Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજ્યની નંબર વન વિધાનસભા બેઠક ઉપર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય

અભણ હોવા છતાં પોતાના વિસ્તારના કાર્યોના ચિત્ર દોરી વિધાનસભામાં રજૂઆત કરવા માટે જાણીતા : કોંગ્રેસના ઉમેદવાર જત મામદ જુંગ સામે શરૃઆતી રાઉન્ડમાં પાછળ રહ્યા બાદ ૮૦૦૦ની તોતીંગ લીડ કાપી જીત મેળવી

રાજકોટ તા. ૮: રાજ્યની ૧૮૨ વિધાનસભા સીટમાં એક નંબરની અબડાસા વિધાનસભા બેઠક ઉપર ભાજપના અભણ છતાં ભણેલા ઉમેદવારોને શરમાવે તે રીતે પોતાના ક્ષેત્રના કામો કરાવવામાં અવ્વલ રહેતાં અત્યંત સરળ અને સાદા ધારાસભ્ય પદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજાએ ફરી વખત જીત મેળવી છે.

શરૃઆતના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જત મામદ જુંગે કાઠુ કાઢ્યા બાદ  અનેક રાઉન્ડ સુધી પ્રદ્યુમનસિંહ જાડેજા ૫ થી ૮ હજાર મતોથી પાછળ રહ્યા હતાં.  અંતિમ રાઉન્ડ્સમાં તેમણે આ લીડ કાપી ભવ્ય વિજય મેળવ્યાનું જાણવા મળે છે.

લખપત-અબડાસા અને નખત્રાણા તાલુકાના ૪૬૦ ગામોમાં 'પી.એમ.'ના હુલામણા નામે જાણીતા પ્રદ્યુમનસિંહ જાડેજાને લખતા-વાંચતા ન આવડતું હોવા છતાં પોતાના વિસ્તારના ગામોના પ્રશ્નો પોતાની ડાયરીમાં ચિત્ર દોરીને નોંધી લે છે અને આ મુજબ વિધાનસભામાં પોતાની સચોટ રજૂઆતો કરી પોતાના વિસ્તારના લોકોના સતત કામ કરાવતાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ તાજેતરમાં કચ્છની મુલાકાત દરમિયાન તેમની આ આગવી શૈલીને વખાણી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે અમારી સરકારના સક્રિય ધારાસભ્યો પૈકીના એક પ્રદ્યુમનસિંહ જાડેજા છે. તેઓ પોતાના વિસ્તારના કામો લઇ આવે ત્યારે જ્યાં સુધી તે અમારી પાસેથી કરાવી ન લે ત્યાં સુધી ઓફિસ છોડતા નથી.

સતત સક્રિયતા અને લોકચાહનાએ તેમને ભવ્ય વિજય અપાવી ફરી ધારાસભ્ય પદ અપાવ્યું છે. છેલ્લા અહેવાલ મુજબ પ્રદ્યુમનસિંહ જાડેજા ૯૪૦૦ની લીડથી તેમનો વિજય થયો છે.

(4:36 pm IST)