Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પરમાત્માનો નશો કયારેય ન ઉતરે : સ્વામી શશિકાન્ત સદૈવ

ઓશો સન્યાસી-સાધના પથ મેગેઝિનના ચીફ એડિટર પૂ. શશિકાન્તજી 'અકિલા'ની મુલાકાતે

અધ્યાત્મ માટે સંસાર છોડવાનો નથી, સંસાર સાથે ધ્યાન જોડવાનું છેઃ મેં ઓશોના નામનુ મંગલ સૂત્ર પહેર્યુ છે, ઓશોએ મને સ્વીકાર્યો છેઃ પરમાત્મા સામે જ છે, માત્ર અવરોધ હટાવવાની જરૂરઃ મનથી મુકત કરે એ મંત્ર, તનથી મુકત કરે એ તંત્ર

ઓશો ઉર્જાનો અહેસાસ : 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓશો સન્યાસી શશિકાન્ત સદૈવજી નજરે પડે છે. સદૈવજી ઓશોમાં ઓતપ્રોત રહે છે. તેમની ઉપસ્થિતિમાં ઉર્જા અનુભવાઇ હતી. તસવીરોમાં સાથે દિલીપભાઇ પટેલ, ભાવનાબેન કાસુન્દ્રા, નીનાબેન રાઠોડ તથા 'અકિલા' પરિવારના સ્વજન સુનીલભાઇ રાયચુરા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨ :. 'માણસ વિવિધ પદાર્થોના નશા કરે છે, આ નશા લાંબો સમય રહેતા નથી. શરાબનો નશો પણ થોડી ક્ષણમાં ઉતરી જાય છે. પરમાત્માનો નશો કરવામાં આવે તો કયારેય ન ઉતરે અને આ નશો કલ્યાણકારી પણ બને.'

આ શબ્દો ઓશો સન્યાસી સ્વામી શશિકાન્ત સદૈવજીના છે. તેઓ આધ્યાત્મિક મેગેઝિન 'સાધના પથ'ના ચીફ એડિટર છે. ઓશોમય જીવન માણી રહ્યા છે.

સ્વામી પૂ. સદૈય રાજકોટ મુલાકાત દરમિયાન 'અકિલા' કાર્યાલયની મુલાકાતે પધાર્યા હતા અને અસ્ખલિત આધ્યાત્મિક ઉર્જા વાણીના માધ્યમથી વહાવી હતી.

સદૈવજી સ્પષ્ટ કહે છે કે, મારે ઓશો સાથે લવ અફેર છે. આ માળા મેં ઓશોના નામના મંગલસૂત્રરૂપે પહેરી છે. મરૂણ કલરનો રોબ મારા માટે લગ્નનો ડ્રેસ છે. મને ઓશોએ અપનાવ્યો છે, જે મારૂ સૌભાગ્ય છે.

પૂ. સદૈવજી વિવિધ વિષયોમાં અનુભવજન્ય જ્ઞાન ધરાવે છે. તેઓએ ૪૦ પુસ્તકો લખ્યા છે. જેમાં ૭ પુસ્તકો ઓશો વિષયક રિસર્ચ આધારિત છે. યોગ વિષયક ચાર પુસ્તકો લખ્યા છે. સૂફીઝમ પર રિસર્ચ વર્ક કર્યુ છે. તેઓએ વિવિધ વિષયોની કોલમ્સ રાષ્ટ્રીયસ્તરના અખબારોમાં ચલાવી છે. તેઓ કહે છે કે, રાજનીતિ અને સ્પોર્ટસ સિવાયના વિષયોનો અભ્યાસ હું ધરાવું છું.

