Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૮૧ વર્ષના કોરોના વોરીઅર વીનર અને અન્ય ત્રણ વિજેતા લડવૈયા

પપ્પા વીસ દિવસ પછી હોસ્પીટલમાંથી પરત આવી ગયા છે. એમને શકિત ફિલ્મના દિલીપકુમાર જેવી દાઢી ઊગી ગઇ છે.વિશેષ વિગતો અહીં છે. અમને જે લોકોએ સપોર્ટ કર્યો એમનો આભાર માનવા હજી એક પોસ્ટ લખીશ. મારા માટે આ પચ્ચીસ દિવસ અકલ્પનીય રહ્યા. મહાકાલ, મહાદેવ, માતાજી, સુપર નેચરલ પાવર અને કેટલાક મિત્રો, પરિવારજન વગર આ શકય નથી.

''અનિલભાઇ અગાઉ કયારેય સ્મોકીંગ કરતા?''

''ના,ડોકટર એમણે કયારેય સાદું પાન પણ ખાધું નથી. વીસ વર્ષથી નિવૃત્ત છે એટલે બહારની ચા પણ નહીં.''

''ઓ કે આ તો પૂછવું પડે એટલે અમને ટ્રીટમેન્ટની ખબર પડે.....''

૧૪મી ઓગસ્ટે આવા સવાલના જવાબ હું મિકેનીકલી આપ્યે જતો હતો. પપ્પાને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ડોકટરે જો કે હોમ આઇસોલેશન આપ્યું.રાહત થઇ. પણ વીસમી ઓગસ્ટે ઓકિસજનનું પ્રમાણ ઘટ્યું, દાખલ કર્યા. ચિંતા કેવી અને કેટલી હોય એ લખવાની જરૂર નથી.

એકલા કયારેય આઠ કલાક પણ ન રહેલા પપ્પા, અલબત્ત સ્ટાર સિનર્જી હોસ્પીટલના સૌજન્ય પૂર્ણ સ્ટાફની વચ્ચે પરંતુ કોઇ સ્વજન વગર રહેશે એ કલ્પના થરથરાવનારી હતી.એમ્બ્યુલન્સમાં પણ એકલા ગયા. મેં તો એને ફોલો કરી. બસ પછી ત્યાંથી ડોકટરનો એક ફોન આવે....સારૃં છે, સ્ટેબલ છે...હજી સાવ સારૃં ન કહેવાય.....સ્ટાર સીનર્જીની આખી ટીમે પર્સનલ કેર કરી. (હું નામ પછી લખીશ) પેરામેડીકલ સ્ટાફે પણ દાદુ....દાદુ કહીને પપ્પાના લડાવ્યા. પણ અમે તો કોઇ ત્યાં નહોતા.

આખો કપરો સમય વિત્યો. અલ્સરની એમની જૂની બીમારી.એની પણ થોડી સમસ્યા થઇ. અપ્સ-ડાઉન્સ આવ્યા. આખરે પપ્પાને આજે હોસ્પીટલમાંથી ઘરે આવવાની રજા મળી છે, સારાં સ્વાસ્થ્ય સાથે...... હા, હજી ધ્યાન તો એમણે અને અમારે રાખવાનું છે. દિવસો(અને રાતો પણ)કેમ વિત્યા? એ શબદસ્થ થઇ શકે એમ નથી ફોન હું સાથે ને સાથે રાખું...હોસ્પીટલ માંથી ફોન આવશે તો નહીં ને....!? રાત્રે માંડ આવેલી ઊંઘ ઊડે એટલે ફોન ચેક કરું...કયાંક કોલ મિસ્ડ તો નથી ને.....?!

