Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રામનાથપરાની ફલાવર માર્કેટ બની શોભાના ગાંઠીયા

મનપા દ્વારા રૂા. ૪૮.૫૧ લાખના ખર્ચે બનાવેલ ૮૩ થડા સાથેનો શેડ સુમસામ : તંત્રના અણધડ આયોજનથી મહત્‍વનો પ્રોજેકટ ફેઇલ જેવો : વ્‍યાપારીઓ નારાજઃ ટ્રાફીકની સમસ્‍યા યથાવત

મનપા દ્વારા તંત્ર દ્વારા રામનાથપરા વિસ્‍તારમાં ફૂલના વેન્‍ડરો માટે બનાવવામાં આ વેબ માર્કેટ ખાલીખમ દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૭ : શહેરમાં વિવિધ વિસ્‍તારોમાં શાસક પક્ષ દ્વારા સવલતો-સુવિધાઓ ઉભી કરવા હોડ કરવામાં આવી રહી છે, પણ ઉપલા કાઠાના રામનાથપરા વિસ્‍તારમાં બનાવવામાં આવેલ ૮૩ થડાના ફુલ માર્કેટનું ગત જુનમાં લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. તેમ છતા પાંચ પાંચ મહિના વિત્‍યા છતાં વેન્‍ડરો થડાને બદલે બહાર રોડ ઉપર બેસીને જ વેચાણ કરી રહ્યા છે. જેથી ફુલ માર્કેટના સંચાલન -વ્‍યવસ્‍થા અંગે તંત્રની આવડત ઉપર પ્રશ્‍નો ઉઠી રહ્યા છે.

ફુલ માર્કેટના લોકાર્પણ બાદ થોડો સમય વેન્‍ડરો અંદર બેઠા પણ ખરા, અંતે તેઓ  કોઇ પણ કારણસર ફરીથી રોડ ઉપર જઇ વેચાણ કરવા લાગ્‍યા છે. જેથી આ વિસ્‍તારમાં ટ્રાફીક સમસ્‍યા પાછી ઉદભવી છે. વેન્‍ડરો શું કામ માર્કેટની અંદર નથી બેસતા તે જાણી તેનું નિરાકરણ કરવું મનપા તંત્ર માટે અનિવાર્ય બન્‍યુ છે.

મહાનગરપાલીકા દ્વારા શહેરમાં રામનાથપરા વિસ્‍તારમાં નવી ફલાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ છે. માર્કેટમાં કુલ ૮૩ થડાઓ બનાવવામાં આવેલ છે. થડાઓ રસ્‍તા પર બેસી ફલાવરનો ધંધો કરતા વેન્‍ડર્સને ફાળવવામાં આવ્‍યા હતા. જે માટે મહાનગરપાલીકા દ્વારા જુદા-જુદા સમયે રામનાથપરા, બેડીપરા તથા પારેવડી ચોક વિસ્‍તારમાં વેન્‍ડર્સનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવેલ હતી. આ કામે ત્રણ સર્વે પૈકી કોઇ પણ એક સર્વેમાં જે વેન્‍ડર નોંધાયેલ હતા તેઓને જાહેર ડ્રોથી થડાની ફાળવણી કરવામાં આવેલ. સર્વેની યાદી એસ્‍ટેટ વિભાગ ખાતે જાહેર કરવામાં આવેલ હતી.ફલાવર વેન્‍ડરના સર્વેમાં નામ આવેલ હતા. તેઓએ દિન-૫માં એસ્‍ટેટ વિભાગમાં નિયત નમુનાનું બાહેંધરી પત્ર જમા કરાવી આપેલ. જે વેન્‍ડર દ્વારા બાહેંધરીપત્ર આપવામાં આવેલ હતા. તેઓને ડ્રો થી થડાની ફાળવણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. ફાળવણી થયા બાદ કોઇ પણ ફલાવર વેન્‍ડરને રોડ પર બેસી ધંધો કરવાની મંજુરી નહીં આપવામાં આવે તેવી તંત્ર દ્વારા જે-તે સમયે સુચના પણ અપાઇ હતી. પણ પરિસ્‍થિતી ‘જૈસૈ-થે' જેવી જ બની ગઇ છે.

કુલ થડાની સંખ્‍યા ૮૩ છે. જેમાં કેટેગરી વાઇઝ સાઇઝ- ભાવ નક્કી કરાયેલ. A કેટેગરીમાં ૭૬ થી ૯૪ ચો.ફુટના ૩ થડાના પ્રતિ ચો.ફુટના ૧૦૫૯ રૂપિયા સુખડી પેટે.  B કેટેગરીમાં ૬૧ થી ૭૫ ચો.ફુટના ૨૦ થડાના પ્રતિ ચો.ફુટ ૧૦૫૯ રૂા. તથા  C કેટેગરીના ૪૩ થી ૬૦ ચો.ફુટના ૬૧ થડાના પ્રતિ ચો.ફુટ ૧૦૫૯ રૂા.રાખવામાં આવેલ. જેમાં વેન્‍ડરને થડાની કેટેગરી પસંદ કરવાની છુટ આપવામાં આવી હતી. ત્‍યારબાદ થડા હોલ્‍ડર્સે દર મહિને થડાનું ભાડુ રૂા. ૫૦૦+ જીએસટી ભરપાઇ કરવાનું રહેશેનું પણ જણાવાયેલ.

મનપા દ્વારા રૂા. ૪૮.૫૧ લાખના ખર્ચે નિર્માણ પામેલ ફુલ બજારમાં ૯૯૦ ચો.મી.માં ગેલ્‍વેનાઇઝ પતરાનો શેડ બનાવવામાં આવેલ છે. તેમજ ફુલના વેચાણ માટે ૮૩ થડાનો સમાવેશ થાય છે.

આમ મનપા દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલ ફુલ માર્કેટ આર્ટીફીશ્‍યલ ફલાવર બનીને શોભાના ગાઠીયાની જેમ ઉભી છે.

(4:02 pm IST)