સ્વામી સદૈવજી ઓશો અંગે ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ ધરાવે છે. ઓશોએ આપેલી ધ્યાનવિધિ તો વાસ્તવમાં ધ્યાનમાં જવાની તૈયારીરૂપ છે. ઓશો ધ્યાન વિધિ અંગે ખુદ કહેતા હતા કે - 'પ્રયોગરૂપી ચિત્રમાં હું થોડા રંગ છોડું છું. તમે તેમાં કંઈક રંગ ઉમેરજો.' જો કે સ્વામી સદૈવજી કહે છે કે, ઓશોના આ નિવેદનના ઘણાએ ગેરલાભ લીધો, અન્યોના ધ્યાન પ્રયોગો ઉમેરી પોતાનું મહત્વ અંકિત કર્યુ છે. ઓશોના પ્રયોગોમાં મેં કંઈ જોડયુ નથી, અંદરથી જે કંઈ નવું આવ્યુ તે ઉતરવા દીધુ છે.

સદૈવજી કહે છે કે, ઓશોએ મૌન, સંગીત, શબ્દ, ઉર્જા, નૃત્ય વગેરે પ્રયોગો આપ્યા છે. પ્રેમનો ખ્યાલ ધ્યાન કરવાથી આવે. પ્રેમ એ અનુભૂતિ છે જે વર્ણવી ન શકાય. તે સાંભળવાથી કે વાચવાથી પ્રેમનો અનુભવ શકય નથી. મીઠાઈનો સ્વાદ મીઠાઈ ખાવાથી મળે તેમ અનુભૂતિનો આનંદ ખુદના અનુભવથી જ અનુભવી શકાય. ઓશો કહેતા બોલવાથી કંઈ નહિ વળે, વ્યકત થવા મારે બોલવું પડે છે જે મારી લાચારી છે, એ મારો આનંદ નથી. ઘણા કહે છે કે, કુદરતે - ગુરૂએ મારી સાથે અન્યાય કર્યો છે, આવી વાતો ખોટી છે. પરમાત્મા કયારેય નાઈન્સાફી કરતા નથી. એ દરેક ક્ષણે અને દરેક સ્થળે મોજુદ છે. આપણે અવરોધ દૂર કરવાની જરૂર છે. અવરોધ હટશે તો તુરત જ પરમાત્માના દર્શન થશે.

શકિતપાત અંગે સદૈવજી કહે છે કે, શકિત એટલે ઉર્જા અને પાત એટલે પડવું... ગુરૂ શિષ્ય પ્રતિ ઉર્જાની ઝલક વહાવે તેને શકિતપાત કહેવાય. શિષ્યની યોગ્યતા જોઈને ગુરૂ શકિતપાત કરતા હોય છે. ઓશો પણ આ પ્રયોગો કરતા હતા. ઉર્જા વહન બાદ ઘણા કાપવા લાગે છે, ઘણાં બેશુદ્ધ જેવા થઈ જાય છે.

સદૈવજી કહે છે કે, સૌથી વધારે ઉર્જા આંખથી વહે છે, તેથી ધ્યાનાવસ્થામાં આંખ બંધ થઈ જાય છે. આ પ્રક્રિયાથી ઉર્જા અંદર ક્રિએટ થાય છે. જો કે દરેક પ્રક્રિયાવિધિ બધુ માત્ર સહાયક છે. એક સ્તર પ્રાપ્ત કર્યા બાદ વિધિ-પ્રક્રિયા-પ્રયોગો અને બાદમાં તો ઓશો પણ ભૂલાઈ જાય છે. ઓશો ખુદ કહેતા હું તમને યાદ આવું એ પણ અડચણ છે.

સદૈવજી કહે છે કે, ઓશોએ સંસાર છોડવાનું નથી કહ્યું, જે કરો છો એ કરતા રહો, કંઈ છોડવાનું નથી, જે કરો છો તેમાં ધ્યાનને જોડવાનું છે તોડો નહિ, માત્ર ધ્યાનને જોડો.

