Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

પ્રમુખમાર્ગઃ સ્મરણાંજલિ

લાખોના જીવનઆધાર પ્રમુખસ્વામી મહારાજે શ્રાવણ સુદ દશમ, તા. ૧૩-૮-૨૦૧૬ના રોજ આ પૃથ્વી પરથી વિદાય લીધી. જેમના પ્રાગટ્ય અને સહવાસથી આ ધરા ધન્ય થઈ તેમને સ્મરણાંજલિ અર્પવાનો આ અવસર છે.

પ્રમુખસ્વામી મહારાજ એટલે સાદા-સીધા, સરળ, શાંત સાધુપુરૃષ. આવા સંત માટે કહેવાયું છે કે 'સંતોઃ સ્વતઃ પ્રકાશન્તે।'સંતો પોતાના ગુણો વડે સ્વયં જ પ્રકાશે છે. શ્વેતક્રાંતિના પ્રણેતા એવા એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. કુરિયનને કોઈક પ્રમુખસ્વામી મહારાજનો મહિમા કહેતું હતું. ત્યારે તેમણે તેમને રોકીને કહ્યું, 'પ્રમુખસ્વામી મહારાજના દર્શનથી જ તેમની અહંશૂન્યતાનો ખ્યાલ સહેજે આવી જાય છે.' ભારતના રાષ્ટ્રપતિ, અણુવૈજ્ઞાનિક ડો. કલામ સાહેબ પ્રમુખસ્વામી મહારાજના પ્રથમ દર્શને જ તેમની સાધુતા અને તેમની ભગવન્મય સ્થિતિથી પ્રભાવિત થઈ ગયા હતા.

પ્રમુખસ્વામી મહારાજ એટલે કરુણાના સાગર, દયાની મૂર્તિ. ૧૯૮૭માં રાજકોટના સમીપવર્તી બેડીના કેટલકેમ્પમાં મૂંગા પશુઓની કંગાલ હાલત જોઈ તેઓ દ્રવી ઉઠ્યા. તાત્કાલિક તે પશુઓ માટે દ્યાસચારાની વ્યવસ્થા તો કરાવી, પણ તે પછી તરત જ ચાર કેટલકેમ્પ ખોલાવ્યા. ૧૯૯૦માં વરસાદ ખેંચાયો ત્યારે તેઓ ઇંગ્લેન્ડ હતા. ત્યાં રહ્યા રહ્યા રોજ રાત્રે ૧૧:૩૦થી ૨ વાગ્યા સુધી ઉજાગરા કરીને પ્રાર્થના કરતા. 'સંતહૃદય નવનીત સમાના...' રામાયણની ચોપાઈ તેઓના જીવનમાં કાયમ મૂર્તિમાન થતી.

પ્રમુખસ્વામી મહારાજ એટલે સર્વજીવહિતાવહ પુરૃષ. નાના-મોટા, ગરીબ-તવંગર સૌનું હિત કરવા તેઓ રાતદિવસ દેહની પરવા કર્યા વિના દેશ-વિદેશે, નગરે-નગરે, ગામડે-ગામડે, ઝૂંપડે-ઝૂંપડે ઘૂમતા જ રહ્યા. વર્ષના ૩૬૫ દિવસોમાં, દિવસો કરતાં વધુ ગામોમાં તેઓ વિચર્યા છે. જેમ કે ૧૯૭૬માં તેઓ ૭૨૮ ગામો-નગરોમાં ઘૂમી વળ્યા. એ જ રીતે ૧૯૭૯માં ૬૫૩ ગામો, ૧૯૮૧માં ૪૮૯ ગામો અને ૧૯૮૨માં ૪૯૫ ગામો! આવા કષ્ટભર્યા વિચરણ દ્વારા તેઓએ એક-એક વ્યકિતના મન સાચવ્યા. તેમાં ગરીબ કે તવંગર કોઈ બાકી ન રહેતું. જેમને પોતાના ઘરમાં તેઓને પધરાવવાની ભાવના હોય તેવું એક પણ આદિવાસી ગામ કે એક પણ ગરીબનું ઝૂંપડું બાકાત નથી રહ્યું. તેથી જ ૧૩-૮-૨૦૧૬ના દિને તેઓ ધામમાં પધાર્યા ત્યારે ૨૦ લાખથી વધુ લોકો અશ્રુ સારતાં તેઓનાં દર્શને દોડી આવ્યા હતા. તેમાં આમજનતાથી માંડીને દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી પણ હતા. સૌ કોઈ ભીનાં નેત્રે, ભીનાં હૃદયે પોતાના આત્મીય સ્વજન ગુમાવ્યાની લાગણી અનુભવતા હતા.

