Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પુરવઠાનો મધરાત્રે રામપરા - બેટીમાં દરોડો : ૮ લાખનું બાયોડીઝલ સહિત કુલ ૧૧ લાખનો મુદ્દામાલ સીઝ

કલેકટરને રીપોર્ટ કરતા DSO : બે ટ્રક પણ સીઝ : કલેકટર દ્વારા હવે આકરા પગલા

રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રે ગત મધરાત્રે રામપરા - બેટી ખાતે દરોડો પાડી ૮ લાખનું બાયોડીઝલ અને ૩ લાખથી વધુની કિંમતના ટેન્કર - ટ્રક સીઝ કર્યા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૮ : જિલ્લા કલેકટરની સુચના બાદ ડીએસઓ શ્રી માંગૂડા અને પુરવઠા ઇન્સ્પેકટરોની ટીમે રામપરા - બેટી ખાતે ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ કે જેના માલિક રમેશ રાણાભાઇને ત્યાં દરોડો પાડી ગેરકાયદે બાયોડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપી લીધું હતું.

પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ દરોડો મોડી રાત્રે પડાયો હતો, તપાસ દરમિયાન વાહન નં. જીજે૦૩-ઝેડ-૬૬૨૦માં તથા ઉપરોકત પેઢીની પાછળ આવેલ ડેલામાં ભંગાર વાહનોની વચ્ચે છૂપાવાયેલ જીજે૧૨-એટી-૦૩૪૨ નંબરના ટ્રકમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. બંને સ્થળે મધરાત્રે દરોડો પાડી કુલ ૧૧ લાખ ૨૬ હજારની કિંમતનું ૧૩ હજાર લીટરથી વધુ બાયોડીઝલ અને વાહનો સીઝ કરી દેવાયા છે, અને બંને વાહનોમાંથી નમુના લઇ ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

 સીઝ કરેલ જથ્થા અંગે કલેકટરને રીપોર્ટ કરાતા, કલેકટર દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરાશે, કુલ ૮ લાખનું બાયોડીઝલ અને સવા ત્રણ લાખના વાહનો મળી કુલ ૧૧ લાખ ૨૬ હજારનો મુદ્દામાલ સીઝ કરાયાનું ડીએસઓ શ્રી માંગૂડાએ ઉમેર્યું હતું.

(3:18 pm IST)