મંત્ર અંગે સદૈવજીએ જણાવ્યુ હતુ કે, મનથી મુકત કરે એ મંત્ર ગણાય. દરેક અક્ષર-શબ્દને પોતાની ધ્વનિ-ઉર્જા હોય છે. જેના વારંવાર રટણથી ઉર્જા બળવત્તર બને છે. ધ્યાન અવસ્થામાં પણ મંત્રજાપ સંભવ છે. સદૈવજી કહે છે કે, મનથી મુકત કરીને પરમ આનંદની અનુભૂતિ કરાવવા સક્ષમ હોય તો ફિલ્મી ગીત પણ મંત્રનું કામ કરે છે. ભકિત, કિર્તન, મૌન, ધ્યાન, મંત્ર વગેરે તમામ માર્ગો શ્રેષ્ઠ છે. અનુકુળ હોય તે માર્ગે ચાલવા માંડો માણસને અધ્યાત્મની ભૂખ હોવી જોઈએ. ભૂખ્યા સાધકને ગુરૂ ન મળે તો સાધક ભટકી જવાની સંભાવના રહે છે. રોબના રંગ અંગે સદૈવજીએ જણાવ્યુ હતુ કે, ઓશોનો રંગ ભગવો હતો, જે પરંપરાના કારણે પસંદ નહોતો કરાયો. ઓશોેએ સ્પષ્ટ કર્યુ હતું કે, ભગવો કલર આગનું પ્રતીક છે. સન્યાસીએ આગની જેમ તપવાનું છે. મનનો હોમ કરવાનો છે. ઉપરાંત આગ હંમેશા ઉપર ઉઠે છે, સાધકે પણ ઉપર ઉઠવાનુ છે. આ તમામ કારણોસર ભગવો રંગ પસંદ કરાયો હતો. જો કે બાદમાં રોબનો રંગ અનાયસ મરૂણ થઈ ગયો હતો.

સ્વામી શશિકાન્તજી સદૈવ વિવિધ વિષયોના ગહન અભ્યાસુ છે. ઓશો વિષયક ઓર્થેન્ટિક વિગતો તેમની પાસે છે. ધ્યાનની ઉંડાઈ અને ચિંતનની ઊંચાઈ સદૈવજી ધરાવે છે. તેઓની 'અકિલા' કાર્યાલયની મુલાકાત પ્રસંગે શ્રી દિલીપભાઈ પટેલ, ભાવનાબેન કાસુન્દ્રા, નીનાબેન રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.

નફા - નુકસાન જોઇને પ્રેમ ન થઇ શકે મેં ઓશોને પ્રેમ કર્યો છે : એ મને તરછોડે તો પણ તેની કૃપા જ હું માનુ : સ્વામી સદૈવ

આપે ઓશોનો ખૂબ અભ્યાસ કર્યો છે, એવી કઇ બાબત છે કે, જે મુદ્દે આપને ઓશો પસંદ ન પડયા હોય ? આ પ્રશ્નના જવાબમાં સ્વામી સદૈવજીએ જણાવ્યું હતું કે, નફા - નુકસાન જોઇને પ્રેમ ન થઇ શકે. ઓશો મને ખીજાય તો પણ હું તેમની કૃપા જ ગણું, તે મારી સાથે છેતરપીંડી કરે તો મારા સદનસીબ ગણીશ. તે મારા સિવાય અન્યને ચાહે તો મને નફરત નહિ થાય, ઓશો જેમને ચાહે છે, તેના પર પણ મને પ્રેમ થઇ જશે. ઓશો મને દગો આપે તો પણ હું કહીશ કે, સંબંધ પ્રેમનો નહિ, બેવફાઇનો ભલે રહે, પણ તું મારી સાથે જોડાયેલો તો રહીશ જ... ઓશો જેવા છે તેવા મને સ્વીકાર્ય છે. જો કે મારા સ્વીકાર - અસ્વિકારનો સવાલ જ નથી ઉઠતો ઓશોએ મને સ્વીકાર્યો છે.