પ્રમુખસ્વામી મહારાજ એટલે અજાતશત્રુ સંત. તેઓને મન કોઈ શત્રુ ન હતા. ગાંધીનગર અક્ષરધામમાં થયેલા આંતકવાદી હુમલા સમયે તેઓએ મૃતાત્મા માટે પ્રાર્થના કરી તે સાથે આંતકવાદીઓને પણ સદ્મતિ, સદ્ગતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આ વલણને લીધે તેઓ વિરોધમાં પણ વિશેષતા જોતા. માંડવધારમાં અણસમજથી તેઓના પૂતળાં બનાવી બાળવામાં આવ્યા ત્યારે તેઓ હસતાં હસતાં બોલેલા કે, 'સારૃં કહેવાય, જીવતા અગ્નિસંસ્કાર જોવા મળ્યો.'

પ્રમુખસ્વામી મહારાજ એટલે પરમ ભાગવત સંત. ભગવાનની સ્મૃતિ તેમને અખંડ હતી. પ્રવૃત્તિના ભારમાં કે ઉતાવળમાં કયારેય તેમણે ભગવાનને ગૌણ કર્યા નથી. ૧૯૯૮માં તેઓની એન્જિયોગ્રાફી કરતા ડોકટરોએ તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવા આગ્રહ કર્યો. પ્રાણદ્યાતક કટોકટીની આ પળોમાં તેઓએ ઠાકોરજીને (હરિકૃષ્ણ મહારાજની ચલ મૂર્તિને) આરામ ઓછો ન થાય તેની તકેદારી રાખી ઓપરેશનને ઠેલ્યું હતું. પ્રાણ જાય તેવા સંકટ સમયે પણ તેઓને ઠાકોરજી જ મુખ્ય રહ્યા. કેનેડાની પાર્લામેન્ટમાં કે લંડનમાં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડ્સ દ્વારા મળતા સન્માન તેઓએ ભગવાનને જ સમર્પિત કરાવ્યા. માનમાં કે અપમાનમાં, સુખમાં કે દુઃખમાં તેઓ અખંડ ભગવાનમાં જ લીન રહ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજ એટલે આત્મારૃપ, બ્રહ્મરૃપ સ્થિતિમાં સ્થિર બ્રહ્મસ્વરૃપ. આનંદના સાગરમાં અખંડ હિલોળા લેતા આનંદમય અક્ષરબ્રહ્મ. પ્રસિદ્ઘ પત્રકાર શ્રી હરકિશન મહેતાએ તેઓને પૂછેલું  'એવી કોઈ ઘટના છે જે યાદ આવતાં દુઃખ થાય?' તે સમયે તરત જ પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું 'ના, એવો કોઈ પ્રસંગ જ નથી. કાયમ આનંદ આનંદ જ રહ્યા કરે છે.'

આ પુરૃષ અંતિમ પળ સુધી, અંતિમ સંસ્કાર સુધી અખંડ બ્રાહ્મીસ્થિતિને ભોગવતા આ પુરૃષ અખંડ દાસ, સેવા બનીને રહ્યા. જીવનની અંતિમ પળ સુધી, અંતિમ સંસ્કાર સુધી. ૨૦૧૧માં ભરૃચમાં હાર્ટ એટેક આવ્યા બાદ તેઓએ સેવકોને જણાવેલું.  'જયારે મારો અંતિમવિધિ થાય ત્યારે મારા દેહને એવી રીતે ગોઠવવો જેથી મારી દૃષ્ટિ (મંદિરમાં પધરાવેલ) અક્ષરપુરૃષોત્તમ મહારાજ સમક્ષ રહે અને (સ્મૃતિમંદિરમાં બિરાજમાન) ગુરૃ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારા પર રહે.

પરમાત્મા અને ગુરુમાં લીન થઈ રહેલા આ દિવ્યપુરૃષની સ્મૃતિ આજે પણ સૌની આંખોને ભીંજવી જાય છે. પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિમંજૂષા જ સૌનો પ્રમુખમાર્ગ બની રહી છે.(૩૦.૭)

સાધુ નારાયણમુનિદાસ

 

(4:10 pm IST)