Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રેલ્વે બોગસ ભરતી કૌભાંડમાં પકડાયેલ આરોપીની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૮: રેલ્વે વિભાગના બોગસ ભરતી કૌભાંડના આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવાનો અત્રેની સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

અત્રેના કેસની હકીકત એવી છે કે, તા. ર૩-૦૩-ર૦ર૧ પહેલા ર૦ દિવસ દરમ્યાન રાજકોટ મુકામે લીમડા ચોક ખાતે આવેલ આલાપ-બી/પ૦૬ માં ભાડાથી ઓફિસ રાખનાર શૈલેષ દલસાણીયાએ ફરીયાદી ઘનશ્યામસિંહ ચુડાસમાને ૧ર ધોરણ પાસ કે ગ્રેજયુએટ સુધી ભણેલા છોકરાઓને રેલ્વેમાં નોકરી માટે ભરતી કરે છે તેવુ઼ં જણાવતા ફરીયાદીને રૂ. ૧પ,૦૦,૦૦૦/- માં નોકરીનું સેટીંગ થઇ જશે અને દસ્તાવેજની પી.ડી.એફ. સબમીટ કરવાના રૂ. ર૬,૦૦૦/- આપવા પડશે તેવું જણાવી અડધા રૂપિયા ઓર્ડર મળે ત્યારે અનેબ ાકીના ટ્રેનીંગ શરૂ થાય ત્યારે તેવું જણાવી ઉતર પ્રદેશ રાજયના લખનઉ મુકામે બોગસ ટ્રેનીંગ સેન્ટર ઉભુ કરી તેમાં છોકરાઓને બોલાવી કૌભાંડ કરેલ જેમાં ફરીયાદી તથા સાહેદો પાસેથી રૂ. ૬૮,૦પ,૦૦૦/- જેવી માતબર રકમ આરોપીઓએ મેળવી હતી.

ત્યારબાદ આ છોકરાઓ લખનઉ મુકામે ટ્રેનીંગમાં જતાં અને તેઓને ત્યાંથી કંઇક ખોટું થઇ રહ્યાની ગંધ આવી જતાં રાજકોટ પોલીસમાં આ અંગે ફરીયાદ કરતાં લખનઉ મુકામે બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં બોગસ ટ્રેનીંગ ચાલુ હતી તે દરમ્યાન રાજકોટ એસ.ઓ.જી. શાખાના પોલીસ અધિકારીઓએ રેડ કરી આરોપીઓને રંગે હાથે પકડી પાડેલ અને ઇન્વેસ્ટીગેશનમાં આરોપી અટલ મદનગોપાલ ત્રિપાઠીએ લખનઉ મુકામે જે બોગસ ટ્રેનીંગ સેન્ટર ઉભું કરવામાં આવેલ અને તે ટ્રેનીંગ સેન્ટરનું બિલ્ડીંગ ભાડે અપાવેલ હોય અને તે રીતે આ ગુન્હાના કામે રૂ. ૭૦,૦૦૦/- મેળવી સક્રિય રોલ ભજવેલ હોય જેથી તેની સામે તપાસના અંતે ચાર્જશીટ ફાઇલ થયેલ.

આ આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ બાદ ફરીથી જામીન અરજી દાખલ કરતા સરકાર પક્ષે સરકારી વકીલશ્રી પ્રશાંત પટેલ એ આરોપીની ગુન્હામાં સંડોવણી, શરૂઆતથી તેનો રોલ, કોર્ટ સમક્ષ દર્શાવેલ તેમજ આરોપી લખનઉ, ઉતર પ્રદેશનો રહેવાશી છે પરંતુ સરનામાના કાયમી આધાર પુરાવા રજુ કરેલ નથી જેથી નામ. કોર્ટ સમક્ષ ટ્રાયલ દરમીયાન હાજર રહેશે નહીં વિગેરે કાયદાના પ્રબંધો ટાંકી દલીલ કરેલ અને સરકારી વકીલશ્રી પ્રશાંત પટેલની રજુઆતો ધ્યાને લઇ અધિક સેશન્સ જજે રાજકોટ દ્વારા આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. પ્રશાંત પટેલ રોકાયા હતાં.

(3:05 pm IST)