Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

બેડી ચોકડીએ ગોપાલ રેસિડેન્સીમાં મારામારી : હુમલો કરનારા બંને ભાઇઓ અનિલના ભાડૂઆત છેઃ તેને મકાન ખાલી કરવા કહ્યું હોઇ ખાર રાખી 'કાતર શું મારે છે?' કહી પાઇપથી તૂટી પડ્યા

ગરબીના મંડપમાં હેલોજન ફીટ કરી રહેલા અનિલને રોહિત અને ડાડાએ ફટકાર્યો

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગોપાલ રેસિડેન્સીમાં રહેતો અનિલ દિનેશભાઇ બાલા (આહિર) (ઉ.વ.૨૩) રાતે નવેક વાગ્યે ઘર નજીક ગરબીના મંડપમાં હેલોજન લાઇટ ફીટ કરી રહ્યો હતો ત્યારે સામે ઉભેલા રોહિત અને તેના ભાઇ દેવાંગ ઉર્ફ ડાડો કોળીએ 'સામુ શું જોવે છે, કાતર શું કામ મારે છે?' કહી ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહ ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

અનિલ ઇમિટેશનનું કામ કરે છે. તેના પિતા દિનેશભાઇ બાલાના કહેવા મુજબ હુમલો કરનારા રોહિત અને ડાડો અમારા જ મકાનના ભાડૂઆત છે. છએક મહિનાથી તે ભાડેથી રહે છે. પણ અમે તેને બે મહિનાથી મકાન ખાલી કરવાનું કહ્યું હોઇ તે ખાલી કરતાં ન હોઇ તેનું મનદુઃખ ચાલે છે. રાતે મારો દિકરો ગરબીના મંડપમાં હેલોજન ફીટ કરતો હતો ત્યારે બંને ભાઇએ સામુ જોઇ કાતર શું મારે છે? એવું કહી હુમલો કર્યો હતો. 

(3:08 pm IST)