Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

હત્યાનો સિલસિલો યથાવત

ઘંટેશ્વર પાસે રહેતા સાધુને માથું-મોઢુ છૂંદી ક્રુરતાથી પતાવી દેવાયાઃ ઘરના જ ઘાતકી

પરાપીપળીયા પાસે લાશ મળતા ચકચારઃ આદર્શ મારબલ પાસે રોડ સાઇડમાં કંતાનમાં વીંટાળેલી લાશ મળીઃ યુનિવર્સિટી પોલીસ-ક્રાઇમ બ્રાંચની ટીમે ભેદ ઉકેલ્યો

અતિ ક્રુર હત્યાઃ જામનગર રોડ પર  પરાપીપળીયા નજીક રોડ સાઇડમાંથી એક સાધુની માથું મોઢુ છૂંદી નાંખી કરાયેલી લાશ મળી આવી છે. માથા-મોઢાની હાલત જોતાં હત્યારા કેટલા ક્રુર હશે તેનો અંદાજો આવી શકે છે. તસ્વીરમાં ખોપરી-જડબાના હાડકા દેખાઇ ગયા તે દ્રશ્ય, લાશ જે રીતે પડી હતી તે દ્રશ્ય, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ, તેમની ટીમોનો કાફલો, લાશ નજીકની લોહીના ધાબાવાળી મળેલી મચ્છરદાની ચેક કરતાં પોલીસ કર્મચારીઓ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: શહેરમાં શરૂ થયેલો હત્યાનો સિલસિલો આજે વધુ એક હત્યાની જાહેર થયેલી ઘટના સાથે આગળ ધપ્યો છે. જામનગર રોડ પર પરાપીપળીયા નજીક રોડની સાઇડમાં કંતાનમાં વીંટાળેલી એક સાધુની માથું મોઢુ છૂંદી નાંખી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આશરે ૫૦ થી ૫૫ વર્ષના સાધુની હત્યા કરવા પાછળ કોની શૈતાની છે? તે જાણવા સોૈ પહેલા હત્યાનો ભોગ બનેલા સાધુની ઓળખ મેળવવા દોડધામ શરૂ કરવામાં આવી હતી. સાધુની ઓળખ થઇ જવા પર છે અને હત્યામાં ઘરના જ ઘાતકી હોવાનું સામે આવી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર પરાપીપળીયામાં રોડ સાઇડમાં આવેલા આદર્શ મારબલ નજીક એક સિમેન્ટની ગુણીઓમાંથી બનાવાયેલા કંતાનમાં વીંટાળેલી કેસરી કપડા પહેરેલા સાધુની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પરાપીપળીયાના એક જાગૃત નાગરિક પગપાળા નીકળ્યા ત્યારે રોડ સાઇડમાં લાશ જોતાં તે હેબતાઇ ગયા હતાં અને તુરત જ સરપંચ વિક્રમભાઇને જાણ કરતાં તેમણે પોલીસને માહિતી આપી હતી.

ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, અજયસિંહ ચુડાસમા, ઇકબાલભાઇ, હરપાલસિંહ, જયંતિગીરી, સિધ્ધરાજસિંહ, રાજેશભાઇ મિયાત્રા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, એમ. વી. રબારી તેમજ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો પણ તાબડતોબ પહોંચી હતી.

પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં કંતાનમાં વીંટાળેલી સાધુની લાશ જોવા મળી હતી. જેના માથા-મોઢાનો ભાગ છૂંદાઇ-ખવાઇ ગયેલો જોવા મળ્યો હતો, ખોપરી-જડબાના હાડકા દેખાતા હતાં. વાંસામાં પણ માર મરાયો હોય કે ઢસડાયા હોય તેવા ઉજરડાના નિશાનો હતાં. લાશ રોડની સાઇડમાંથી જ મળી હોઇ હત્યા અન્ય સ્થળે કરાયા બાદ કોઇપણ વાહનમાં નાંખી આ સ્થળે રોડ સાઇડમાં કંતાન સહિત ફેંકી દેવાયાનું તારણ નીકળ્યું હતું. હત્યાનો ભોગ બનેલા મહંત-સાધુની ઉમર આશરે ૫૦ થી ૫૫ વર્ષ છે. તેઓ મચ્છરદાની અંદર સુતા હોઇ લાશ સાથે મચ્છરદાની પણ અહિ ફેંકી દેવામાં આવી છે અને તેમાં પણ લોહીના ડાઘા છે.

