોખંડની પ્લેટોની ખરીદી 'પ્રતિક એન્જીનીયરીંગ'ના પ્રોપરાઇટર રોહિતભાઇ જીતેન્દ્રભાઇ પિત્રોડા રહે. ખોડીયારનગર, શેરી નં. ૫, એસ.ટી.વર્કશોપ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ. વાળાએ અલગ અલગ બિલથી ૧,૬૭,૬૫૦નો માલ ખરીદ કરેલ હતો.

આ માલના પેમેન્ટ પેટે રોહિતભાઇ પિત્રોડાએ તેમની પેઢી 'પ્રતિક એન્જીનીયરીંગ'ના ખાતા વાળી એકસીસ બેંક, જેતપુર બ્રાંચનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની પેઢી 'સુપરમેન ટ્રેડીંગ કોર્પોરેશન'ના ખાતાવાળી ધી કો.ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. હસનવાડી મેઇન રોડ બ્રાંચ રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક બિન ચુકતે પરત ફરેલ હતો.

આમ ફરીયાદી પેઢીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં રકમ ન ચુકવતા ફરીયાદી પેઢીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી અને 'પ્રતિક એન્જીનીયરીંગ'ના પ્રોપરાઇટર રોહિતભાઇ જીતેન્દ્રભાઇ પિત્રોડા સામે રાજકોટની સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે સમન્સ ઇસ્યુ કરી હાજર થવા હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી પેઢી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ તથા શ્રી અજય કે. જાધવ રોકાયેલ છે.

(4:19 pm IST)