જયાં ઓશોએ પ્રવચન આપ્યું હતું તે સ્થાન પર રાષ્ટ્રીય શાળામાં  દરરોજ સવારે સક્રિય ધ્યાન

રાજકોટ તા. રઃ રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે દરરોજ સવારે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન સક્રિય ધ્યાન પ્રયોગ નિયમિત થાય છે. આ સ્થાન પર ઓશોએ પ્રવચન આપ્યું હતું. આ અંગે સ્વામી શશિકાન્ત સદૈવજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાળામાં ઓશોની ઉર્જા આજે પણ અનુભવાય છે.

રાષ્ટ્રીય શાળામાં સક્રિય ધ્યાન પ્રયોગમાં દરરોજ ૪૦-પ૦ ઓશો સન્યાસી-મિત્રો સામેલ થઇ રહ્યા છે, તેમ દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું.

પરમાત્માના પ્રકાશમાં રહો તો ગ્રહોને આડ અસરો ન થાય

રાજકોટ તા. રઃ સ્વામી સદૈવજી જયોતિષ વિદ્યાના અભ્યાસુ છે, તેઓ કહે છે કે, જયોતિષ શાસ્ત્ર એ વિજ્ઞાન છે. તેને સ્વીકારો કે ન સ્વીકારો, પણ અસર તો કરે જ છે. વિવિધ પ્રકારના પથ્થરો ગ્રહોના પ્રતીક છે. જે માણસ ધ્યાન-મંત્રો કે અન્ય કોઇ પધ્ધતિથી પરમાત્માના સીધા પ્રકાશમાં આવી જાય તેને ગ્રહોની આડ અસરો થઇ શકતી નથી.

સદૈવજી કહે છે કે, હું નસીબદાર છું. મારી લાયકાત કરતા પણ વધારે કૃપા પામી શકયો છું. કોઇના દુઃખ-દર્દ મને આકર્ષે છે. મનથી માંડીને સ્થાનની નકારાત્મક ગંદકી સાફ કરવાનું કાર્ય કરી રહ્યો છું. ગંદકી સાફ કરનાર સાવરણીના નસીબમાં ગંદકી હોય, પરંતુ મારા પર પરમાત્માની નજર છે. મારી આસપાસ ર૪ કલાક દૈવી ઊર્જા અનુભવાય છે તેથી ગંદકી મને સ્પર્શી શકતી નથી. ગંદકી સાફ કરતા  રહેવું મારા માટે સાધના છે.

ભગવાનને કે નસીબને દોષ ન આપો આવરણ પર કામ કરો, આવરણ દૂર થશે તો પરમ પ્રકાશ રેલાશે :

આ માટે માનતા કરવાની જરૂર નથી

સ્વામી સદૈવજીએ જણાવ્યું હતું કે, અનુભૂતિ શબ્દથી વ્યકત ન થઇ શકે. ઓશોએ શબ્દો ઉચ્ચાર્યા એ તેઓની મજબૂરી હતી, આનંદ નહિ. ઓશો ૨૪૦૦૦ કલાક બોલ્યા છે. તેઓએ પોતાનું સ્તર નીચે લઇ જઇને શબ્દથી શ્રોતાના શબ્દ વિંધવાનો પ્રયોગ કર્યો હતો.

સદૈવજી કહે છે કે, ભગવાનની કે ગુરુની કૃપા કયારેય ઓછી હોતી નથી. પરમનો પ્રકાશ ન અનુભવાતો હોય તો ભગવાનને દોષ ન આપો. નસીબને જવાબદાર ન ગણો. આ માટે કોઇ માનતા કરવાની પણ જરૂર નથી.

