Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

હત્યા કરી લાશ ફેંકી દીધા બાદ ગીતાએ પિતાને જગાડી કહ્યું-તમારા ભેગો આવેલો એ જતો રહ્યો છે, તમે પણ નીકળી જાવ

૨૧મીએ જામનગરથી પુત્રનો જન્મદિવસ ઉજવી ભિક્ષાવૃતિ માટે નીકળેલા સંતોષ સોલંકીએ જલ્દી પાછો આવશે તેમ કહ્યું હતું: પણ પરિવારને તેની લાશ જ મળી : જમવા પ્રશ્ને ઝઘડો થતાં સંતોષે ગાળો ભાંડતાં ગીતાએ ધક્કો મારી પછાડી દીધો પછી પથ્થર ફટકારી હત્યા કરીઃ છેડતી મામલે હત્યા થયાની શંકાઃ ગીતા અને તેના પતિ વસંતના રિમાન્ડની તજવીજઃ યુનિવર્સિટી પોલીસે કલાકોમાં ભેદ ખુલ્યોઃ ભાગી ગયેલા અર્જૂનદાસની શોધખોળ

ડિટેકશનની વિગતો જણાવતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમ તથા ઝડપાયેલા આરોપી ગીતા તથા વસંત (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: ગઇકાલે સવારે જામનગર રોડ પરાપીપળીયા પાસે રોડ સાઇડમાંથી માથું-મોઢુ છુંદી નાંખી હત્યા કરાયેલી સાધુ જેવા કપડા પહેરેલા શખ્સની લાશ મળી હતી. આ હત્યાનો કલાકોમાં યુનિવર્સિટી પોલીસે ઉકેલી નાંખ્યો છે. હત્યાનો ભોગ બનનાર પ્રોૈઢ જામનગરનો બાવરી સંતોષ કિશનભાઇ સોલંકી (ઉ.૫૦) હતો. તેની હત્યા તેના જ કુટુંબી મામા રાજકોટ ઘંટેશ્વર પાસે ખુલ્લા પટમાં રહેતાં અર્જુનદાસ પુરણદાસ કોરી (બાવરી)ની દિકરી ગીતા અને જમાઇ વસંત જીવણ જાદવે કર્યાનું ખુલતાં ગીતા અને વસંતને પકડી લેવાયા છે. જમવા મામલે ઝઘડો થતાં વાત હત્યા સુધી પહોંચ્યાનું ગીતાએ રટણ કર્યુ છે. પરંતુ એવી પણ ચર્ચા વહેતી થઇ છે કે સંતોષે જમ્યા બાદ બધા સુઇ ગયા એ પછી છેડતી કરતાં વાત વણસી હતી અને તેની હત્યા થઇ હતી.

લાશ મળ્યા બાદ યુનિવર્સિટી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. એ દરમિયાન ડી. સ્ટાફના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા અને બળભદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જેની લાશ મળી છે તે કેસરી કપડા પહેરેલા વ્યકિતને સોમવારની રાતે નવા ૧૫૦ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ પાસે પટમાં લોકોએ જોયો હતો. આ બાતમી પરથી પોલીસ એ સ્થળે પહોંચતા ંત્યાં પટમાં જ રહેતી ગીતા અર્જુનદાસ કોરી-બાવરી (ઉ.૪૦) અને તેની સાથે પતિ તરીકે રહેતાં વસંત જીવણભાઇ જાદવ (ઉ.૪૫)ને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરવામાં આવતાં પહેલા તો બંનેએ ગોળગોળ વાતો કરી હતી. પરંતુ પોલીસે આકરી ભાષામાં પુછતાછ આરંભતા જ ગીતાએ કબુલ્યું હતું કે પોતાના પિતા અર્જુન પુરણદાસ ભિક્ષાવૃતિ કરતાં રહે છે. પોતે સોમવારે સાંજે રેલ્વે સ્ટેશન તરફ ગઇ હોઇ ત્યાં પિતા મળી ગયા હતાં. તેની સાથે કેસરી કપડા પહેરેલો શખ્સ પણ હતો. તે પોતાનો કોૈટુંબીક ભાણેજ જામનગર ખોડિયારનગરમાં રહેતો સંતોષ કિશનભાઇ સોલંકી હોવાનું પિતાએ કહ્યું હતું.

