Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં સુબોધ, હાર્દિક અને ધવલને એક લાખની મત્તા સાથે પકડી લેવાયા

ગાંધી સ્મૃતિ સોસાયટી, કરણપરા અને રૈયા રોડ શાંતિનિકેનત પાર્કમાં ક્રાઇમ બ્રાંચના દરોડા : એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજાની ટીમે દરોડા પાડ્યા

રાજકોટ તા. ૮: દુબઇમાં રમાઇ રહેલા આઇપીએલની આ વર્ષની સિઝનના બાકીના મેચ પર નાના મોટા સટ્ટાખોરો દાવ લગાવી  રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે ત્રણ અલગ અલગ સ્થળે દરોડા પાડી રાજસ્થાન રોયલ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમો તથા ચેન્નાઇ સુપર કિંગ્સ તથા પંજાબ કિંગ્સની ટીમોના મેચ પર સટ્ટો રમી રહેલા ત્રણને પકડી લઇ કુલ રૂ. ૧,૦૯,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે ગાંધી સ્મૃતિ સોસાટી-૪/૫ના ખુણે રહેતાં સુબોધ રામઅવતારસિંઘ પીલપીયા (ઉ.૨૯)ના ઘરમાં દરોડો પાડી તેને ચેન્નઇ અને પંજાબની ટીમના મેચ પર સટ્ટો રમતાં પકડી લીધો હતો. તે પોતાના મોબાઇલ ફોનમાં એપ્લીકેશન પર સોદા નાંખી સટ્ટો રમતો હતો. રૂ. ૬૦૦૦ રોકડા, એપલનો ૮૦ હજારનો મોબાઇલ ફોન તથા સાદો રૂ. ૫૦૦વાળો એક ફોન કબ્જે કરાયો હતો.

જ્યારે બીજો દરોડો કરણપરા-૩૮માં ગુરૂકૃપા પાન એજન્સી નામની દૂકાન પાસે પાડી લક્ષ્મીવાડી-૬માં રહેતાં પાન બીડીના હોલસેલના ધંધાર્થી હાર્દિક વિપુલભાઇ પોપટ (ઉ.૨૭)ને ચેન્નઇ-પંજાબની ટીમના મેચ પર સટ્ટો રમતાં પકડી લેવાયો હતો. તે મોબાઇલ ફોનમાં મેસેજ કરી લાઇવ ક્રિકેટ પર સોદા નાખી સટ્ટો રમતો હતો. તેની પાસેથી રૂ. ૪૬૦૦ રોકડા, ૧૦ હજારનો સેમસંગનો મોબાઇલ તથા એક ચિઠ્ઠી અને એક બોલપેન મળી ૧૪૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

ત્રીજો દરોડો રૈયા રોડ શાંતિ નિકેતન પાર્કમાં એક મકાનમાં પાડવામાં આવ્યો હતો. અહિ રહેતો ધવલ કિશોરભાઇ હીરપરા (ઉ.૨૭) કોલકત્તા અને રાજસ્થાનની ટીમના મેચ પર મોબાઇલ ફોનમાં રાખેલી એપ્લીકેશન પરથી સટ્ટો રમતો હોઇ તેને પકડી લઇ રૂ. ૩૫૦૦ રોકડા તથા ૫ હજારનો મોબાઇલ ફોન મળી રૂ. ૮૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ત્રણેય કપાત કયાં કરાવતાં હતાં? તે અંગે તપાસ કરવામાં આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા અને કુલદીપસિંહ જાડેજાએ આ દરોડા પાડ્યા હતાં. જેમાં બાતમી જયેશભાઇ, જયદિપસિંહ, રાજદિપસિંહ તથા સ્નેહભાઇને મળી હતી.

(3:09 pm IST)