Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લોકોને ઘરબેઠા પ્રાથમિક સારવારની સેવા પૂરી પાડતું 'ધન્વંતરી આરોગ્ય રથ'

તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ડાયાબીટીસ વિ.રોગોનું નિદાન અને સ્થળ ઉપર જ અપાતી પ્રાથમિક સારવારઃ આયુર્વેદીક- હોમિયોપેથી દવાઓનું વિતરણ

રાજકોટ,તા.૮: હાલમાં સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલ છે. કોરોનાનું સંક્રમણ રોકવા અને નાગરીકોની સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા દરેક વિસ્તારમાં હરતો ફરતો 'ધન્વંતરી આરોગ્ય રથ' કોરોના સંક્રમણના લક્ષણો હોય અને તેનું વહેલું નિદાન થાય તો તુરત જ સારવાર વહેલામાં વહેલી તકે શરૂ કરી શકાય છે. અને તેના પરિણામો પણ સારા મળે છે. રાજયના દરેક જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે ખુબજ અગત્યનું છે.        ગુજરાત રાજય સરકારશ્રીના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ કોરોનાની મહામારીમાં અંતરિયાળ વિસ્તાર તથા કંટેઇન્મેન્ટ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉત્તમ હેતુસર  'ધન્વંતરી આરોગ્ય રથ'ની સેવાઓ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં રોગ અટકાયતી કામગીરીમાં એલોપેથીક સહીત આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પણ અસરકારક રીતે કામ કરે છે. તેથી રાજય સરકારે 'ધન્વંતરી આરોગ્ય રથ' દ્વારા દરેક રાષ્ટ્રીય બાલસખા કાર્યક્રમની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયેલ છે તેવા વિસ્તારોમાં અને અંતરિયાળ વિસ્તારમાં ફરે છે.

     આ 'ધન્વંતરી આરોગ્ય રથ' અંતરિયાળ વિસ્તારના લોકોને તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ડાયાબિટીસ, બી.પી., ચામડીના રોગો વગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આાવે છે. આ 'ધન્વંતરી આરોગ્ય રથ' માં એક ડોકટર, એક સ્ટાફ નર્સ, એક લેબ ટેકનિશિયન અને ડ્રાઇવરનો સમાવેશ થાય છે. ધનવંતરી રથ દ્વારા ૧,૫૦,૪૩૯ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવેલ છે. જેમાં રેસ્પીરેટરીઇન્ફેક્ષન દર્દી શોધી તેમને સ્થળ પરજ સારવાર આપવામાં આવે છે. લોકોના એંટીજન ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેમજ અંતરિયાળ વિસ્તારના લોકોને આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

આ ઉપરાંત લોકોને હાલમાં સમયમાં કોરોના રોગથી બચવા અંગે શું કાળજી લેવી તેમજ શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે શુ કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

(3:38 pm IST)