Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભગવાન ભોળાનાથ નગરયાત્રાએ નિકળ્યાઃ રાસ મંડળીની જમાવટઃ વરણાગી

શ્રી કામનાથ મહાદેવના ૭૩માં પાટોત્સવની (વરણાગી) ફુલેકુ કાઢી ઉજવણી : જામખંભાળીયાનુ આંબાવાડી કલાવુંદ, આદીવાસીઓનું ગૃપ સાથે ધુન ભજનઃ બાવન બેડાનો રાસ, શ્રી આશાપુરા માતાજીના મંદિરે ૨૧૦૦ દિવાની મહાઆરતી

 રાજકોટઃ શ્રી કામનાથ મહાદેવના ૭૩માં પાટોત્સવની ભવ્ય (વરણાગી) ફુલેકુ કાઢી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

અત્રેના પૌરાણીક અને ભાવિકોની આસ્થાના પ્રતિક સમા કામનાથ મહાદેવ મંદિર દ્વારા પરંપરા મુજબ નીકળતું ફુલેકુ (વરણાગી)રાસની રમઝટ, ભકિત સંગીતના સૂરીલા સૂરો અને ભાવિકોના અદમ્ય ઉત્સાહ સાથે દેશની જાણીતી વિવિધ સાંસ્કૃતિક મંડળીઓના આકર્ષક ફલોટ્સ સાથે નીકળી હતી જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પાટોત્સવની ઉજવણી રૃપે સોમવારે ભગવાન શિવજી શ્રાવણના આ પવિત્ર માસમાં એક દિવસ માટે નગરયાત્રાએ નીકળ્યા હતા. પ્રાતઃકાળથી કામનાથ મંદિર ખાતે શ્રી કામનાથ મહાદેવ પ્રેરીત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળાના બ્રાહ્મણો દ્વારા સદાશિવ શ્રી કામનાથ મહાદેવનંુ ષોડશોપચાર પૂજન થયું હતું. જે મધ્યાહન સુધી ચાલ્યુ હતું. અને બપોર પછી ફૂલેકારૃપે ધર્મયાત્રા નીકળી હતી.

શ્રી કામનાથ મહાદેવના મંદિરેથી રૈયાનાકા, પરાબજાર, ધમેન્દ્ર રોડ, સાંગણવા ચોક,આશાપુરા મંદિર, કોઠારીયા નાકા,  દરબાર ગઢ થઇ આ વરણાગી શ્રી કામનાથ મંદિરે પરત ફરી હતી. આ ફુલેકા દરમ્યાન જામ ખંભાળિયાનું જગવિખ્યાત આંબાવાડી કલાવૃંદ, આદિવાસીઓનું પ્રખ્યાત ગ્રુપ તથા સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓએ ભાગ લઇ રમઝટ બોલાવી હતી. તેમજ શિવજીને રીઝવવા સાંગણવા ચોક ખાતે બાવન બેડાનો રાસ તથા સંધ્યાકાળે શ્રી આશાપુરા માતાના મંદિરે ૨૧૦૦ દીવાની ભવ્યતિભવ્ય આરતી કરવામાં આવી હતી.

આ ફુલેકા દરમ્યાન રાજકોટ આસપાસના ગામો તથા રાજકોટની ધૂનમંડળીઓ , ભજન મંડળીઓ સામેલ થઇ હતી. કક્કડ પરિવારના ભાઇઓ, ભોલા મહારાજ, બ્રહ્મા મહારાજ, બ્રહ્માનંદ પાઠશાળાના આચાર્ય હર્ષદભાઇ શાસ્ત્રીજી, લખનદાસ બાપુ, કામનાથ ટીમ, લતાવાસી તથા ધર્મપ્રેમી ભાવિકોએ સેવા આપી હતી અને ઠેરઠેર પુષ્પોની વૃષ્ટિ થઇ હતી. આ કામનાથ મંદિરમાં ભાવિકો દ્વારા તૈયાર કરાયેલ શ્રી કામનાથ મહાદેવની ભાતીગળ કામનાથ મહાદેવની પાલખીમાં મહાદેવજીનાં દર્શનનો રાજકોટની ધર્મનિષ્ઠ જનતાએ લાભ લીધો હતો.

આ ધાર્મિક પ્રસંગે ક્કકડ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું તેમ આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી પ્રિયવદન શાંતિલાલ કક્કડની યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:17 pm IST)