Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

લોકસાહિત્યકાર દેવાયત ખવડનો ધોકા-પાઇપથી હુમલોઃ મયુરસિંહ રાણાના બંને પગમાં ગંભીર ઇજા

પાર્કિંગ બાબતે અગાઉ થયેલી માથાકુટ છેલ્લા કેટલાક સમયથી વકરી હતીઃ સોશિયલ મિડીયા અને ટેલિફોન પર બંને તરફે બોલાચાલી-ગાળાગાળી થતી રહેતી હતી

તસ્વીરમાં હુમલામાં ઘાયલ મયુરસિંહ રાણાને હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યારનું દ્રશ્ય અને તેના પર જે રીતે બે શખ્સોઍ હુમલો કરી પગ પર આડેધડ ધોકા-પાઇપ ફટકાર્યા હતાં તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો વાયરલ થયા હતાં તે જાઇ શકાય છે.  બે શખ્સ હુમલો કરી રહ્ના હતાં ત્યારે ત્રીજા કાર હંકારી રહ્ના હોઇ હુમલામાં ત્રણ શખ્સો સામેલ હોવાની શક્યતા સામે આવી હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭ઃ શહેરના કાલાવડ રોડ પર વિષ્ણુવિહાર સોસાયટી પ્લોટ નં. ઍ-૪૧માં રહેતાં અને કન્સ્ટ્રક્શનનું કામ કરતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.૩૦) નામના યુવાન પર બપોરે ડો. યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ધોકા-પાઇપથી હુમલો થતાં બંને પગ ભાંગી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ હુમલો ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અજાણ્યાઍ જુના મનદુઃખને કારણે કર્યો હોવાનું હાલ બહાર આવ્યું છે. બનાવને પગલે ભારે ચર્ચા જાગી છે.

જાણવા મળ્યા મુજબ વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતાં મયુરસિંહ રાણા બપોરે સર્વેશ્વર ચોકમાં પુષ્કર ઍપાર્ટમેન્ટ પાસે હતાં ત્યારે તેમના પર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેના બંને પગમાં ફ્રેકચર થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઍ-ડિવીઝન પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી.

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા જ મયુરસિંહ રાણાઍ  પોલીસ કમિશનરને તથા યુનિવર્સિટી પોલીસને અરજી કરી લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોતાને ધમકી આપે છે તેવી રજૂઆતથ કરી હતી. મયુરસિંહે જે તે વખતે અરજીમાં જણાવ્યું હતું કે પોતે જ્યાં રહે છે તેની બાજુમાં જ  દેવાયત ખવડના કોટુંબીક મામા રહે છે. તા. ૨૩/૯/૨૧ના રોજ દેવાયત અહિ આવેલ ત્યારે મયુરસિંહ અને તેની વચ્ચે પાર્કિંગ બાબતે ચડભડ થઇ હતી. ઍ વખતે દેવાયત ખવડે રિવોલ્વર દેખાડી હતી. જે તે વખતે સમાધાન થઇ ગયું હતું.

પરંતુ ઍ પછી દેવાયત ખવડ જ્યારે પણ વિષ્ણુવિહારમાં મામાના ઘરે જાય ત્યારે તોછડાઇભર્યુ વર્તન કરી રિવોલ્વર બતાવી ધમકી આપતો હોવાની અને જ્ઞાતિના સમારોહમાં પણ અપમાનીત વર્તન કર્યુ હોવાનું જે તે વખતે અરજીમાં જણાવાયું હતું. દરમિયાન આજે બપોરે મયુરસિંહ રાણા પર હુમલો થતાં અને બંને પગ ભાંગી નાખવામાં આવતાં તેમજ આ હુમલો દેવાયત ખવડે કર્યો હોવાનું તેણે જણાવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મયુરસિંહ રાણા પોતાની સમય મીરર નામની અોફિસ પાસે કાર પાર્ક કરતાં હતાં ત્યારે દેવાયત ખવડ અને અજાણ્યાઍ આવી ધોકા-પાઇપના ઘા ફટકાર્યાનું અને બંને પગમાં ફ્રેકચર થઇ ગયાનું મયુરસિંહે જણાવ્યું હતું. સિવિલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

(4:27 pm IST)