સૂર્ય પ્રકાશ દરેક માટે સમાન છે. તમારા પર પ્રકાશ ન આવતો હોય તો આવરણ દૂર કરવા પર કામ કરો. આવરણ હટશે એટલે પ્રકાશ અનુભવાશે. આ પ્રક્રિયાની જ જરૂર આધ્યાત્મિક ક્ષેત્રમાં છે. આવરણ દૂર થાય તો પરમતત્વની અનુભૂતિ શકય બને. આ પ્રક્રિયા માટે ઓશોએ ધ્યાન વિધિઓ આપી છે. આવરણને સમજી શકાય અને ભેદી શકાય તે માટેની આ પ્રક્રિયા છે. ધ્યાન વિધિઓ માત્રને માત્ર ધ્યાન માટેની તૈયારી છે. એક સ્તરે આ વિધિઓ પણ આવરણ બનશે. ઓશો ખુદ કહેતા કે, ધ્યાનની વિધિ ધ્યાનમાં જવાની પૂર્વ તૈયારી છે. હું કુંડલિની, સક્રિય કે નટરાજ ધ્યાન કરૃં છું, એ ભાવ રહેશે ત્યાં સુધી ધ્યાન નહિ થાય. એ સ્મરણ પણ તૂટવું જોઇએ. કર્તા અને ક્રિયા એક બને એ ધ્યાન છે.

ધ્યાન વિધિ શરૂ કરો ત્યાં સુધી ઓશો છે. બાદમાં ઓશો પણ સ્મૃતિમાંથી ગાયબ થઇ જાય છે. ઓશો ખુદ કહેતા કે, હું તમને યાદ રહું એ પણ અડચણ છે. અડચણ દૂર કરો.

ઓશોની કામ કરવાની પધ્ધતિ અલગ છે. ધ્યાન વિધિ સહાયક છે. ઓશો કહે છે, હું રસ્તામાં મળું તો મને પણ ન ઓળખો. ઓશોની ધ્યાન વિધિ ખૂબ સહાયક છે, પરંતુ એક દિવસ વિધિ પણ દૂર થઇ જશે. પરમતત્વનો ડાયરેકટ કોન્ટેક થઇ જશે, આ ચમત્કાર છે. વિધિ - માધ્યમ, બહાનુ બધું દૂર થઇ જશે અને સાધકનું ખુદનું અસ્તિત્વ ખુલશે.

સ્વામી શશિકાન્ત સદૈવ સર્ચ કરો

યુ-ટયૂબ પર ખજાનો

વિવિધ વિષયો પરના વીડિયો અચૂક માણવા જેવા છે

ઓશો સન્યાસી સ્વામી શશીકાન્ત સદૈવજી બહુમુખી પ્રતિભા ધરાવે છે. મનોવિશ્લેષક છે, પત્રકાર છે, ધ્યાન શિબિરના સંચાલક છે, વકતા છે, જ્યોતિષ ક્ષેત્રે પણ ઊંડો અભ્યાસ ધરાવે છે. તેઓએ વિવિધ વિષયો પર પ્રવચનોની શ્રેણી ચલાવી છે.

રસપ્રદ શૈલીમાં ઊંડાણથી અભ્યાસ કરેલા પ્રવચનો માણવા જેવા છે. આવા કાર્યક્રમોનો ખજાનો યુ-ટયૂબ પર ઉપલબ્ધ છે. યુ-ટયૂબ પર જઇને SHASHIKANT SADAIV સર્ચ કરો એટલે આ ખજાનો ખુલી જશે. તેઓના કાર્યક્રમો અચુક માણવા જેવા છે.

ઓશોની તસવીરના સ્પર્શથી કરન્ટ અનુભવ્યો

સ્વામી સદૈવજીની દીક્ષા છ વર્ષની વયે થઇ હતીઃ શ્રીદેવીના નૃત્યથી માંડીને મીનાકુમારીના અવાજમાં આધ્યાત્મિકા અનુભવતા હતાઃ સ્વામીજી કહે છે, હું પૃથ્વી પરનો સૌથી ખુશનસીબ ઇન્સાન છું, મારે મોક્ષ નથી જોઇતો

રાજકોટ તા. રઃ  ઓશો સન્યાસી સ્વામી શશકિાન્ત સદૈવજી વિશિષ્ટ આધ્યાત્મિક વિભૂતિ છે. તેઓ કહે છે કે, પૃથ્વી પરનો હું સૌથી ખુશનસીબ ઇન્સાન છું, મારે મોક્ષ નથી જોઇતો.