પપ્પાનું વ્યકિતત્વ અને સ્વભાવ ચિંતાવાળો. તરત ઘેરાઇ જાય. ઢીલા હોવાની છાપ. અમને બધાને એમ કે ત્યાં એકલા કેટલા મુંઝાતા હશે.... નબળાઇ તો હતી જ. પરંતુ હોસ્પીટલના સ્ટાફે કહ્યું કે દાદા બહુ હિમ્મતમાં છે. આ વખતે ખબર નહીં પણ એમણે પહેલેથી જ સ્વીકૃતિ દાખવી કે જે રીપોર્ટ હોય એ મને કહેજો..હવે ડરવાનો અર્થ નથી સંઘર્ષ એમણે પણ ઘણો કર્યો.પછી તો ઘરનું જમવાનું પણ મંગાવ્યું. મેં તો કરવું જોઇએ એટલું અને એ જ કર્યું છે.આખરે પપ્પાને આજે હોસ્પીટલમાંથી રજા મળી છે, હવે ઘરે છે. ૮૦વર્ષે પણ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ,વ્યસન...કંઇ જ ન હોવાનો ફાયદો કે આવા ગંભીર રોગ સામે પણ ઝઝૂમ્યા અને ટકી ગયા.

કહાની અહીં પૂર્ણ થતી નથી........પપ્પાને૧૪મી ઓગસ્ટે પોઝિટિવ આવ્યો અને૧૫મી ઓગસ્ટે કોર્પોરેશનની ટીમ આવી.બધાના એન્ટીજન ટેસ્ટ કર્યા. મારાં મમ્મી જયોતિબેન,પત્ની જલ્પા અને દીકરો બિરદ એમના રિપોર્ટ  પણ પોઝિટીવ. ઘરમાં મિનિ હોસ્પીટલ થઇ ગઇ...... પાંચ સભ્યો માંથી ચારને કોરોના....... એક પછી એક મેડીકલ મોરચા ખૂલતા ગયા..... પપ્પા ઘરે હતા એ દરમિયાન કોરોનાગ્રસ્ત મારી પત્ની જલ્પાએ એમની સતત સેવા કરી. પોતાની પીડા ભૂલીને પપ્પાને સંભાળ્યા. ઘરે એ લોકોને પણ મુશ્કેલી તો હતી પરંતુ મહાદેવ,માતાજીની કૃપા કે બધા સાજા થતા ગયા. પંદર વર્ષના દીકરાએ પણ એને કુદરત તરફથી મળેવી પરિપકવતા બતાવી.   સદનસીબે મમ્મીને વધારે અસર નહોતી.હા, અજંપો તો હોય ય જ..

આ સમય દરમિયાન અમને અનેક લોકોએ અનેક રીતે મદદ કરી છે.એમના વિશે અલગથી લખવું જોઇએ. નામોલ્લેખથી નહીં ચાલે. ઘણાં નામો છે...બધું નિરાંતે.

અત્યારે તો બસ આપ સૌને જણાવવાનું કે વીસ દિવસના હોસ્પીટલ નિવાસ પછી આખરે પપ્પા ઘરે આવ્યા છે.હા,હજી એમણે અને અમારે ધ્યાન ઘણું રાખવાનું છે. પરંતુ ઘર આખરે ઘર. કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યા એ મેં અહીં કહ્યું નહોતું. આ કોઇ ખુશીના સમાચાર નહોતા. હવે આજે કહી રહ્યો છું કે એક દુઃસ્વપ્ન જેવો સમય વિત્યો છે.... હું પ્રાર્થના કરૃં છું કે આવા દિવસો કોઇ એટલે કોઇને ય જોવા ન પડે.   અમારા કેટલાક ડોકટર મિત્રો, વડીલો એવા છે જેને દેવદૂત જ કહેવાય. ઈશ્વર કેવા કેવા સ્વરૂપે વિશ્વમાં છે એની ખબર પડી.

બહારનું જગત અને અંદરની સૃષ્ટિનો પરિચય થયો. ઇશ્વરી શકિતના સતત હકારાત્મક પરચા મળ્યા. અનેક સંબંધો પરખાયા, સગપણો ઓળખાયા......નિરાંતે લખીશ,કદાચ.કારણ કે આ લખવું,વ્યકત કરવું અઘરૃં છે.  કોરોના વાયરસ છે.શબ્દ નથી કે એને આલેખી શકાય. પણ આવું કોઇની સાથે ન બને એવી પુનઃ પુનઃ પ્રાર્થના.(સોશ્યલ મિડીયામાં જવલંત છાયાનો પ્રસિધ્ધ થયેલ અહેવાલ સાભાર)

જવલંત છાયા, મો.૯૯૦૯૯ ૨૮૩૮૭

(2:43 pm IST)