Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મનપા : નેતાઓના તાગડધિન્ના : કોન્ટ્રાકટરોને પેમેન્ટના સાસા !!

શાસકોની પોલ છતી... 'પ્રસિધ્ધીના ઢોલની અંદર પોલંપોલ !' સર્જાઇ આર્થિક તંગી : ૧૮ આવાસ યોજનાના કોન્ટ્રાકટરોને સમયસર પેમેન્ટ નહી થતાં કામગીરીને માઠી અસર : આવકના મુખ્ય સ્ત્રોતમાં ૧૫૦ કરોડનું ગાબડુ :જમીન વેચાણની આવક પણ નથી થઇ : બજેટ વેરવિખેર થઇ રહ્યું હોઇ ભારે ચિંતા

રાજકોટ તા. ૮ : મ.ન.પા.ના શાસકો સ્માર્ટ સીટી સહિતના નવા-નવા કરોડોના પ્રોજેકટોની ગુલબાંગો ફેંકી રહ્યા છે ત્યારે આ પ્રસિધ્ધીના ઢોલની અંદર બધુ પોલંપોલ હોવાનું ફલિત થઇ રહ્યું છે. કેમકે છેલ્લા ત્રણ-ચાર મહીનાથી મ.ન.પા.માં આર્થિક તંગી સર્જાતા કોન્ટ્રાકટરોને પેમેન્ટના પણ સાસા પડી રહ્યા છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મ.ન.પા. દ્વારા રૈયા, મવડી, નાનામૌવા સહિતના વિસ્તારોમાં આવાસ યોજનાઓના કામો શરૂ કરી દેવાયા છે. આ ૧૮ આવાસ યોજનાઓમાં ૧૦ હજાર ફલેટ ૪૫૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યા છે.

આ આવાસ યોજનાના કોન્ટ્રાકટના કરાર મુજબ ૨૦૨૨ માર્ચ અને ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં આ આવાસ યોજનાઓ તૈયાર થઇ જવી જોઇએ પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી મ.ન.પા.માં આવકના પ્રમાણમાં ખર્ચ વધી ગયો છે. જેના કારણે બજેટ વેરવિખેર થયું છે. કેમકે બજેટ મુજબ મ.ન.પા.ની આર્થિક કરોડરજ્જુ સમાન વેરા વસુલાતની આવક ૩૬૦ કરોડના લક્ષ્યાંક સામે હજુ માત્ર ૧૬૦ કરોડની છે. તેમાં ૧૫૦ કરોડ જેટલી ઘટ્ટ છે.

આજ રીતે મ.ન.પા.એ જમીન વેચાણની આવક પણ હજુ સુધી નથી થઇ આમ આવક બાજુ તંત્ર નબળુ પડયું છે. બીજી તરફ મોટા પ્રોજેકટોના તગડા ખર્ચાઓ ચાલુ જ છે. એટલું જ નહી મ.ન.પા.ના સ્ટાફના પગાર - નિવૃત્તોને પેન્શન - ગ્રેચ્યુએટી સહિતનું આર્થિક ભારણ પણ યથાવત છે.

આમ, આ પ્રકારે નાણાકીય કટોકટી સર્જાતા મ.ન.પા. દ્વારા આવાસ યોજનાના કોન્ટ્રાકટરોને જે અગાઉ ૧૫ થી ૨૦ દિવસમાં પેમેન્ટ ચુકવાતુ હતું તે હવે બે થી ત્રણ મહીને ચુકવવાના પણ સાસા છે. જેના કારણે આવાસ યોજનાની કામગીરીમાં માઠી અસર થઇ રહી છે. કેમકે કોન્ટ્રાકટરો માલ - મટિરિયલ્સ વગેરેનું પેમેન્ટ પણ નથી કરી શકતા. આ સંજોગોમાં ૨૦૨૨માં આવાસ યોજનાના કામો પૂર્ણ નહી થાય તેવી સ્થિતિ છે.

આ પ્રકારે નાણાકિય કટોકટી હોવા છતાં શાસકો દરરોજ નવી નવી યોજનાઓની જાહેરાતો કરી પ્રજાને આશ્વાસનો આપી રહ્યાનું લોકો અનુભવી રહ્યા છે.(૨૧.૪૧)

નેતાઓ માટે નવી મોટરકાર ખરીદવાના પૈસા તંત્ર પાસે છે !

રાજકોટ : અત્રે એ નોંધનિય છે કે, રાજકોટ મ.ન.પા.ની આર્થિક સ્થિતિ નાજુક છે. કોન્ટ્રાકટરોને પૈસા ચુકવાતા નથી ત્યારે નેતાઓ અધિકારીઓ માટે નવીનકોર કારની ખરીદીઓ પણ થઇ રહી છે તે હકીકત છે. આ બાબતે પણ લોકોમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

(3:24 pm IST)