Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કલેકટર કચેરીમાં અધ-ધ-ધ કુલ રર કોરોનાની ઝપટેઃ કામ ઠપ્પ

રેવન્યુ-જનસેવા કેન્દ્ર-મામલતદાર કચેરીઓનો સ્ટાફ કોરોના પોઝીટીવ : રોજીંદી કામગીરી ઠપ્પ જેવીઃ મોટા ભાગનાં અધિકારી-કર્મચારીઓ કોવીડ-૧૯ની કામગીરીમાં રોકાયેલો

રાજકોટ, તા., ૮: શહેરમાં હવે કોરોનાનો ઉપાડો વધ્યા છે. સરકારી-કચેરીઓ અને રાજકીય વ્યકિતઓ, કોર્પોરેટરો વગેરે કોરોનાની ઝપટે ચડી રહયા છે. ત્યારે કલેકટર કચેરી કે જે જીલ્લાનું વહીવટી તંત્ર છે તેના રર જેટલા કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ આવ્યા છે.

જેના કારણે કલેકટર કચેરીની કામગીરી ઠપ્પ જેવી થઇ ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કલેકટર કચેરી કોરોના સંક્રમણમાં રેડ ઝોન જેવી બનતી જાય છે. મુખ્ય કચેરીમાં જનસેવા કેન્દ્ર, રેવન્યુનાં કેટલાક કર્મચારીઓ, મામલતદાર કક્ષાના અધિકારીઓ વગેરે એક પછી એક કોરોનાથી સંક્રમીત થવા લાગ્યા છે અને મામલતદાર કચેરી ઝોન કચેરી સુધી ચેપ પ્રસરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ રર કર્મચારી-અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ગયો છે.

આ તમામ કોઇને કોઇ જગ્યાએ મહત્વની જવાબદારી સંભાળતા હોઇ તેઓનાં સંક્રમીત થવાથી જે તે કચેરીના અન્ય બે-ત્રણ કર્મચારીઓ કોરોન્ટાઇન થઇ રહયા છે. આથી મોટા ભાગની મામલતદાર કચેરીઓ-અન્ય વિભાગોમાં કામગીરી ઠપ્પ જેવી છે.

અધુરામાં પુરૂ ડે. કલેકટર, મામલતદાર કક્ષાના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓને કોરોના સંક્રમણ રોકવાની સંબંધી કામગીરી સોંપવામાં આવી છે.

આમ કલેકટર કચેરીનું તંત્ર કોરોનાની કામગીરીમાં રોકાયેલું હોઇ અરજદારો પણ કચેરીમાં જતા અટકયા છે.(૪.૧૩)

રાજકોટ તાલુકા રેવન્યુ તલાટી પવન પટેલ પણ કોરોનાં પોઝીટીવ

રાજકોટ : કલેકટર કચેરીનાં વધુ એક અધિકારી કોરોનાની ઝપટે ચડી ગયાનું જાણવા મળ્યુ છે. રાજકોટ તાલુકાનાં રેવન્યુ તલાટી પવન પટેલનો કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રએ કચેરીમાં સેનીટાઇઝેશન, કોરન્ટાઇન સહિતનાં સાવચેતીનાં પગલા લેવાનું શરૂ કર્યુ છે. 

(3:30 pm IST)