Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

માલવીયાનગર પોલીસે ભુલા પડેલા ચાર વર્ષના બાળકનું પિતા સાથે મિલન કરાવ્યું

ગોકુલધામ કવાર્ટરમાંથી ૪ વર્ષનો વિજય ભુલો પડી પીડીએમ કોલેજ પાસે પહોંચી ગયો'તોઃ પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા

રાજકોટ તા. ૯: પોલીસ પ્રજાનો મિત્ર...આ સુત્ર આ વખતે માલવીયાનગર પોલીસે સાર્થક કર્યુ છે. એક જાગૃત નાગરિકે ૧૦૦ નંબર પર ફોન કરી એક બાળક પીડીએમ કોલેજના ગેઇટ પાસે રડતું હોવાની જાણ કરતાં માલવીયાનગર પોલીસ પહોંચી હતી અને બાળકનો કબ્જો લઇ ટીમો બનાવી ચાઇલ્ડ હેલ્પલાઇન નં.૧૦૯૬નો સંપર્ક કરી તપાસ શરૂ કરી હતી. બાળકને પીસીઆર ઇન્ચાર્જ કોન્સ. ચીરાગભાઇ કલોલા પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. અહિ બાળકને રમકડા, નાસ્તો આપી શાંતિપુર્વક રીતે પુછતાછ કરતાં પોતાનું નામ વિજય એટલુ જણાવ્યું હતું.

પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ ડી. સ્ટાફ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, અશ્વિનભાઇ કાનગડ, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, ચિરાગભાઇ કલોલા અને અરૂણભાઇ ચાવડા સહિતે ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી અને સોશિયલ મિડીયામાં પણ બાળક ભુલુ પડ્યું હોઇ તેના ફોટા વહેતા કર્યા હતાં.

એ દરમિયાન હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, અશ્વિનભાઇ કાનગડની ટીમને માહિતી મળી હતી કે આ બાળકના માતા-પિતા ગોકુલધામ આરએમસી કવાર્ટરમાં રહે છે. તપાસ કરતાં તેના પિતા કલ્પેશભાઇ શશિકાંતભાઇ ઉનડકટ મળી આવ્યા હતાં. તેમને પોલીસ મથકે લાવવામાં આવતાં ભુલો પડેલો ૪ વર્ષનો પુત્ર વિજય તેને જોતા જ ભેટી પડ્યો હતો. રમતાં-રમતાં આ માસુમ ઘરેથી નીકળી જઇ દોઢેક કી.મી. દૂર આવી ગયેલ. પોલીસની કવીક રિસ્પોન્સ ટીમની કામગીરીથી ભુલા પડેલા બાળકનું તેના પિતા સાથે મિલન થયું હતું અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

(12:47 pm IST)