સાધુની હત્યા થયાની અને લાશ પરા પીપળીયા રોડ સાઇડમાં પડી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતાં. જો કે આ વિસ્તારના કોઇપણ લોકો આ સાધુને ઓળખતા નહોતાં. મોઢુ-માથુ છૂંદી નાંખ્યા હોઇ ચહેરો ન હોવાથી ઓળખ મેળવવી અત્યંત મુશ્કેલ છે. પણ સાધુ કોઇપણ ધાર્મિક જગ્યા કે સંસ્થામાં રહેતાં હોય ત્યાં તેમને કદ કાઠીથી ઓળખનારા ઘણા હોઇ શકે છે. હાલ તુર્ત યુનિવર્સિટી અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ  હત્યાનો ભોગ બનનાર સાધુ કોણ છે? તે જાણવા, તેમની ઓળખ મેળવવા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારો ગામોમાં આવેલા ધાર્મિક સ્થાનો, આશ્રમો, સંસ્થાઓ કે જ્યાં મોટે ભાગે સાધુ-સંતો રહેતાં હોય છે તેવા સ્થળોએથી કોઇ સાધુ-મહંત-સંત ગૂમ તો નથી ને? તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

માથું-મોઢુ છૂંદી નાંખી સાધુની હત્યા કરનારો શૈતાન કોણ? કારણ શું? હત્યાનો ભોગ બનનાર કોણ? આ સહિતના સવાલોનું રહસ્ય ઉકેલવા પોલીસની ટીમોએ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં દોડધામ શરૂ કરી હતી. દરમિયાન મોડી બપોરે પોલીસને થોડી ઘણી સફળતા મળી છે. ઘંટેશ્વર નજીક થોડા સમય પહેલા જ રહેવા આવેલા સાધુને તેના જ ઘરનાઓએ ઢાળી દીધાની પ્રાથમિક વિગતો સામે આવી છે. યુનિવર્સિટી પીઆઇ એ.એસ. ચાવડા, પીઆઇ એ. બી. જાડેજા અને ટીમ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે.ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમોએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

કંતાનમાં વિંટાળેલી લાશ પાસેથી લોહીના ડાઘવાળી મચ્છરદાની પણ મળીઃ ભરઉંઘમાં જ ઢાળી દેવાયા હશે?!

. કેસરી ધોતીયુ અને કેસરી ઝભ્ભો પહેરેલા આશરે ૫૦ થી ૫૫ વર્ષના સાધુની લાશ સિમેન્ટ, ખાતર કે બીજી કોઇ ગુણીઓની કોથળીઓમાંથી બનાવાયેલા કંતાનમાં વીંટાળેલી ઉંધી હાલતમાં પડેલી મળી હતી. નજીકથી એક મચ્છરદાની પણ પોલીસને મળી આવી હતી. આ મચ્છરદાનીમાં પણ લોહીના ડાઘા જોવા મળ્યા છે. આ જોતાં લાગે છે કે મહંત મચ્છરદાનીમાં સુતા હશે ત્યારે જ હત્યા કરી બાદમાં લાશને કંતાનમાં વીંટાળી મચ્છરદાની સહિત અહિ પરાપીપળીયા રોડ સાઇડમાં ફેંકી દેવામાં આવી હશે.

હાથમાં શંકરની મુર્તિ ત્રોફાવેલુ છે

. હત્યાનો ભોગ બનનાર સાધુના હાથમાં શંકર ભગવાનની મુર્તિ ત્રોફાવેલુ છે અને શંકર લખેલુ પણ છે. આને આધારે ઓળખ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:08 pm IST)