તેઓએ 'અકિલા' સાથેની વાત-ચીત દરમિયાન પોતાના જીવનના પ્રસંગોની ઝલક આપતા કહ્યું હતું કે, બાળપણથી જ હું એકાંતપ્રિય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષાયેલો હતો. મને શિવજીનું પ્રલયકારી તાંડવ નૃત્યરૂપ સુંદર લાગતું હતું. નટરાજની મૂર્તિ જોઇને હું પણ તાંડવ નૃત્ય કરતો હતો. બાદમાં મીરાના ભજનો પ્રત્યે આકર્ષણ થયું હતું. અભિનેત્રી શ્રીદેવી મને નૃત્યના દેવી લાગતા હતા. મંદિરમાં નટરાજની મૂર્તિ સાથે હું શ્રીદેવીની મૂર્તિ રાખતો હતો.

સદૈવજી બેધડક કહે છે કે, ફિલ્મી ગીતોએ બાળપણમાં મારા માટે મંત્રો જેવું કામ કર્યું છે. મીનાકુમારીના અવાજમાં ધ્યાનનો રણકાર લાગતો હતો. સદૈવજી કહે છે કે, છ વર્ષની વયે મારી સત્યાસ દીક્ષા થઇ ગઇ હતી. આ માટે ફૂવા માધ્યમ બન્યા હતા. એક વખત ઓશોની તસવીરને સ્પર્શતા તેમાં કરન્ટ જેવું અનુભવ્યું હતું. આવી ઘટનાઓ બાદ સમજાઇ ગયું કે, ઓશોએ મને સ્વીકાર્યો છે.

સ્વામી સદૈવજીએ ઓશોનું પ્રથમ પુસ્તક ''કયા ઇશ્વર મર ગયા હૈ'' વાચ્યું હતું. તેઓ કહે છે કે, સાચાને સાચું અને ખોટાને ખોટું કહ્યાનું સાહસ મને ઓશો પાસેથી પ્રાપ્ત થયું છે. ઓશોને ઊંડાણથી સમજવા અને જાણવા માટે સદૈવજીએ ઓશોના બાળપણના મિત્રોથી માંડીને ઓશો સાથે ટચમાં આવેલી ૩૦૦ સેલીબ્રિટીની મુલાકાત કરી છે. તેઓના ઇન્ટરવ્યુ લઇને ''કોન હૈ ઓશો?'' પુસ્તક લખ્યું છે.

સદૈવજીનું વ્યકિત્વ વૈવિધ્યપૂર્ણ છે. તેઓ મનોવિશેષજ્ઞ છે. આધ્યાત્મિક સલાહકાર છે. સુફી જ્ઞાતા છે. જયોતિષ વિદ્યાનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. કોલમિસ્ટ પણ છે. તેઓ ખુદની યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે, સ્વામી શશિકાન્ત સદૈવ સર્ચ કરવાથી યુ-ટ્યુબમાં જ્ઞાનનો ખજાનો ખુલે છે. 'સાધના પથ' નામના મેગેઝિનના ચીફ એડિટર તરીકે સક્રિય સદૈવજી ઓશો શિબિરોના શ્રેષ્ઠતમ સંચાલક પણ છે.

સૌથી વધારે ઉર્જા

આંખથી વહે...

આંખથી પરમના દર્શન પણ થાય અને વાસના પણ આંખથી પેદા થાયઃ ધ્યાન - પ્રેમ - સેકસના ઊંડાણમાં આંખ બંધ થઇ જાય છે

સ્વામી શશિકાન્ત સદૈવજીએ મુલાકાત દરમિયાન આંખ અંગે અનન્ય વાતો કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આંખથી સૌથી વધારે ઉર્જા વહે છે. આંખ ખૂબ મહત્વની ઇન્દ્રિય છે.

