Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કતાર લગાતાર...સિવિલ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ કઢાવવામાં હાલાકીઃ બે દિવસથી સર્વર ઠપ્પ

એક તરફ સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવાની કવાયત બીજી તરફ હાલત સાવ જૂદી

રાજકોટઃ શહેરની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સગાઓએ છેલ્લા બે વર્ષમાં ખુબ કતારો જોઇ છે અને તેમાં ઉભા રહ્યા છે. કોરોનાકાળમાં દર્દીઓને દાખલ કરવા માટે જે કતારો જામતી હતી એ દ્રશ્યો દયનીય હતાં. કોરોના હવે લગભગ ગાયબ થઇ ગયો છે. પરંતુ સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં કતાર  હજુ લગાતાર છે. ઓપીડીમાં પહેલા માળે સિવિલમાં દાખલ હોય તેવા દર્દીઓ માટેના અમૃતમ્ કાર્ડ કાઢી આપવા માટે ખાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ સુવિધા ખુબ જ ઉપયોગી છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી ગાંધીનગરથી કનેકટેડ સર્વર ઠપ્પ થઇ જતાં અહિ દર્દીઓના સગાની હાલત કતારમાં ઉભા રહીને કફોડી બની જાય છે. સર્વર ઠપ્પ થતાં નિરાતે બેઠેલા કર્મચારીઓ અને સર્વર ચાલુ થઇ જાય તો કાર્ડ નીકળી જાય તેવી આશા સાથે કતારમાં ઉભેલા લોકો જોઇ શકાય છે. તંત્રવાહકો આ મુશ્કેલીનું કાયમી ધોરણે નિવારણ લાવવા મથામણ કરી રહ્યા છે. કનેકટીવીટી જોરદાર મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે તેવી વાત થોડા દિવસો પહેલા તબિબી અધિક્ષક  ડો. આર. એસ. ત્રિવેદીએ કરી હતી. સિવિલમાં મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ખાસ સુવિધા પણ આગામી દિવસોમાં ઉભી થવાની છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)                                                                                                                                        

(3:13 pm IST)