આથી પોતે પિતા અને તેના કુટુંબી ભાણેજ સંતોષને પોતે વસંત સાથે જ્યાં રહે છે તે એસઆરપી કેમ્પ પાસેના પટમાં જમવા માટે સાથે લઇ આવી હતી. રાતે જમતી વખતે પોતાને અને સંતોષને ઝઘડો થયો હતો. એ પછી બધા સુઇ ગયા હતાં. પિતા અર્જુનદાસ થોડે દૂર સુતા હતાં એ વખતે સંતોષ ગાળાગાળી કરતો હોઇ તેને ના પાડવા છતાં ગાળો બોલતો હોઇ અને ઝઘડો કરવા ઉભો થતાં તેને ધક્કો દઇ પછાડી દીધો હતો. આમ છતાં તે ગાળો બોલતો હોઇ પોતાને ક્રોધ ચડતાં પથ્થર ઉઠાવી માથામાં ઘા ફટકારી તેને પતાવી દીધો હતો. ત્યારબાદ પતિ વસંતે તેની લાશને મચ્છરદાની અને કંતાનમાં પેકી કરી હતી અને રિક્ષા મારફત પરાપીપળીયા પાસે લાશ ફેકી દીધી હતી અને પરત પોતાની જગ્યાએ આવી ગયા હતાં.

હત્યા બાદ ગીતાએ પિતા અર્જુનદાસ સુતા હોઇ તેને જગાડીને કહ્યું હતું કે તમારી સાથે જે આવ્યો હતો એ અત્યારે રાતે ઘરે જવા નીકળી ગયો છે, તમે પણ નીકળી જાવ. આ પછી ગીતાના પિતા પણ નીકળી ગયા હતાં. પોલીસે સંતોષના સગાને બોલાવી મૃતદેહ સોંપ્યો હતો.

વધુ માહિતી મુજબ સંતોષ ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં ૧૮ વર્ષનો પુત્ર રાજકમલ છે અને પત્નિનું નામ કલીબેન છે. સંતોષ ભિક્ષાવૃતિ માટે નીકળે પછી પાંચ છ દિવસે પાછો ઘરે આવતો હતો. ગત ૨૧/૧૧ના રોજ દિકરાનો જન્મદિવસ હોઇ ઉજવીને પોતે ભિક્ષાવૃતિ માટે નીકળ્યો હતો. જલ્દી પાછો આવશે એમ કહ્યું હતું. પણ ગઇકાલે પરિવારજનોને તેની હત્યા કરાયેલી લાશ મળી હતી.

ડિટેકશન કરનાર ટીમને ઇનામ

હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલી ડિટેકશન કરનાર ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૧૫ હજારનું ઇનામ આપ્યું હતું. 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ.એસ.ચાવડા,  પીએસઆઇ  એ. બી. જાડેજા, એ.બી.વોરા, ડી. વી. બાલાસરા, એ.એસ.આઇ. બળભદ્રસિંહ દશરથસિંહ, અજયસિંહ મંગળસિંહ, હેડકોન્સ. ગિરિરાજસિંહ સજજનસિંહ, ઇકબાલભાઇ તૈયબભાઇ, રાજેશભાઇ નાગદાનભાઇ, હરપાલસિંહ જશુભા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ તથા કોન્સ. લક્ષ્મણભાઇ રાણાભાઇ, જેન્તીગીરી ગૌસ્વામી, બળભદ્રસિંહ સુરૂભા, સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ, બ્રીજરાજસિંહ ઇન્દ્રસિંહ, નીલેષભાઇ મેરામભાઇ, વિપુલભાઇ સાર્દુલભાઇ, મુકેશભાઇ નાગદાનભાઇ, સીકંદરભાઇ રજાકભાઇ સહિતે કરી હતી. ગીતા અને તેની સાથે પતિ તરીકે રહેતાં વસંતની વિશેષ પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ માંગણી કરવામાં આવશે.

(12:23 pm IST)