Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

માધાપર ગ્રામ પંચાયતનાં મુખ્ય ૪ રસ્તાઓનો ટી.પી.સ્કીમમાં કેમ સમાવેશ નહી?: માજી સૈનિકની રજુઆત

મ.ન.પા.નાં શાસકોને અમિર વિસ્તારનાં વિકાસમાં જ રસ? : માત્ર ૧પ૦ રીંગ રોડના એપ્રોચને જ મહત્વઃ માધાપરનો એક રોડ તો પહોળો હોવો જરૂરી

 

રાજકોટ, તા., ૮ :  શહેરમાં નવા ભેળવાયેલ માધાપર ગ્રામ પંચાયતનાં મુખ્ય ચાર રસ્તાઓનો ટી.પી. સ્કીમમાં સમાવેશ નહી થતા આ બાબતે અહીંના સામાજીક કાર્યકર અને માજી સૈનિક રાજેન્દ્રસિંહ બી. ગોહિલે રોષ વ્યકત કરી અને મ.ન.પા.ના શાશકો સામે આક્ષેપો કરતાં એક નિવેદનમાં જણાવ્યું છે કે શાસકોને  માત્ર અમિર વિસ્તારનાં વિકાસમાં જ રસ છે. કેમ કે માધાપરમાં ટી.પી. રોડ અંગે ભૂતકાળમાં થયેલ અનેક રજુઆતને હજુ સુધી ધ્યાને નથી લેવાતી.

આ અંગે રાજેન્દ્રસિંહે નિવેદનમાં આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, માધાપર ગ્રામ પંચાયત સમયનાં મુખ્ય ચાર જાહેર રોડમાંથી એક પણ રોડને આરએમસીની ટીપી સ્કીમમાં ન સમાવી તંત્ર વાહકો કોનો ફાયદો કરાવી રહ્યા છે. તે તપાસનો વિષય છે. અહીંયા ફકત પાંચ રાજનેતાઓનાં મળતીયાઓનાં ફાયદા માટે પાંચ હજાર લોકોને રોડથી વંચિત કરી સંવિધાન ને નેવે મુકીને ચાર માંથી એક પણ રોડને ટી. પી. સ્કીમમાં સામેલ કરેલ નથી. જયારે બીજી બાજુ આજ શાસકો રાજકોટના મવડી ગામની અંકુર સોસાયટીમાં બિલ્ડરનાં ફાયદા માટે ગરીબોના મકાનો તોડીને રોડ બનાવી રહ્યા છે.

આવી રીતે રાજકોટ મહાનગર પાલિકામાં શાસકો મુળ મંત્ર સૌનો સાથ સૌનો વિકાસને ભુલીને અમીરોનો વિકાસ દેશનો વિનાશનાં મંત્રને અપનાવી લીધો હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. આજકાલ ૧પ૦ ફુટ રીંગ રોડ પર જનતાને મહત્વની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે કમ સે કમ એક રોડ બહુ જ જરૂરી છે. જો કોઇ સમયે આગ લાગે કે મેડીકલ ઇમરજન્સીનાં સમયે જો આ બધા લોકોને માધાપર ચોકડીનાં ગીચ ટ્રાફીક વચ્ચેથી ફરીને જતાં દર્દીનું મોત કે આગથી મોટુ નુકશાન થઇ શકે તેમ છે. પરંતુ અત્યારે સત્તાનાં નશામાં ચુર રાજનેતાઓ ફકત પોતાના અને પોતાના બિલ્ડર સાથીઓનાં ફાયદાને જ પ્રાથમિકતા આપી રહ્યા છે. તેના આ નિર્ણયથી લોકોને ભારે નુકસાન થઇ રહયુ છે તેની કોઇ ચિંતા નથી. તેવો આક્ષેપ તેઓએ કર્યો છે.

(11:52 am IST)