સૌથી વધારે ઊર્જા આંખોના માધ્યમથી વહે છે. પરિશ્રમ કર્યા બાદ થકાવટ દૂર કરવા આંખ બંધ કરીને બેસે છે. શા માટે ? આંખને બદલે કાન ઢાકવામાં શા માટે નથી આવતા ? જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે મોટાભાગે આંખ બંધ હોય છે. ઊર્જા અંદર રહે તે માટે આ ક્રિયા છે.

દર્શન પણ આંખથી જ થાય છે. એક દર્શન આંખ ખોલીને થાય છે, જે સ્થૂળ છે. બીજા દર્શન ભીતરના એટલે કે આંતરિક છે. સેકસ - પ્રેમ કે ધ્યાનમાં ઊંડાણની ક્ષણોમાં પણ આંખ બંધ થઇ જાય છે. આંખ સૌથી વધારે સેન્સેટીવ પાર્ટ છે.

બીજી તરફ આંખ જ વાસના પેદા કરે છે. ખુબસૂરત સ્ત્રીને આંખ જુએ ત્યારે વાસના પેદા થાય છે. બ્લ્યુ ફિલ્મ જોઇએ ત્યારે પણ વાસના જાગે છે. આંખ વિશિષ્ટ ઇન્દ્રિય છે, જે વાસના પણ જગાવી શકે છે અને પરમ ઉર્જાના દર્શનથી જીવન ધન્ય પણ બનાવી શકે છે.

આંખ માણસનો અરીસો છે. માણસ શું વિચારે છે તે આંખ પરથી ખ્યાલ આવી જાય છે. માણસની વૃત્તિ પણ આંખ દ્વારા બયાન થઇ જાય છે જે લોકો વધારે વખત આંખ બંધ કરવાનું શીખી જાય તેટલા વધારે ધ્યાનના ઊંડાણમાં જઇ શકે છે. જેમની આંખ આપોઆપ બંધ થવા લાગે એ ધ્યાનની શ્રેષ્ઠત્તમ અવસ્થામાં હોવાનું સમજી શકાય. સૂફી - ફકીર - સાધકો પરાકાષ્ઠાએ પહોંચવા પોતાની આંખ ફોડી નાખે છે. આ અનુસરવા જેવો પ્રયોગ નથી. તીબેટમાં ડોરુમાં પરંપરા છે તેના એક તાઉએ પોતાની આંખની પાંપણો કાપી નાખી હતી. આ પરંપરાને ઘણા અનુસરે છે. આંખ રહેશે તો વાસનાયુકત દર્શન થશે, તેવા વિચારથી આંખ ફોડી નાખવામાં આવે છે.

જો કે ઓશો આવા પરાકાષ્ઠાયુકત વિચારોની વિરૂધ્ધ છે. ધ્યાન - સમજના માધ્યમથી ઇન્દ્રિય પર સહજ કાબૂ થવો જોઇએ, જે ઓશોની ધ્યાન વિધિમાં પ્રવેશથી શકય છે.

ભાગો નહિ, જાગો... છોડો નહિ, જોડો

ઓશો કહે છે, આધ્યાત્મિકતા માટે કંઇ છોડવાનું નથી, જે કરો છો તેમાં ધ્યાન જોડી દો...

પરમાત્મા સર્વત્ર છે. દરેક દિશામાં દરેક ક્ષણે મોજુદ છે. દરેક કાર્ય - પ્રવૃત્તિમાં પણ છે. ઓશોએ કયારેય કંઇ છોડવાની વાત કરી નથી. સંસારમાં છો તો સંસારમાં જ રહો. કંઇ છોડીને કંઇ કરવાનું નથી, જે કરો છો તેમાં ધ્યાનને જોડી છો. ધન કમાવ છો તો કમાણી ચાલુ રાખો એ ધન પ્રવૃત્તિ સાથે ધ્યાનને જોડી દો. ધ્યાન જોડવાથી ધન કમાવવાની પ્રવૃત્તિ સહજ બનશે અને અશાંતિ શાંતિમાં પરિવર્તિત થશે તથા એ ધન ખુદ માટે અને અન્ય માટે કલ્યાણકારી બનશે. સેકસ કરતા હો તો તેમાં પણ ધ્યાન જોડી દો. આનંદ બમણો થશે. સિતાર વગાડતા હો કે ક્રિકેટ ખેલતા હો, તેમાં ધ્યાન જોડી દો. તમારૃં સંગીત કે ખેલ કૌશલ્ય ખીલી ઉઠશે.

