Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સેવકને ફસાવી ૪ કરોડની ખંડણીનું કાવત્રુ ઘડનાર વકિલની પણ ધરપકડ અન્ય ત્રણના રિમાન્ડ પુરા થતાં કોર્ટહવાલે કરવામાં આવ્યા

રાજકોટ તા. ૮: જામનગર પંથકના વતની અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મંદિરમાં સેવક તરીકે કામ કરતાં યુવાનને ભોપાલના મયંકના નામના ગે શખ્સે ફસાવી સંસ્થાના રૂમમાં જ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વિડીયો ઉતારી લઇ હનીટ્રેપમાં ફસાવી રૂ. ૪ કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં ભાવનગરના સિહોરમાં એકતા સોસાયટી પ્લોટ નં. ૩૬માં રહેતાં એડવોકેટ કિશોર ખોડાભાઇ ગોહિલની પણ ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ ખંડણી માંગવાનું કાવત્રુ આ વકિલની ઓફિસમાં જ ઘડાયું હતું.

પોલીસે આ ગુનામાં અગાઉ અન્ય ત્રણ આરોપીઓ સિહોરના રાજપરા ખોડિયારના ચીમન ઉર્ફ મુન્નો પાલજીભાઇ ગોહિલ, ભાવનગર વરતેજના મનોજ ઉર્ફ અભય વિનોદભાઇ રાઠોડ અને ગોંડલ આશાપુરા સોસાયટીના ભોજરાસિંહ ઉર્ફ ભોજુભા ગંભીરસિંહ ગોહિલની ધરપકડ કરી ગઇકાલે કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. આ રિમાન્ડ આજે પુરા થતાં ત્રણેયને અને ગઇકાલે પકડાયેલા વકિલને પણ કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવશે. આ કારસ્તાનમાં સુત્રધાર ભોપાલનો મયંક હોઇ તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, એએસઆઇ હીરાભાઇ રબારી સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) 

(1:27 pm IST)