Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બામણબોરની ફેકટરીમાંથી પૂર્વ કર્મચારી અમરશી સગીર સાગ્રીત સાથે મળી જંતુનાશક દવા ચોરતો'તોઃ ભેદ ખુલ્યો

મજૂરી ન મળતાં પૈસાની તંગી દૂર કરવા આમ કર્યાનું રટણઃ ક્રાઇમ બ્રાંચે મુદ્દામાલ પણ કબ્જે કર્યોઃ દવા ચોર્યા બાદ મેસરીયાના મહેબુબહુશેન ચોૈધરીને વેંચી દેતા'તા : જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમની કામગીરી

રાજકોટ તા.૮: બામણબોર જીઆઇડીસીમાં વિમેક્ષ ક્રોપ સાયન્સ લિ. નામની ફેકટરીમાથી છેલ્લા કેટલાક મહિનામાં ૧,૧૦,૦૯૯૮ની કિંમતની જંતુનાશક દવા, પાવડર અને કોમ્પ્યુટર ચોરી જવામાં આવતાં ફેકટરી માલિક કુવાડવા રોડ પર મધુવન પાર્ક-૨માં રહેતાં જયંતિભાઇ હંસરાજભાઇ ટીંબડીયા (ઉ.વ.૪૯)એ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી ફેકટરીના જ પુર્વ કર્મચારી અને એક સગીરને પકડ્યા છે. આ બંને હેકઝોસ્ટ ફેન ખસેડી તેના ખાંચામાંથી અંદર ઉતરી ચોરી કરતાં હતાં અને દવાના વેપારીને દવા વેંચી દઇ રોકડી કરી લેતાં હતાં. પોલીસે તમામ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. 

જયંતિભાઇની ફેકટરીમાંથી ૨૯/૨ થી ૨૪/૮ સુધીમાં કોઇ કોમ્પ્યુટર તથા અલગ-અલગ વજન પેકીંગની જંતુનાશક દવાઓ મળી કુલ રૂ. ૧,૧૦,૦૯૯ની મત્તા ચોરી ગયું હતું. આ ચોરીમાં કુવાડવાના ગારીડા ગામના ઠાગા વિસ્તારનો અમરશી અરજણભાઇ વાટીયા (કોળી) (ઉ.વ.૨૨) સંડોવાયો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા અને કોન્સ. એભલભાઇ બરાલીયાને મળતાં  તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પહેલા તો ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ બાદમાં ચોરી કબુલી હતી. પોતાની સાથે એક સગીર પણ સામેલ હોવાનું કહેતાં તેને પણ ઉઠાવી લેવાયો હતો.

અમરશી અગાઉ ફેકટરીમાં નોકરી કરતો હતો. બે-ત્રણ વર્ષ પહેલા નોકરી મુકી દીધી હતી. કેટલાક મહિનાથી મજૂરી મળતી ન હોઇ પૈસાની તંગી હોઇ તે ચોરીના રવાડે ચડ્યો હતો. ફેકટરીની અંદર છાપરા પરના હેકઝોસ્ટ ફેનને હટાવીને જઇ શકાય તેનાથી અમરશી વાકેફ હતો. તે પંખો હટાવતો હતો અને સગીર અંદર ઉતરી જંતુનાશક દવા સહિતની ચીજવસ્તુઓ ચોરી લાવતો હતો. આ દવા બાદમાં સગીરના ખેતરમાં છુપાવી દેવાતી હતી. એ પછી વાંકાનેરના મેસરીના દવાના વેપારી મહેબુબહુશેન અલીભાઇ ચોૈધરીને વેંચી દેતાં હતાં.

ક્રાઇમ બ્રાંચે દવાઓ, કોમ્પ્યુટર મળી રૂ. ૧,૧૦,૦૯૯નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી તથા પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, જે. પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ, કુલદીપસિંહ જાડેજા, કોન્સ. તોરલબેન જોષી સહિતે આ કામગીરી કરી હતી. વધુ તપાસ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી છે.

(3:33 pm IST)