જે કરતા હો તે કરો પ્રવૃત્તિ તોડો નહિ, માત્ર ધ્યાન જોડવાનું છે.

દરેક અક્ષર ઉર્જાવાન છે મંત્રો અસર કરે છે : મનથી મુકત કરે એ મંત્ર, તનથી મુકત કરે એ તંત્ર...

મંત્રો અંગેના સવાલમાં સ્વામી સદૈવજીએ કહ્યું હતું કે, મંત્રો વાસ્તવમાં અસરકારક હોય છે. દરેક અક્ષરો - શબ્દો ઉર્જાવાન છે. કોઇને અપશબ્દો કહીએ તો ન ગમે અને તેની પ્રશંસા કરીએ તો પ્રસન્ન થાય છે. આ શબ્દોની અસર છે. જેની સકારાત્મક અને નકારાત્મક અસરો સંભવ છે.

શબ્દોનું - અક્ષરોનું સંયોજન મહત્વનું છે. ઉર્જાનું સંયોજન અને કઇ ઉર્જા માટે મંત્ર સર્જાયો છે તે પરમતત્વનું સંયોજન વગેરે દ્વારા મંત્ર બને છે.

ઁ સૂર્યની ધ્વનિ છે. આ રીતે વિવિધ અક્ષરો અને શબ્દો વિવિધ તત્વની ધ્વનિ છે. મંત્રનું રટણ કરવામાં આવે તેમ જે તે તત્વની ઉર્જા ક્રિએટ થાય છે. મંત્રનો નિરંતર અભ્યાસ જરૂરી હોય છે.

માત્ર મંત્ર જ નહિ, ગીત પણ અસર કરે છે. જે શબ્દ-સંગીતથી જોડાવાથી મનમુકત થાય, તન મંત્રમુગ્ધ થાય એ તમારા માટે મંત્ર બની જાય છે.

મંત્ર કરવા સારા કે ધ્યાન ? આ સવાલના જવાબમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, આધ્યાત્મિક પરંપરામાં નવધા ભકિત, મંત્ર - તંત્ર - ધ્યાન - યોગ વગેરે છે. ઓશોએ પણ આ કર્યું છે. ઘણી બધી વિધિઓ આપી છે. બોલવાની, મૌનની, ધ્યાનની, નૃત્યની, શાંતિથી બેસવાની વગેરે... આવું શા માટે ? કારણ કે પ્રકૃતિએ દરેક વ્યકિતને અલગ બનાવી છે. કોઇ એક જેવું નથી.

પ્રકૃતિનું અપાર વૈવિધ્ય છે. દરેકની ફાવટ અલગ - અલગ હોય છે. ઘણાંને ધ્યાન ફાવે, ઘણાંને મંત્ર... જેને જે ફાવે - અનુ કૂળ આવે તે કરી શકે છે. મીરા નૃત્યથી પરમ સુધી પહોંચ્યા, બુધ્ધ મૌનથી અને કવિઓ ગાતા-ગાતા પરમ સુધી પહોંચે છે. દરેક માધ્યમ એટલે કે મંત્ર - ધ્યાન શ્રેષ્ઠ જ છે. માણસે પોતાની પ્રકૃતિ પ્રમાણે માર્ગ પસંદ કરવાનો છે.

: સંપર્ક :

Shashikantsadaiv@gmail.com.

Mo. 98103 88549

(3:09 pm IST)