Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશે અંધશ્રધ્ધા સામે જનજાગૃતિ કાર્યક્રમો : જસદણમાં રાજય કક્ષાની ઉજવણીની તૈયારી શરૂ

રાજકોટ તા. ૮ : આગામી ૩ નવેમ્બરે કાળી ચૌદશ છે. ત્યારે સદીઓ જુન માન્યતા, પરંપરા, કુરીવાજો અને ખોફનાક વાતોનું ખંડન કરી લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર લાવવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયકક્ષાનો જનજાગૃતિ કાર્યક્રમ આ વખતે જસદણ સ્મશાનમાં આયોજીત કરાયો છે.

આ અંગે પૂર્વ તૈયારી અર્થે તાજતેરમાં મીટીંગ યોજવામાં આવી હતી. જસદણ નગરપાલીકાના ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદીના હસ્તે મીટીંગનું ઉદ્દઘાટન કરાયા બાદ સામાજીક ચેતના માટે પત્રિકા વિતરણ કરાયુ હતુ. જસદણના સ્મશાનમાં કાળી ચૌદશે સ્વામિ વિવેકાનંદ મોક્ષધામ ટ્રસ્ટના યજમાનપદે આયોજીત કાર્યક્રમોમાં સ્મશાનમાં બેસી મધ્ય રાત્રે ચા - નાસ્તો, કકડાના વડા આરોગવા, મશાલ સરઘસ સહીતના કાર્યક્રમો હાથ ધરાશે. પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યક્રમો યોજાશે.

સાથો સાથ રાજયના અન્ય શહેર ગામોમાં પણ કાળી ચૌદશના જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. તેમ જાથાના રાજય  ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:00 pm IST)